<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

દેશભરમાં વસતી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ગુજરાતમાં શરૂ કરાયેલી ઓનલાઈન સ્વ-ગણતરી ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ૨.૩૬ લાખથી વધુ જાગૃત નાગરિકો ઘરે બેઠા ડિજિટલ અભિયાનમાં જોડાયા

તા. ૨૯ મેના રોજ આરોગ્ય-શિક્ષણ અને તા. ૩૦ મેના રોજ પોલીસ વિભાગના તમામ કર્મયોગીઓ ફરજિયાત ફોર્મ ભરશે : આગામી ૩૧ મે સુધી ચાલનારા પ્રથમ તબક્કાના ડિજિટલ ડેટા કલેક્શનમાં ક્યુઆર કોડ અને પોર્ટલના માધ્યમથી મહત્તમ સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાનો અનુરોધ

 ગાંધીનગર:  દેશના દરેક નાગરિકના મજબૂત, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી રાષ્ટ્રવ્યાપી વસતી ગણતરી-૨૦૨૭ની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ગત તા. ૧૭ મે ૨૦૨૬થી શરૂ કરવામાં આવેલી વિશેષ 'સ્વ-ગણતરી ઝુંબેશ' (Self-Enumeration) ને સમગ્ર રાજ્યભરમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં ટેકનોલોજીના સમન્વય સાથે શરૂ થયેલા આ મહાઅભિયાનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો, તમામ જિલ્લા કલેક્ટરો અને મહાનગરપાલિકાના કમિશનરોએ પોતપોતાના ફોર્મ ઓનલાઈન ભરીને રાજ્યના અન્ય નાગરિકોને પ્રેરણા પૂરી પાડી છે.

આગામી તા. ૩૧ મે ૨૦૨૬ સુધી ચાલનારી આ ડિજિટલ ઝુંબેશમાં અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી અંદાજે ૨.૩૬ લાખથી વધુ મહાનુભાવો અને જાગૃત નાગરિકો ઓનલાઈન સહભાગી બન્યા છે. વસ્તી ગણતરી વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૪૨ હજારથી વધુ નાગરિકોએ પોતાની વિગતો નોંધી છે. આ ઉપરાંત સુરતમાં ૨૨ હજાર, વડોદરા અને આણંદમાં ૧૬-૧૬ હજાર તેમજ રાજકોટમાં ૧૪ હજાર અને મહેસાણામાં ૧૧ હજારથી વધુ નાગરિકો આ ઝુંબેશમાં જોડાયા છે. રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ જણાવ્યું હતું કે, જો રાજ્યના મહત્તમ નાગરિકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરે બેઠા જ સ્વ-ગણતરી ફોર્મ ભરશે, તો તેનાથી વહીવટી તંત્રને સચોટ માહિતી મળશે અને ફિલ્ડમાં જઈને વસતી ગણતરી કરતા કર્મચારીઓ પરનું કામનું ભારણ ઘટશે, જેથી સમગ્ર કામગીરી વધુ ઝડપી બનશે.

 આરોગ્ય, શિક્ષણ અને પોલીસ વિભાગના કર્મયોગીઓ માટે વિશેષ દિવસો નક્કી:

વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોની સાથે સાથે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ પણ આ રાષ્ટ્રીય કાર્યમાં અગ્રેસર રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી તા. ૨૯ મેના રોજ રાજ્યના આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના તમામ કર્મયોગીઓ તેમજ તા. ૩૦ મે ૨૦૨૬ના રોજ પોલીસ વિભાગ અંતર્ગત આવતા રાજ્યભરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઓનલાઈન માધ્યમથી પોતાના સ્વ-ગણતરી ફોર્મ ભરશે.

 ૧૬ ભાષાઓમાં એન્ડ્રોઇડ-iOS એપ અને પોર્ટલ પર ડેટા ઉપલબ્ધ:

વર્ષ ૨૦૨૭ની વસ્તી ગણતરીમાં દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ડિજિટલ સ્વ-ગણતરી પદ્ધતિનો અમલ કરવામાં આવી રહ્યો છે. નાગરિકો માત્ર એક નિશ્ચિત ક્યુઆર (QR) કોડ સ્કેન કરીને અથવા અધિકૃત ઓનલાઈન પોર્ટલ https://se.census.gov.in પર જઈને તા. ૩૧ મે ૨૦૨૬ સુધીમાં પોતાની વિગતો જાતે ભરી શકશે. આ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS ઓપરેટિંગ સિસ્ટમ પર વિશેષ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેમાં ગુજરાતી સહિત દેશની કુલ ૧૬ સત્તાવાર ભાષાઓમાં ઓફલાઇન ડેટા એકત્રિત કરવાની પણ સુવિધા રાખવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ નાગરિકોને એક વિશિષ્ટ 'SE ID' પ્રાપ્ત થશે. જ્યારે વસતી ગણતરીના કર્મચારીઓ રૂબરૂ મુલાકાત લેશે, ત્યારે નાગરિકોએ માત્ર આ આઈડી આપવાનો રહેશે. કર્મચારી આ ડેટાની ઓનલાઈન પુષ્ટિ કરીને તેને મૂળ ડેટાબેઝમાં સામેલ કરી દેશે.

 બે તબક્કામાં યોજાશે સમગ્ર જનગણના, પૂછાશે ૩૩ પ્રશ્નો:

‘જનગણનાથી જન કલ્યાણ’ના મુદ્રાલેખ સાથે યોજાનારી આ સમગ્ર પ્રક્રિયાને મુખ્યત્વે બે મોટા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે:

 *  પ્રથમ તબક્કો (HLO):  આ તબક્કામાં 'ઘરયાદી અને મકાનોની ગણતરી' કરવામાં આવશે. ગુજરાતમાં આ કામગીરી તા. ૧ જૂન ૨૦૨૬ થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન ચાલશે. જેમાં કર્મચારીઓ દ્વારા નાગરિકોને આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, શૌચાલયની ઉપલબ્ધતા અને અન્ય ભૌતિક અસ્કયામતો સહિત કુલ ૩૩ મહત્વના પ્રશ્નો પૂછવામાં આવશે.

 *  બીજો તબક્કો (PE):  આ અંતિમ તબક્કામાં મૂળ 'વસ્તીની ગણતરી' કરવામાં આવશે, જે તા. ૯ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન દેશભરમાં હાથ ધરાશે. આ જ બીજા તબક્કાની કામગીરી દરમિયાન દેશમાં જ્ઞાતિ આધારિત (જાતિ) ગણતરીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે.

 નાગરિકોનો તમામ વ્યક્તિગત ડેટા કાયદાકીય રીતે ગુપ્ત રહેશે:

ડેટા સુરક્ષા અંગે નાગરિકોને સંપૂર્ણ ખાતરી આપતા નિયામક સુજલ જે. મયાત્રાએ સ્પષ્ટ કર્યું હતું કે, જનગણના અધિનિયમ-૧૯૪૮ અને જનગણના નિયમો-૧૯૯૦ની કડક જોગવાઈઓ હેઠળ એકત્રિત કરવામાં આવેલી તમામ વ્યક્તિગત અને પારિવારિક માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ ડેટાનો ઉપયોગ અદાલતી કાર્યવાહી કે કરવેરા (ટેક્સ) ના કોઈ પણ હેતુ માટે ક્યારેય કરી શકાશે નહીં. જોકે, કાયદાકીય જોગવાઈ અનુસાર દરેક નાગરિક સાચી અને સંપૂર્ણ માહિતી આપવા માટે બંધાયેલો છે અને જાણી જોઈને માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડની પણ જોગવાઈ છે. જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા નાગરિકોને કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે ઓનલાઈન માહિતી સહાય માટે ભારત સરકારના સત્તાવાર ટોલ-ફ્રી નંબર ૧૮૫૫ અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(5:28 PM IST)