તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
નેશનલ પરિવહન પોર્ટલના સર્વર અપગ્રેડેશનની કામગીરીને પગલે ઓનલાઈન સેવાઓ ખોરવાઈ : રાજ્યભરની RTO કચેરીઓમાં કામગીરી પ્રભાવિત થતા અરજદારો પરેશાન
NIC દ્વારા ક્લાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર સ્થળાંતરિત કરવાની રાષ્ટ્રીય કક્ષાની પ્રક્રિયા ચાલતી હોવાથી ટેકનિકલ અવરોધ સર્જાયો : અગાઉથી એપોઇન્ટમેન્ટ લેનાર નાગરિકોને જરૂરિયાત મુજબ રી-શેડ્યૂલ કરી આપવા અને સહકાર આપવા તંત્રની અપીલ

ગાંધીનગર : કેન્દ્ર સરકારના 'પરિવહન' (Parivahan) પોર્ટલના સર્વરમાં છેલ્લા ૨-૩ દિવસથી સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે ગુજરાતમાં પણ વાહન વ્યવહારને લગતી સેવાઓ આંશિક રીતે પ્રભાવિત થઈ છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા સિસ્ટમની કાર્યક્ષમતા વધારવાના હેતુથી ક્લાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર અપગ્રેડ અને સ્થળાંતર કરવાની રાષ્ટ્રીય કક્ષાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે આ ટેકનિકલ સ્થિતિ ઉભી થઈ છે.
સર્વર અપગ્રેડેશનની આ પ્રક્રિયા દરમિયાન ઉભી થયેલી સમસ્યાઓને પગલે રાજ્યભરની આરટીઓ (RTO) કચેરીઓમાં વાહન નોંધણી, ટેક્સની ભરપાઈ તેમજ અન્ય ઓનલાઈન સેવાઓ મેળવવામાં નાગરિકો અને વાહન ડીલરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓનલાઈન પોર્ટલ પર લોડિંગ અને એરર આવવાને કારણે અનેક અરજીઓ અટવાઈ પડી છે.
વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવ્યા અનુસાર, NIC અને સંબંધિત ટેકનિકલ ટીમો દ્વારા આ સમસ્યાના ઝડપી નિરાકરણ માટે હાલ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આગામી ટૂંક સમયમાં જ તમામ ઓનલાઈન સેવાઓ રાબેતા મુજબ પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
વધુમાં, વિભાગ દ્વારા રાજ્યની તમામ RTO કચેરીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે જે અરજદારોએ અગાઉથી એપોઇન્ટમેન્ટ બુક કરાવી છે અને સર્વર ડાઉનને કારણે કામગીરી કરાવી શક્યા નથી, તેમને જરૂરિયાત મુજબ એપોઇન્ટમેન્ટ રી-શેડ્યૂલ કરી આપવામાં આવે. કચેરી ખાતે આવતા નાગરિકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા પણ જણાવાયું છે. ટેકનિકલ કારણોસર સર્જાયેલી આ અસુવિધા બદલ વિભાગ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગરિકોને તંત્ર સાથે સહકાર આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
