<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

અંકલેશ્વરના અડોલ ગામ નજીક એક્સપ્રેસ-વે પર હાઈ-ટેન્શન લાઈનની કામગીરી પૂર્વ સૂચના વિના શરૂ થતાં 4 કલાક સુધી ભારે ટ્રાફિક જામ

કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગીઃ મુસાફરોએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો.

અમદાવાદઃ અંકલેશ્વરના અડોલ ગામ પાસેના નવા એક્સપ્રેસ હાઈવે પર ગાબડાં પડવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં ફરી એકવાર હાઈ-ટેન્શન લાઈનની કામગીરી માટે કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી, ટ્રાફિક ડાયવર્ઝન કે સુરક્ષાની વ્યવસ્થા કર્યા વિના કામગીરી શરુ કરી દેતાં વાહનચાલકોની હાલત કફોડી થઈ જવા પામી છે.

કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક જ એક્સપ્રેસ-વે પર હાઈ-ટેન્શન લાઈનના વાયરો રસ્તાની વચ્ચે મૂકીને કામગીરી શરૂ કરી દેવાઈ હતી. આ અણધારી કામગીરીના કારણે ગણતરીની મિનિટોમાં જ વાહનોની કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી. આશરે 4 કલાક સુધી વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા.

સુરતથી વડોદરા અને વડોદરાથી સુરત-નવસારી તરફ ઝડપથી પહોંચવા અને શહેરના ટ્રાફિકથી બચવા માટે ભારે ટોલ ટેક્સ ચૂકવીને આ રસ્તાનો ઉપયોગ કરતા મુસાફરો જ અહીં બંધક બની ગયા હતા. સ્થિતિ એટલી વણસી ગઈ કે રોષે ભરાયેલા વાહનચાલકોએ સ્થળ પર જઈને કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર અને તેના માણસોને ઘેરાવ કર્યો હતો. બંને પક્ષો વચ્ચે તીખી બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું.

મુસાફરોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા અગાઉથી સૂચના આપવામાં આવી હોત અથવા વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હોત, તો લોકોનો કિંમતી સમય આ રીતે ન બગડ્યો હોત. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના વરસાદ બાદ આ એક્સપ્રેસ-વે પર ઠેર-ઠેર પડેલા ખાડાઓથી મુસાફરો પહેલાથી જ તોબા પોકારી ગયા છે.

(2:01 PM IST)