News of Thursday, 19th November 2026
રાજ્યભરમાં આજથી ‘ઓપરેશન હેલ્થ’ શરૂ : હાઈવેની હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓ પર સઘન તપાસનો આરંભ : તમામ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા એકમોનું ઓનલાઈન ઈન્સ્પેક્શન FoSCoS પોર્ટલ મારફતે કરવામાં આવશે
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ બાદ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ મેગા ડ્રાઈવ : શંકાસ્પદ એકમો સામે લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહીની ચેતવણી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓને ગુણવત્તાયુક્ત, શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા અંગે મોટું પગલું ભરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગ તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વરિષ્ઠ અધિકારીઓની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાદ્ય પદાર્થોના વેચાણમાં પારદર્શિતા લાવવા અને લોકોના આરોગ્યની સુરક્ષા જાળવવા માટે વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.
૧૯ નવેમ્બરથી હાઈવે કોરિડોર પર વિશેષ ઝુંબેશ:
બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, નેશનલ હાઈવે અને રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી હોટેલો, રેસ્ટોરન્ટ્સ, ઢાબાઓ તેમજ ફૂડ સર્વિસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬’ અંતર્ગત ૧૯ નવેમ્બર, ૨૦૨૬થી સમગ્ર ગુજરાતમાં “ઓપરેશન હેલ્થ” નામની ખાસ તપાસણી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના સુચારુ સંચાલન માટે મહાનગરપાલિકાઓ સહિત તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને સૂચનાઓ આપવામાં આવી છે અને હાઈવે પરના એકમોનું ચેકિંગ સંબંધિત જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવશે.
ફોસ્કોસ પોર્ટલ દ્વારા ઓનલાઈન ઈન્સ્પેક્શન અને સ્વચ્છતાના નિયમો:
તપાસણી કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ રહે તે માટે તમામ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા એકમોનું ઓનલાઈન ઈન્સ્પેક્શન FoSCoS (Food Safety Compliance System) પોર્ટલ મારફતે કરવામાં આવશે. ખાદ્ય એકમોમાં કામ કરતા રસોઈયા અને કર્મચારીઓ માટે કેપ, એપ્રોન અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવાનું તેમજ રસોડા અને આસપાસના વિસ્તારમાં ઊંચી સ્વચ્છતા જાળવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ દ્વારા પણ સ્થળ પર જ ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવશે.
નિયમભંગ કરનારા એકમો સામે કડક દંડાત્મક પગલાં:
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકો અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી કે ચેડાં ચલાવી લેવામાં આવશે નહીં. ચેકિંગ દરમિયાન જ્યાં પણ શંકાસ્પદ સ્થિતિ જણાશે ત્યાં તરત જ ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવશે. ફૂડ સેફ્ટી એક્ટના ‘શિડ્યુલ-૪’ના નિયમોનો ભંગ કરનારા એકમો સામે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવાથી શરૂ કરીને લાયસન્સ સસ્પેન્ડ કરવા કે કાયમી ધોરણે રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. તેમણે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોને સ્વયંભૂ રીતે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
