તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦ દ્વારા ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની મોટી સફળતા : સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના પોલીસ મહાનિદેશક ડો.કે.લક્ષ્મી નારાયણ રાવ અને પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરેના માર્ગદર્શનમાં ઉંઝા, ભાવનગર, રાજકોટ અને સુરતમાંથી ૬૨૨ કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ
પોલીસ અધિક્ષકો ડો. રાજદીપસિંહ ઝાલા, સંજયકુમાર કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ ૪૦ આરોપીઓની ધરપકડ : ૧૦૩૯ ફરિયાદો અને ૨૮૮ કરોડથી વધુના આંતરરાજ્ય કૌભાંડનો ભેદ ઉકેલાયો

ગાંધીનગર:વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓને નાથવા માટે સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના પોલીસ મહાનિદેશક ડો.કે.લક્ષ્મી નારાયણ રાવ તથા પોલીસ મહાનિરીક્ષક (ક્રાઇમ-૪) બિપીન આહિરે દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરની ટીમે 'ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦' અંતર્ગત છેલ્લા એક મહિનામાં સઘન કામગીરી કરી દેશવ્યાપી સાયબર ફ્રોડ નેટવર્ક ઝડપી પાડ્યું છે.
કુલ ૬૨૨ કરોડનું આર્થિક કૌભાંડ:
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં કુલ ૪૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા કુલ ફ્રોડની રકમ ૬૨૨ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે, જેમાં ૧૦૩૯ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. તાજેતરની રેઇડમાં ઉંઝા, ભાવનગર, રાજકોટ અને સુરત ખાતેથી ૦૮ આરોપીઓને ઝડપી પાડી ૨૮૮ કરોડથી વધુના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
વિવિધ શહેરોમાંથી ઝડપાયેલા આરોપીઓ અને વિગતો:
સુરત અને ભાવનગર: અહીંથી મુકેશ દેવાભાઇ મેર અને ફરદિનખાન નાસીરખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ૦૪ મોબાઈલ, ૦૧ લેપટોપ, ૧૨૫ પેઢીઓની વિગતો, ૬૫ વ્યક્તિઓના આઇ.ડી. અને ૮૬૮ બનાવટી ઇનવોઈસ મળી આવ્યા છે. આ જૂથ દ્વારા અંદાજે રૂ. ૧૭૪ કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે, જે અંગે દેશભરમાં ૮૧ એફ.આઇ.આર. નોંધાયેલી છે.
ઉંઝા: અહીંથી અક્ષય મહેંદ્રભાઈ પટેલ અને દેવેંદ્ર કાંતીભાઇ પટેલની ધરપકડ કરાઈ છે. તેઓ પેઢીઓના નામે મલ્ટિપલ બેંક ખાતાઓ ખોલાવી ફ્રોડના નાણાં મેળવતા હતા. અહીં અંદાજે ૧૧૪ કરોડથી વધુની છેતરપિંડીની ૧૨૫ અરજીઓ મળી આવી છે.
રાજકોટ: રાજકોટ ખાતેથી ચેતન નારણભાઈ અમલાણી, જતીન પ્રફુલભાઈ કક્કડ, કપિલ ભાઈ સુરેશભાઈ કોટક અને મહેન્દ્ર ભાઈ માધવજીભાઈ કોકિયાની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી ૨૬ અરજીઓ અને અંદાજે રૂ. ૫૯,૭૯,૩૪૫/- ના ફ્રોડની વિગતો સામે આવી છે.
મોડસ ઓપરેન્ડી અને સાવચેતી:
આ આરોપીઓ કમિશનની લાલચ આપી લોકોના બેંક ખાતાઓ મેળવતા હતા અથવા પેઢીના નામે ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવતા હતા. ત્યારબાદ આ નાણાં આંગડીયા મારફતે સગેવગે કરવામાં આવતા હતા. આ નેટવર્ક ઓનલાઈન ફાઇનાન્સિયલ ફ્રોડ, યુપીઆઈ ફ્રોડ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરતું હતું.
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કમિશનની લાલચમાં આવી પોતાના બેંક ખાતાની વિગતો કોઈને આપવી નહીં. જો કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવો. સંવેદનશીલ કિસ્સાઓમાં માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
તપાસ ટીમ:
આ સફળ કામગીરીમાં પોલીસ અધિક્ષકો ડો. રાજદીપસિંહ ઝાલા, સંજયકુમાર કેશવાલા અને વિવેક ભેડાના માર્ગદર્શન હેઠળ ડી.પો.ઈન્સ. આર.આર.સોલંકી, પી.એમ.જુડાલ, આર.બી.વિહોલ, બી.પી.મેગલાતર, જે.એસ.પટેલ, ચિરાગ ગોસાઈ, એ.બી ચૌધરી તેમજ પો.ઈન્સ. વૈભવ જોટાણીયા, કુલદીપ પરમાર અને અન્ય સ્ટાફના સભ્યો જોડાયા હતા. ટેકનિકલ સહયોગમાં છત્રપાલસિંહ ચુડાસ્મા, રાકેશ સોલંકી અને પૂજા સીતાપરાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
