<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીના 6 મહિના બાદ પણ અટવાયું વિપક્ષ નેતાનું કોકડું: કોંગ્રેસ હજુ નામ નક્કી કરી શકી નથી

મિશન-2027 ની વાતો વચ્ચે 32 કોર્પોરેટરોમાં એકમતી ન સધાતા જૂથવાદ ચરમસીમાએ: નીરવ બક્ષી અને શહેઝાદખાનના નામોને લઈને લોબિંગ તેજ :દિલ્હીના નિરીક્ષક કુલદીપ ઇન્દોરાએ સેન્સ લીધા છતાં કોકડું અકબંધ

અમદાવાદ :ગુજરાતમાં મિશન-2027 માટે સંગઠનને મજબૂત કરવાની અને ભાજપ સામે મજબૂત લડાઈ લડવાની વાતો કરતી કોંગ્રેસ હાલ 'ઘરના જ ભૂવા'થી પરેશાન જોવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMC ની ચૂંટણીના પરિણામો આવ્યાને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોંગ્રેસ હજુ સુધી વિપક્ષના નેતાનું એક સર્વમાન્ય નામ નક્કી કરી શકી નથી. માત્ર 32 કોર્પોરેટરો વચ્ચે એકમતી સાધવામાં અને એક 'સેનાપતિ' પસંદ કરવામાં પ્રદેશ નેતૃત્વને પરસેવો છૂટી રહ્યો છે.

 

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રણદીપ સુરજેવાલાની નિયુક્તિ થયા બાદ પક્ષના કાર્યકરોને એવી આશા હતી કે આંતરિક જૂથવાદ પર લગામ લાગશે અને નિર્ણયો ઝડપથી લેવાશે. પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત જોવા મળી રહી છે. સુરજેવાલાની હાજરી બાદ પણ અમદાવાદ કોંગ્રેસમાં જૂથવાદ અજેય સાબિત થયો છે.

 

સ્થાનિક સ્તરે 32 કોર્પોરેટરોમાં સહમતિ ન સધાતા આખરે AICC એ રાજસ્થાનના સાંસદ કુલદીપ ઇન્દોરાને ખાસ નિરીક્ષક તરીકે અમદાવાદ મોકલ્યા હતા. તેમણે તમામ 32 કોર્પોરેટરોની રૂબરૂ સેન્સ પણ લીધી હતી. જોકે, આંતરિક ખેંચતાણ એટલી હદે તીવ્ર છે કે દિલ્હીના નિરીક્ષક પણ આ કોકડું ઉકેલી શક્યા નથી અને આખો મામલો ફરીથી પ્રદેશ પ્રમુખના ખોળામાં નાખી દેવામાં આવ્યો છે.

 

 

 

અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતાના પદ માટે હાલ બે મુખ્ય નામો—નીરવ બક્ષી અને શહેઝાદ ખાન વચ્ચે સીધો જૂથવાદ જોવા મળી રહ્યો છે. આ બંને નામોને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમિત ચાવડા, શૈલેષ પરમાર અને ઈમરાન ખેડાવાલા વચ્ચે લોબિંગ અત્યંત તેજ બન્યું છે. પોતપોતાના માનીતા કોર્પોરેટરને પદ અપાવવા માટે ચાલી રહેલી આ રસાકસીએ પક્ષની આંતરિક નબળાઈને જાહેરમાં છતી કરી દીધી છે.

(9:01 PM IST)