News of Thursday, 26th November 2026
સંવિધાનના મૂળ ચિત્રોમાં ભારતીય સંસ્કૃતિ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણનું દર્શન સામેલ: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
ભવિષ્યમાં યુવાનો જ વિધાનસભા અને લોકશાહીના વાહક બનશે :વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી:વિધાનસભા ખાતે સંવિધાન દિવસે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં લો કોલેજના વિદ્યાર્થીઓ સાથે “પરિસંવાદ” યોજાયો

ગાંધીનગર :વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર તાલીમ સમિતિ અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં યુવાનો જ વિધાનસભા અને લોકશાહીના વાહક બનશે. ભવિષ્યમાં યુવાનો જ વિધાનસભાનો ભાગ બનીને કાયદા ઘડવાની પ્રક્રિયામાં પ્રત્યક્ષ ભાગીદાર બનવાના છે. તેમણે બંધારણના ભાગ છમાં અનુચ્છેદ ૧૬૮, ૧૭૦ અને ૧૭૨ સહિતના અનુચ્છેદોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, વિધાનસભા હોય કે લોકસભા, કાયદો બનાવવાની પ્રક્રિયા ગૃહમાં થાય છે અને તેમાં યુવાનોની ભૂમિકા મહત્ત્વની રહેશે.
શાસન અને ન્યાયતંત્રની ત્રિવિધ વ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે, કાયદો બનાવવાનું કામ અલગ છે, તેનો અમલ કેબિનેટ અને બ્યુરોક્રેટ્સ દ્વારા થાય છે, જ્યારે અન્યાય, કાયદા કે ડ્રાફ્ટિંગના 'ગ્રે એરિયા' કે અર્થઘટનના પ્રશ્નોમાં ન્યાયતંત્ર દ્વારા ન્યાય મળે છે. યુવાનો ભવિષ્યમાં સારા એડવોકેટ બનીને કાનૂની ભાષામાં રજૂઆત કરી શકે છે અને ન્યાયપ્રક્રિયામાં જજિસ પણ બની શકે છે.
સંવિધાનની શક્તિ સમજાવતાં અધ્યક્ષએ કહ્યું કે, તેઓ પોતે પણ એક વિદ્યાર્થી અને સામાન્ય પરિવારના નાગરિક તરીકે આજે વિધાનસભાના સ્પીકરના સ્થાને પહોંચ્યા છે. વડનગર જેવા નાનકડા ગામના સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આગળ વધીને નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બની શક્યા, તે દેશના સંવિધાનને કારણે શક્ય બન્યું છે. વૈદિક કાળમાં 'ન રાજા ન રાજ્યં ન દંડો ન દંડિતઃ' જેવી કલ્પના રહી છે, પરંતુ સામાન્ય વ્યક્તિને પુરુષાર્થથી આગળ વધવાની સ્પષ્ટ તક આપતું સંવિધાન આપણને મળ્યું છે.
સંવિધાનના વિવિધ ખંડોમાં મૂકવામાં આવેલા ચિત્રોનો અર્થ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, મોહેં-જો-દડોનો નંદી- બળદ એ ભારત કોઈ નવું બનેલું રાષ્ટ્ર નથી, પરંતુ આદિકાળથી ચાલી આવતી પુરાતન અને કૃષિપ્રધાન સંસ્કૃતિ તથા જીવનશૈલીનો પરિચય આપે છે.વૈદિક આશ્રમ અને યજ્ઞ એ પ્રકૃતિનું શોષણ નહીં પરંતુ તેનું સંવર્ધન અને દોહન, સ્વચ્છ હવા-પાણી-પર્યાવરણ સાથે 'હેપીનેસ ઇન્ડેક્સ' તથા 'સર્વે ભવંતુ સુખિનઃ' અને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના સાથે સૃષ્ટિના કલ્યાણ માટે જીવવાનો સંદેશ આપે છે.
જ્યારે રામાયણનું દ્રશ્ય એ અન્યાય સામે સંઘર્ષ કરીને નારી સ્વતંત્રતા અને ન્યાય મેળવવાના કર્તવ્ય, દરેકની વાત સાંભળવાની વૃત્તિ, ટીકાને ટોનિક સમજીને સકારાત્મક લેવાની ભાવના તેમજ પ્રજાની સુખાકારીને કેન્દ્રમાં રાખતા 'રામરાજ્ય'નું પ્રતીક છે.
તેમણે ઉમેર્યું હતું કે,ગીતા ઉપદેશ અને ભગવાન બુદ્ધ-મહાવીર એ અન્યાય કે નિરાશાના સમયે 'યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત' મુજબ આત્મવિશ્વાસ અને મેનેજમેન્ટ દ્વારા આગળ વધવાની પ્રેરણા આપે છે. શરીરની સાથે મન, બુદ્ધિ, ચિત્ત અને આત્માના કલેક્ટિવ સુખ તથા બીજાને સુખ આપીને સુખી થવાના નાગરિક કર્તવ્ય પર ભાર મૂકે છે. બિહાર કે ઉત્તર પ્રદેશ જેવા પ્રદેશમાંથી ઉદભવેલા વિચારો અને ધર્મ દ્વારા અહિંસા, શાંતિ અને શાશ્વત સુખની શોધનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડવાની વાત દર્શાવે છે.
તેમણે કહ્યું કે, સમસ્યાઓના ઉકેલ માટે શોર્ટકટને બદલે પદ્ધતિસરની પ્રક્રિયા અને 'ચરૈવેતિ ચરૈવેતિ'ના ભાવ સાથે સતત આગળ વધવું જરૂરી છે. સમય અને પેઢીના બદલાવ મુજબ દેશાનુકૂળ સુધારા કરી શકાય, પરંતુ મૂળ સિદ્ધાંતોથી ભટકવું ન જોઈએ. પરિવાર અને રાષ્ટ્રની વ્યવસ્થાની સરખામણી કરતાં તેમણે કહ્યું કે, ટેક્સ અને જાહેર સુવિધાઓ આપણા જ પૈસાથી બને છે; તેથી વિરોધ કે અસંતોષમાં તોડફોડ કરવાને બદલે સંવાદ, શિસ્ત અને નિયમોનું પાલન કરવું જોઈએ.
કાર્યક્રમ અંગે અધ્યક્ષએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પોતે સમય અને વિષયના નિયમો નક્કી કરીને, પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ સંવિધાન પર સ્વસ્થ ડિબેટ કરે અને તેનું રેકોર્ડિંગ પણ સાચવે તે જરૂરી છે.જેથી તેમાંથી પણ કંઈ નવું જાણવા-શીખવા મળશે તેમ,જણાવી અધ્યક્ષશ્રીએ સૌને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, કોઈપણ દેશના શાસન અને વહીવટ માટેનો સર્વોચ્ચ કાયદાકીય દસ્તાવેજ એટલે બંધારણ. આમુખમાં "અમે ભારતના લોકો" એ માત્ર શબ્દો નથી, પરંતુ લોકશાહીની તાકાત છે. તા. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં બંધારણ સ્વીકૃત થયું હતું, જ્યારે પૂર્ણ સ્વરાજના સંકલ્પની સ્મૃતિમાં ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી તેનું અમલીકરણ થયું. વિશ્વના વિવિધ દેશોના બંધારણમાંથી શ્રેષ્ઠ બાબતો—જેમ કે મૂળભૂત ફરજો, મૂળભૂત હકો, સંસદીય શાસનપદ્ધતિ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તેમજ સ્વતંત્રતા, સમતા અને બંધુતાના આદર્શો—આપણા બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
અનુચ્છેદ-૩૬૮ હેઠળ બંધારણ સુધારાની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ જેમકે સજ્જનસિંહ, ગોલકનાથ અને કેશવાનંદ ભારતી કેસનો ઉલ્લેખ કરતાં ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આ કેસોમાં બંધારણના મૂળ ઢાંચાને જાળવી રાખીને લોકહિત અને લોકકલ્યાણ માટે સુધારા થયા છે. GST બંધારણનો ૧૦૧મો સુધારો, પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો, કલમ-૩૭૦ નાબૂદી અને સમાન નાગરિક ધારા -UCC ની દિશામાં લેવાયેલા પગલાંનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના સંબોધનને યાદ કરતાં તેમણે કહ્યું કે, ઉત્તમ બંધારણની સાથે ઉત્તમ નીતિ, નિયત અને નેતૃત્વ હોય ત્યારે સુવર્ણ યુગનું નિર્માણ થાય છે. 'વિકસિત અને આત્મનિર્ભર ભારત @ ૨૦૪૭' ના લક્ષ્યને સાકાર કરવા બંધારણીય મૂલ્યોનું સન્માન અને જતન કરવાનો સૌને સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું.
વિધાનસભાના સચિવ ચેતન પંડ્યાએ સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ આપણા રાષ્ટ્રજીવનનું માર્ગદર્શક છે, જે અધિકારો સાથે નાગરિકોને ફરજો યાદ કરાવે છે. ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત આ પરિસંવાદમાં સમાન નાગરિક સંહિતા, ડિજિટલ યુગના અધિકારો અને બંધારણની ૭૫ વર્ષની સિદ્ધિઓ પર ચર્ચા થશે. ખાસ કરીને યુવા પેઢી બંધારણીય મૂલ્યોને સમજી, આત્મસાત કરી અને રાષ્ટ્ર નિર્માણમાં જવાબદારીપૂર્વક વધુ યોગદાન આપે તેવો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આજના અવસરને બંધારણને માત્ર જાણવાનો નહીં, પરંતુ તેને સમજવાનો, આત્મસાત કરવાનો અને તેના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ દિવસ બનાવીએ તેમ, પંડ્યાએ ઉમેર્યું હતું.
આજના પરિસંવાદમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સમાન નાગરિક સંહિતા અને ધાર્મિક સ્વતંત્રતા, ડિજિટલ યુગ અને મૂળભૂત અધિકારો તેમજ ભારતીય બંધારણના ૭૫થી વધુ વર્ષ: સિદ્ધિઓ અને પડકારો વિષય ઉપર સંવાદ યોજાયો હતો.
આ પરિસંવાદ અને બંધારણ પૂજન કાર્યક્રમમાં ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ કોલેજ -ગાંધીનગર, સરકારી આર્ટ્સ કોલેજ, પી. કે. ચૌધરી મહિલા કોલેજ -ગાંધીનગર, મોતીલાલ નહેરૂ લો કોલેજ -અમદાવાદ, સરકારી લો કોલેજ- મણિનગર, સિદ્ધાર્થ લો કોલેજ - ગાંધીનગર, વિવેકાનંદ લો કોલેજ તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો, નિરમા યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
