<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

વડોદરામા ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસમાં ‘ભડકો’, કલાકો સુધી ગુમ રહેલા ઉમેદવાર કાનુ પ્રજાપતિ અચાનક ફોર્મ ખેંચવા પહોંચતા પ્રાંત કચેરીએ ભારે હોબાળો

ટિકિટ ન મળતા નારાજ કાર્યકરોએ ઉમેદવારને ઘેરી લીધા, 'વેચાઈ ગયા'ના નારા લાગ્યા, પોલીસ બોલાવવી પડી, શહેર પ્રમુખની હાજરીમાં જ આંતરિક જૂથવાદ ખુલ્લો પડ્યો

વડોદરા તા.૧૫:વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસમાં મોટો ભડકો થયો હતો. વોર્ડ નંબર 18ના કોંગ્રેસના ઉમેદવાર કાનુ પ્રજાપતિ કલાકો સુધી ગુમ રહ્યા બાદ અચાનક પ્રાંત કચેરીએ ફોર્મ ખેંચવા પહોંચતાં ભારે હંગામો મચ્યો હતો. ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકરોએ ઉમેદવારને ઘેરી લઈ 'ગદ્દાર' અને 'વેચાઈ ગયા'ના નારા લગાવ્યા હતા. પરિસ્થિતિ વણસતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

 

પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસે વોર્ડ 18થી કાનુ પ્રજાપતિને ઉમેદવાર બનાવ્યા હતા. આજે સવારથી જ પ્રજાપતિનો કોઈ સંપર્ક થઈ શકતો ન હતો. તેમનો મોબાઈલ બંધ આવતો હતો અને કાર્યકરો તેમને શોધતા ફરતા હતા. કોંગ્રેસના કાર્યકરોને શંકા હતી કે ભાજપના દબાણને કારણે ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લેશે. બપોરે 3 વાગ્યાની આસપાસ કાનુ પ્રજાપતિ અચાનક પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

 

આ સમાચાર મળતાં જ કોંગ્રેસના ટેકેદારો મોટી સંખ્યામાં પ્રાંત કચેરીએ દોડી આવ્યા હતા. ઉશ્કેરાયેલા કાર્યકરોએ ઉમેદવારને ઘેરી લીધા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ આક્ષેપ કર્યો કે ભાજપે રૂપિયાની લાલચ આપીને અને દબાણ કરીને ફોર્મ પાછું ખેંચાવ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં જ કાર્યકરોએ ઉગ્ર રજૂઆત કરતાં પક્ષનો આંતરિક જૂથવાદ ખુલ્લો પડી ગયો હતો.

 

ઘટનાસ્થળે હાજર કોંગ્રેસના એક વરિષ્ઠ આગેવાને જણાવ્યું કે, "અમને સવારથી શંકા હતી. ઉમેદવારનો ફોન બંધ હતો. અમે માનીએ છીએ કે ભાજપે લોકશાહીની હત્યા કરી છે. અમારા ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ પાછા ખેંચાવી રહ્યા છે." જોકે કાનુ પ્રજાપતિએ મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો.

 

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારને સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ટિકિટ વહેંચણીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. અગાઉ લોકસભા ચૂંટણીમાં પણ વડોદરાના ઉમેદવાર બદલવાના મુદ્દે કોંગ્રેસમાં ભારે વિવાદ થયો હતો.

(4:36 PM IST)