News of Monday, 12th October 2026
વડોદરાના હાથીખાના વિસ્તારમાં બડી મસ્જિદની પાસે રહેણાક મકાનમાં એસીના આઉટડોર યુનિટમાં બ્લાસ્ટ: 5 લોકોને ઇજા
વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેની ઝપેટમાં આવવાથી ઘરમાં રહેલ ગૅસ સિલિન્ડરમાં પણ ધડાકાભેર બ્લાસ્ટ થયો: સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી

વડોદરા શહેરના સંવેદનશીલ અને ગીચ ગણાતા હાથીખાના વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. હાથીખાના વિસ્તારમાં આવેલી બડી મસ્જિદની પાસે આવેલા એક રહેણાક મકાનમાં અચાનક એસીના આઉટડોર યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેની ઝપેટમાં આવવાથી ઘરમાં રહેલ ગૅસ સિલિન્ડરમાં પણ ધડાકાભેર બ્લાસ્ટ થઈ ગયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, હાથીખાના વિસ્તારમાં રહેતા મલેક પરિવારના ઘરે આ અકસ્માત સર્જાયો હતો. ઘરમાં અચાનક એસીના આઉટડોર યુનિટમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ અને ગરમીના કારણે ઘરમાં રાખેલો ગૅસ સિલિન્ડર પણ ફાટી ગયો હતો. ગૅસ બોટલ ફાટવાના પ્રચંડ ધડાકાને કારણે આખા મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે અને ઘરની દીવાલો તથા સામાન ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે
આ અકસ્માતમાં ઘરમાં હાજર પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત થનારાઓમાં વસીમ મલેક, તઇજા મલેક, મહેમુદા મલેક, શહેનાઝ મલેક અને રૂબીના મલેકનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની તબીબી સારવાર ચાલી રહી છે.
ઘટનાની ગંભીરતા જોતાં મોટો જાનહાનિ થવાની પૂરી સંભાવના હતી, પરંતુ સદનસીબે સમયસર રાહત અને બચાવ કાર્ય શરૂ થઈ જવાથી કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી, જેને લઈને સ્થાનિક તંત્ર અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ શું હતું.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
