તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
‘‘પૂ. ભાઇશ્રી'' રમેશભાઇ ઓઝાનાં પ્રાગટય દિવસની ‘‘સેવા દિવસ'' તરીકે ઉજવણી
પોરબંદર,ગુજરાત તથા ,દેશના અનેક શહેરો અને વિશ્વના કેટલાય દેશોમાં અનેક આધ્યાત્મિક-સામાજિક સેવાકીય પ્રકલ્પોઃ પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં ‘‘પૂ.ભાઈશ્રી''ના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે વિધિવિધાન સાથે વર્ધાપન પૂજનઃ શ્રી હરિમંદિરના શિવાલયમાં રુદ્રાભિષેક અને મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩૧: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રના લોકહિતચિતક રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ ઉપક્રમમાં આજે તા.૩૧-૦૮-૨૬, સોમવારના રોજ પોરબંદર, ગુજરાત, તથા દેશના અનેક શહેરોમાં અને વિશ્વના કેટલાય દેશોમાં અનેક આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય પ્રકલ્પો દ્વારા પૂજ્ય ભાઇશ્રીનો ૭૦મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
શ્રીહરિ મંદિરમાં વર્ધાપન પૂજાવિધિ
આ અવસરે પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં સવારે પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે વિધિવિધાન સાથે વર્ધાપન પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ હરિમંદિરના શિવાલયમાં રુદ્રાભિષેક અને મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું
ધર્મસભા
શ્રી હરિમંદિરના સભાગૃહમાં સનાતન ધર્મ, સેવા, સંસ્કાર અને આધ્યાત્મિક જીવનના મહત્ત્વ પર સાંદીપનિના ઋષિ દ્વારા સત્સંગ-પ્રવચન સંપન્ન થશે.
સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ બ્લડ ડોનેશન કેમ્પ
આ સાથે સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં સાંદીપનિના ઋષિકુમારો અને અધ્યાપકો અને કર્મચારીઓ દ્વારા તેમજ પોરબંદર શહેરના રકતખાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યુ હતું.
વૃક્ષારોપણ
વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન માટે પૂજ્ય ભાઈશ્રીનો પહેલેથી જ પ્રેરણા આપતા રહ્યા છે. આથી પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટે સેવાદિવસના અવસરે મહાનુભાવોના હસ્તે સાંદીપનિ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગૌ સેવા
સેવા દિવસે સાંદીપનિ ગૌશાળામાં ગૌ માતાની પૂજા, વિશેષ ગૌ સેવા, તુલાદાન વગેરે સેવાઓ કરવામાં આવી હતી.
મિષ્ટાન્ન ભોજન સેવા
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે પોરબંદરની અનેક સંસ્થાઓમાં તેમજ શ્રીહરિમંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે તથા સેવા દિવસ નિમિત્તે આવેલા મહેમાનો માટે સાંદીપનિ સંસ્થા દ્વારા મિષ્ટાન્ન ભોજન આપીને અન્નદાનની સેવા આપવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાન
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્ય દિવસ સેવાદિવસ નિમિત્તે પ્રતિવર્ષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. એમ આ વર્ષે પણ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ વર્ષે શ્રીહરિમંદિર પરિસર તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને સ્વચ્છ, સુંદર અને પવિત્ર વાતાવરણ બનાવવાનો સંકલ્પ કરવામાં આવશે.
આ તમામ સેવાકીય કાર્યક્રમોમાં સહભાગી બનવા માટે સૌ ભાવિકોને સાંદીપનિ સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
