News of Thursday, 17th September 2026
એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પદ્મકાંત ત્રિવેદીની વરણી
વરિષ્ઠ પત્રકારોની ઉપસ્થિતિમાં નિમણૂંક જાહેર; પત્રકારહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠિત પ્રયાસની ખાતરી

કડી : એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનના ગુજરાત પ્રદેશ પ્રમુખપદે વરિષ્ઠ પત્રકાર અને વીઆર લાઇન ન્યૂઝ ચેનલના ડિરેક્ટર શ્રી પદ્મકાંત ત્રિવેદી (મો. ૯૯૭૯૮ ૭૬૧૨૩)ની વરણી કરવામાં આવી છે. કડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પત્રકારોએ સંગઠનને મજબૂત બનાવવા અને પત્રકારહિત માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનના ગુજરાત પ્રદેશ પ્રમુખપદે વરિષ્ઠ પત્રકાર શ્રી પદ્મકાંત ત્રિવેદીની વરણી કરવામાં આવી છે. નેશનલ એક્ઝિક્યુટિવ મેમ્બર શ્રી લક્ષ્મણ પટેલે રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખની સૂચના અનુસાર આ જાહેરાત કરી હતી.
કડી સ્થિત સર્વ વિદ્યાલય કેળવણી મંડળના કેમ્પસમાં આવેલા શ્રી બ્રહ્માણી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના અગ્રણી વરિષ્ઠ પત્રકાર શ્રી વિપુલ બ્રહ્મભટ્ટ (૯૯૭૮૪ ૦૬૧૯૨) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી દૈનિક, સાપ્તાહિક અને પાક્ષિક અખબારો સાથે સંકળાયેલા પત્રકારમિત્રોએ હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પત્રકારોએ સંસ્થા પ્રત્યે સમર્પણભાવ વ્યક્ત કરી ભવિષ્યમાં ખભેખભા મિલાવી કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. શ્રી પદ્મકાંત ત્રિવેદીની નિમણૂકને તાળીઓના ગુંજારવ વચ્ચે વધાવવામાં આવી હતી. શ્રી રાજેન્દ્રભાઈ લીંબાચીયાએ ઉપસ્થિત પત્રકારમિત્રો માટે સ્નેહભોજનની વ્યવસ્થા કરી હતી.
કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેન અનિવાર્ય સંજોગોને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. જોકે તેમણે પત્રકારોના હિતમાં સતત સાથ-સહકાર આપવાની ખાતરી આપી હોવાનું જણાવાયું હતું. હોદ્દેદારોએ પત્રકારોને પડતી વિવિધ મુશ્કેલીઓના નિવારણ માટે અભિપ્રાયો મેળવી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવાની બાંહેધરી આપી હતી.
સંસ્થાના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિજયશંકર ચતુર્વેદી અને સેક્રેટરી જનરલ શ્રી કવડલે ચન્નાપ્પાના માર્ગદર્શન હેઠળ એસોસિએશન દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે. ગુજરાતમાં સંગઠનની કારોબારી રચના બાદ ટૂંક સમયમાં નવા હોદ્દેદારોનો શપથવિધિ તથા પત્રકાર સન્માન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કુંતલભાઈ નિમાવતે કર્યું હતું. તેમણે વધુ પત્રકારો અને તંત્રીમિત્રોને સંગઠન સાથે જોડાવા અપીલ કરી હતી.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
