તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
પાદરામાં ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધતા સોખડા રાઘુ અને કોટના કોઝવે પાણીમાં ડૂબ્યા
ભારે વરસાદના પગલે વડોદરાના પાદરા પંથકમાં માર્ગો બંધ થયા, પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

પાદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં પાણીની આવક અચાનક મોટા પ્રમાણમાં વધતા સોખડા રાઘુથી કોટના અને કોટનાથી વિરાજ વચ્ચે આવેલા મહત્વના બંને કોઝવે પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે, જેના પરિણામે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. નદીના જળસ્તરમાં થયેલા અચાનક વધારાને પગલે નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના માર્ગો ઉપર પાણી ફરી વળતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીના કડક પગલાં લેવામાં આવ્યા છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કરજણના ડીવાયએસપી પી. એન. પટેલ અને વડુ પોલીસ મથકના પીઆઈ જે. પી. ગઢવી પોલીસ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને ડૂબી ગયેલા કોઝવે પર સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને કોઈપણ વાહનચાલક કે રાહદારી જોખમી માર્ગ પર ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામજનો અને અવરજવર કરતા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પાણી ભરાયેલા કે ડૂબી ગયેલા કોઝવેને પાર કરવાનો પ્રયાસ બિલકુલ ન કરે અને લોકોની સલામતીને પ્રાથમિકતા આપીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
હવામાનની સ્થિતિ અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ઢાઢર નદીમાં પાણીની આવક આગામી સમયમાં હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેથી નદી કિનારાના આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને અત્યંત સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ સમગ્ર સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
