<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

પાલિતાણાની કૈલાસ ટેકરી પર રામકથાના ગાન સાથે સંવેદના અને સહિષ્ણુતાનો સંદેશ આપતા પૂ. મોરારિબાપુ : સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો વ્યક્ત કર્યો ભરોસો

કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જૈન મુનિ હાર્દિક રત્નસુરિશ્વરજી સહિત અનેક ધાર્મિક-રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રકાશન વિમોચન અને શિવ-પાર્વતી સંવાદની કથા વહેતી થઈ

ઈશ્વરિયા:પાલિતાણા નજીક આવેલ કૈલાસ ટેકરી સગાપરા ધારના પવિત્ર સ્થાન પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ શિવ સંકલ્પ'નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. લાલગિરિબાપુ ગુરુ વિજયગિરિ બાપુના સંકલ્પ અને નેતૃત્વ હેઠળ યોજાયેલ આ કથામાં પૂ. મોરારિબાપુએ ક્થા મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે, જે સમાજ આજે સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહ્યો છે, ત્યાં વ્યાસપીઠ ખૂબ મોટું અને મહત્વનું કાર્ય કરી રહી છે. કથા દરમિયાન વ્યાસપીઠ પરથી વિવિધ પ્રકાશનનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

*સંકલ્પ અને મનોરથ વચ્ચેનો ભેદ:*
પૂ. બાપુએ મનોરથ અને સંકલ્પ વચ્ચેનો તફાવત સમજાવતા ભાવ વ્યક્ત કર્યો હતો કે, મનુષ્યના સંકલ્પ નહીં પણ મનોરથ પૂરા થશે. સંકલ્પમાં ઘણીવાર અહંકાર તત્ત્વ ભળેલું હોય છે, તેથી મનોરથને જ યોગ્ય ગણવો જોઈએ. તેમણે વધુમાં ટકોર કરી હતી કે ગુરુ માત્ર દીક્ષા આપવાનું કાર્ય નથી કરતા, પરંતુ તે શિષ્યને શ્રધ્ધા પણ અર્પે છે. શ્રધ્ધા વગરનું જ્ઞાન, વિશ્વાસ વગરની ભક્તિ અને ભરોસા વગરનું ભજન નિરર્થક છે. કથાના પ્રવાહમાં આજે શિવ-પાર્વતી સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો.

*મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ:*
રામકથામાં અહોભાવ વ્યક્ત કરતા કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતને વિરાસતમાં મળેલા રામાયણ, મહાભારત અને ગીતા જેવા શાસ્ત્રો માત્ર ધાર્મિક ગ્રંથો નથી, પરંતુ તે આપણને જીવનનું દર્શન અને સાચી દિશા આપે છે. મોરારિબાપુ દ્વારા આ શાસ્ત્ર સંગત જ્ઞાન પરંપરાગત રીતે સમાજ સુધી પહોંચી રહ્યું છે. આ પ્રસંગે જૈન મુનિ હાર્દિક રત્નસુરિશ્વરજી મહારાજે પણ પ્રવચન આપતા જણાવ્યું હતું કે મોરારિબાપુની કથા દ્વારા સમાજને એક નવી અને હકારાત્મક દિશા મળી રહી છે.

*ધાર્મિક અને સામાજિક અગ્રણીઓનો સંગમ:*
કૈલાસ ટેકરી પર આયોજિત આ રામકથામાં અનેક ધાર્મિક મહાનુભાવો જેવા કે દિલીપદાસજી મહારાજ, ઝીણારામજી મહારાજ, રમજુબાપુ અને આત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કથાકાર વક્તાઓ રમેશભાઈ શુક્લ, મહાવીરદાસ અગ્રાવત, વિષ્ણુદાસ દાણીધારિયા, હસમુખગિરિ ગોસ્વામી, પ્રફુલ્લચંદ્ર શાસ્ત્રી અને વૈશાલી બાળા આચાર્યએ હાજરી આપી હતી.
સામાજિક અને રાજકીય અગ્રણીઓમાં હર્ષાદગીરી ગોસ્વામી, ભિખાભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નાગજીભાઈ પટેલ, ગોપાલભાઈ વાઘેલા તેમજ કલાકારોમાં સુખદેવભાઈ ધામેલિયા અને બિપિનભાઈ સઠિયા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)

(7:18 PM IST)