<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો

પ્રતિ કિલો ફેટે રૂ. ૮૭૫ પ્રમાણે ચૂકવવામાં આવશે

દાહોદ, તા.૩૧:પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીએ પશુપાલકો માટે રાહતભર્યો નિર્ણય લીધો છે.  ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઈને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. ૧૦નો વધારો કરવાની પંચામૃત ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેનો સીધો ફાયદો અઢી લાખ પશુપાલકોને થશે. પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડે જણાવ્યું હતું કે, ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકોના જીવનધોરણમાં સુધારો થાય તે હેતુથી દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. ૮૬૫ ચૂકવવામાં આવે છે, જેમાં રૂ. ૧૦નો વધારો કરીને હવે પ્રતિ કિલો ફેટે રૂ. ૮૭૫ પ્રમાણે ચૂકવવામાં આવશે. આ નવો ભાવ આગામી તા. ૧ લી જૂન ૨૦૨૬થી અમલમાં આવશે.

આ ભાવ વધારાથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકોને સીધો આર્થિક લાભ થશે, જેથી ત્રણેય જિલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં ગરમીને કારણે પશુપાલકોને કપરી સ્થિતિમાં મુકાવવું પડે છે. કારણ કે દૂધાળા પશુની દૂધની માત્રા તેમજ ફેટમાં તેની સીધી અસર પડે છે. બીજી તરફ નિભાવ ખર્ચ અને ઘાસચારામાં પણ ભાવ વધી જાય છે તેથી રાહત આપવા માટે પંચામૃત ડેરી દ્વારા ચાલુ વર્ષ દરમિયાન આ સતત બીજીવાર દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

(11:39 AM IST)