<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

પંચમહાલ પોલીસ દ્વારા લગ્ન પ્રસંગો માટે પોલીસ બેન્ડ ભાડે આપવાની સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ: આપ નેતા યુવરાજસિંહ જાડેજાના ટ્વિટ બાદ રાજકારણ ગરમાયું

વિવાદ વધતા પંચમહાલ પોલીસે સોશિયલ મીડિયા પરથી પોસ્ટ ડિલીટ કરવી પડી, પોલીસ બેન્ડ મેળવવાની નિયમાવલી અને સરકારી કામકાજ અંગે વ્યાપક ચર્ચા શરૂ

ગોધરા : ગુજરાત પોલીસ વિભાગના વિશેષ સંગીત દળ ગણાતા 'પોલીસ બેન્ડ'ને લગ્ન અને અન્ય શુભ પ્રસંગોએ ભાડે આપવા અંગે પંચમહાલ પોલીસ દ્વારા કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા જાહેરાતને પગલે રાજ્યભરમાં મોટો રાજકીય અને સામાજિક વિવાદ સર્જાયો છે.

 

પંચમહાલ પોલીસે પોતાની સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે લગ્ન પ્રસંગો અને અન્ય માંગલિક આયોજનો માટે શિસ્તબદ્ધ તેમજ તાલીમબદ્ધ પોલીસ બેન્ડ ભાડેથી મેળવી શકાય છે, પરંતુ આમ આદમી પાર્ટી (AAP) ના નેતા યુવરાજસિંહ જાડેજાએ આ પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને પોતાના હેન્ડલ પરથી "ગુજરાત પોલીસના આ નિર્ણય વિશે તમારું શું માનવું છે?" પ્રશ્ન પૂછતાં જ આ મુદ્દે ભારે બબાલ મચી ગઈ હતી અને પોલીસે આખરે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી.

 

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ બેન્ડ એ રાજ્ય પોલીસ વિભાગનું એક અત્યંત પ્રતિષ્ઠિત સંગીત દળ છે, જે સામાન્ય રીતે સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ વિવિધ દીક્ષાંત સમારોહ જેવા મહત્વપૂર્ણ સરકારી અને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પોતાની સુરાવલીઓ રેલાવે છે.

 

જોકે, સરકારી નિયમો અનુસાર રાષ્ટ્રીય કાર્યક્રમો ઉપરાંત ચોક્કસ શરતો અને નક્કી કરેલા ભાડાના દરે ખાનગી કે સામાજિક પ્રસંગો માટે પણ પોલીસ બેન્ડ ફાળવવાની જોગવાઈઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાં મહત્તમ ૬ કલાક અને રાત્રે ૧૧ વાગ્યા સુધીની જ મંજૂરી આપવા તથા પોલીસ વાહનને વરઘોડામાં ન ફેરવવા જેવા કડક નિયમો સમાવિષ્ટ છે.

 

આ ઉપરાંત સરકારી જરૂરિયાત ઊભી થાય ત્યારે કોઈપણ પૂર્વ નોટિસ વગર બેન્ડ પરત મેળવવાનો અધિકાર પણ વિભાગ પાસે રહે છે, જ્યારે વર્તમાન તથા નિવૃત્ત પોલીસ કર્મચારીઓને આ સેવા અડધા દરે પૂરી પાડવામાં આવે છે, તેમ છતાં સામાન્ય જનતા સમક્ષ આ પ્રકારે જાહેરાત મૂકાતા ઊભી થયેલી ચર્ચાએ સોશિયલ મીડિયા પર મોટો વટોળ ઊભો કર્યો છે.

(6:23 PM IST)