News of Friday, 8th May 2026
પંચમહાલની ચાઈલ્ડ હેલ્પલાઇને મધરાત્રે શહેરાના ધાંધલપુર ગામે યોજાનાર બાળ લગ્ન અટકાવ્યા
લગ્નની જાન આવવાની તૈયારીમાં હતી તે જ સમયે ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમે શહેરા ૧૧૨ ની મદદ લીધી અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી:મધરાતે પહોંચેલી ટીમને જોઈ લગ્ન પ્રસંગમાં હાજર લોકોમાં ફફડાટ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી બાળ લગ્ન અટકાવવાનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. શહેરાના ધાંધલપુર ગામે યોજાનાર બાળ લગ્ન અંગે ચાઈલ્ડ હેલ્પલાઇનને બાતમી મળતાની સાથે જ ટીમ હરકતમાં આવી હતી અને મધરાતે પોલીસના સહયોગથી પહોંચીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી લગ્ન રોકાવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરા તાલુકાના ધાંધલપુર ગામના ખારોલી ફળિયામાં એક સગીરાના લગ્ન લેવાયા હોવાની જાણકારી ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમને મોડી રાત્રે મળી હતી. લગ્નની જાન આવવાની તૈયારીમાં હતી તે જ સમયે ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમે શહેરા ૧૧૨ ની મદદ લીધી અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મધરાતે પહોંચેલી ટીમને જોઈ લગ્ન પ્રસંગમાં હાજર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ટીમ દ્વારા જ્યારે બાળકીના દસ્તાવેજો તપાસવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સરકારી પુરાવા મુજબ બાળકીની ઉંમર માત્ર ૧૫ વર્ષ અને વરરાજા તરીકે જેની જાન આવવાની હતી તે કિશોરની ઉંમર ૧૭ વર્ષ હોવાનું સામે આવ્યું હતું. કાયદા મુજબ દીકરીના લગ્ન માટે ૧૮ વર્ષ અને દીકરાના લગ્ન માટે ૨૧ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેનું અહીં ઉલ્લંઘન થઈ રહ્યું હતું.
ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમે સ્થળ પર હાજર સમાજના આગેવાનો, માતા-પિતા અને પરિવારજનોને એકત્ર કર્યા હતા. તેઓને વિગતવાર સમજ આપવામાં આવી હતી કે બાળ લગ્ન એ માત્ર કાયદાકીય ગુનો જ નથી, પરંતુ તેનાથી બાળકીના સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર ગંભીર અસરો પડે છે. જો લગ્ન કરવામાં આવે તો કાયદાકીય જોગવાઈ મુજબ સજા અને દંડ બંને થઈ શકે છે. ટીમની સમજાવટ બાદ પરિવારે પોતાની ભૂલ સ્વીકારી હતી. માતા-પિતા પાસેથી લેખિત નિવેદન લેવામાં આવ્યું હતું કે, તેઓ હાલમાં આ લગ્ન મોકૂફ રાખશે અને બાળકી ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરશે ત્યારબાદ જ તેના લગ્ન કરશે. આમ, ચાઈલ્ડ હેલ્પલાઇનની સમયસૂચકતા અને ૧૧૨ પોલીસની મદદથી એક દીકરીનું ભવિષ્ય રોળાતું બચી ગયું હતું.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
