News of Sunday, 9th August 2026
તબીબી આલમમાં અરેરાટી: સુરતમાં ૩૦ વર્ષીય રેસિડેન્ટ તબીબનો હોસ્ટેલના બંધ રૂમમાં આપઘાત, ખટોદરા પોલીસની તપાસ શરૂ
હોસ્ટેલ રૂમ નંબર ૧૦૦૫માં કરુણાંતિકા: સાથી તબીબો અને સ્ટાફ ઘેરા શોકમાં; માનસિક તણાવ કે અન્ય કારણો અંગે પોલીસ પરિવાર અને મિત્રોના નિવેદન નોંધશે

સુરત:હીરાનગરી સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી પીજી બોયઝ હોસ્ટેલમાં ફરજ બજાવતા એક રેસિડેન્ટ તબીબે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં તબીબી આલમમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.
દરવાજો તોડીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો:
મળતી માહિતી મુજબ, પીજી હોસ્ટેલના રૂમ નંબર ૧૦૦૫માં રહેતા ૩૦ વર્ષીય રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યા પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહેતાં સાથી તબીબોને શંકા ગઈ હતી. સાથી ડોક્ટરો જ્યારે તેમના રૂમ પર પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. બૂમો પાડવા છતાં અને દરવાજો ખટખટાવવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતાં આખરે હોસ્ટેલના તબીબો અને સ્ટાફે દરવાજો તોડવાની ફરજ પડી હતી. અંદર પ્રવેશતાં જ ડૉ. હર્ષ અચેત અવસ્થામાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા.
ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો સ્થળ પર:
ઘટનાની જાણ થતાં જ સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. તત્કાલ ખટોદરા પોલીસ મથકને જાણ કરાતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને કબજે લઈ પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
આપઘાતનું કારણ અબંધિયાર:
રેસિડેન્ટ તબીબે કયા માનસિક તણાવ કે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. આ સાથે જ મૃતકના સાથી તબીબો, હોસ્ટેલ સ્ટાફ અને પરિવારજનોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં સેવા આપતા એક યુવાન તબીબના અકાળે અવસાનથી સમગ્ર સિવિલ હોસ્પિટલ સ્ટાફમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
