<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

યુદ્ધથી કાગળ મોંઘોઃ ખરીદીમાં પાઠયપુસ્‍તક મંડળ પર ૧૨ કરોડનો બોજો પડશે

ટેન્‍ડરમાં રૂા. ૬૪.૮૦થી વધી રૂા. ૭૬.૭૭ ભાવ આવ્‍યો : કોર્ટ કેસમાં અઢી મહિના નીકળ્‍યાં, એ પછી યુદ્ધ શરૂ થતાં કાગળ ઝડપી મેળવવો મુશ્‍કેલ હતો

અમદાવાદ,તા.૨૨: શૈક્ષણિક વર્ષ-૨૦૨૬-૨૭માં સત્ર શરૂ થાય તે સમયે વિદ્યાર્થીઓને પુસ્‍તકો મળી રહે તે માટે પાઠયપુસ્‍તક મંડળ દ્વારા ગત ઓક્‍ટોબર-૨૦૨૫માં ૫-૫ હજાર મેટ્રિક ટનના કુલ પાંચ અલાયદા ટેન્‍ડર જાહેર કરવામાં આવ્‍યા હતા. આ ટેન્‍ડર પ્રક્રિયામાં નિયમ મુજબ બે કંપનીને રિજેક્‍ટ કરવામાં આવી હતી, જેથી મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્‍યો હતો. ચુકાદો આવવામાં અંદાજે અઢી મહિના જેટલો સમય નીકળ્‍યો હતો. એ પછી હાઈકોર્ટના ચુકાદા બાદ ફરી રિજેક્‍ટ કરેલી બે કંપનીને સામેલ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જેમાં ૧૫ દિવસ જેટલો સમય નીકળ્‍યો હતો.

આ દરમિયાન બીજી તરફ ખાડી દેશો વચ્‍ચે યુદ્ધ ફાટી નીકળ્‍યું, જેની અસર ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં વર્તાઈ છે. આ યુદ્ધના કારણે વર્ક ઓર્ડર આપેલી મિલો તેમની ૬ મહિનાની શરત મુજબ કાગળ પૂરો પાડી શકે એવી સ્‍થિતિમાં ન હોવાની રજૂઆતો મંડળને કરી હતી. આ દરમિયાન મંડળે ચાર મિલને નોટિસો પણ ફટકારી હતી. એ પછી મિલોએ કાગળ આપવાની તૈયારી દર્શાવી પરંતુ વિલંબ થશે એવું કહ્યું હતું. જેથી મંડળે ફરી ૫-૫ હજારના બે ટેન્‍ડર જાહેર કર્યા હતા, જેમાં રૂા. ૭૬.૭૭નો કિલોદીઠ ભાવ આવ્‍યો છે.

જોકે આ ભાવને લઈ આક્ષેપો થયા છે કે, પાઠયપુસ્‍તક મંડળ દ્વારા કરોડો રૂપિયાના ઊંચા ભાવે કાગળની ખરીદી કરવાનું કૌભાંડ આચર્યું છે. જોકે આ અંગે પાઠયપુસ્‍તક મંડળના નિયામક વિનયગીરી ગોસાઈને પૂછતા તેમણે જણાવ્‍યું હતું કે, નિયમ મુજબ મિલોને દે

મહિનામાં કાગળ પૂરો પાડવાની મુદત અપાતી હોય છે. યુદ્ધના લીધે વિલંબ થાય એવી પરિસ્‍થિતિ હતી અને બીજી તરફ જૂનમાં સ્‍કૂલો શરૂ થશે. જેથી વિદ્યાર્થીઓને સત્ર શરૂ થાય તે વખતે પુસ્‍તકો મળી રહે તે માટે માત્ર ૩૦ જ દિવસમાં કાગળ મળી રહે એવી શરત સાથેનું ટેન્‍ડર જાહેર કરાયું હતું. જેના કારણે ભાવ રૂા. ૭૬.૭૭ આવ્‍યો છે. આ ભાવ પણ પૂરા દેશમાં ગુજરાતનો સૌથી નીચો હોવાનો તેમણે દાવો કર્યો હતો. એમણે જણાવ્‍યું હતું કે, આસામનો ભાવ રૂા. ૯૩.૫૭, રાજસ્‍થાનમાં રૂા. ૭૯.૩૯, મહારાષ્ટ્રમાં રૂા. ૯૬ અને છતીસગઢમાં રૂા.૮૪.૫૦નો ભાવ આવ્‍યો છે.

કાગળનો ભાવ વધ્‍યો છે, પરંતુ પુસ્‍તકોનો ભાવ નહીં વધે

યુદ્ધની અસરના કારણે કાગળનો ભાવ અગાઉના ટેન્‍ડરો કરતાં ઊંચો ગયો છે, પરંતુ તેની અસર વાલીઓ કે વિદ્યાર્થીઓ પર નહીં પડે તેવું નિયામકે જણાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે કે પુસ્‍તકોની કિમતમાં કોઈ વધારો નહીં થાય. હાલમાં ધોરણ ૧થી ૮ના ૧૨૫ જેટલા વિષયના પુસ્‍તકો સ્‍કૂલોમાં પહોંચી ગયા છે અને અન્‍ય પુસ્‍તકો પણ વિદ્યાર્થીઓને સત્ર શરૂ થાય તે વખતે મળી જશે.

(10:40 AM IST)