<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

આણંદ જીલ્‍લામાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક ભાગ કડડભૂસઃ મોટી જાનહાની ટળી

છેલ્લા બે વર્ષમાં જીલ્‍લામાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી ઘટનાઃ અગાઉ રાજુપુરા વાસદ અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં તંત્ર દ્વારા તપાસ શરૂ

આણંદ: ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ ગત રાત્રે અચાનક ધરાશાયી થયો હતો. દનસીબે ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી ઘટના છે. અગાઉ રાજુપુરા વાસદ અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં આ ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ બ્રિજ ધરાશાયી થતા આસપાસના રહેણાંક મકાનોમાં ધ્રુજારીનો અનુભવ થયો હતો.

 

આણંદથી મુંબઈ જતી રેલવે લાઇન પર અડાસ ગામ પાસેના રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ગામથી હાઇવે તરફ જતાં રેલવે ટ્રેકથી થોડે દૂર શનિવારે મોડી સાંજે નિર્માણાધીન પુલનો ઢાળ તરફનો એક ભાગ બે બીમ વચ્ચેથી તૂટી ગયો હતો. આ બ્રિજ ધડાકાભેર પડવાને કારણે આસપાસના રહેણાંક મકાનો ધ્રુજી ગયા હતા. જેના કારણે ભયના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.

 

આણંદ તાલુકાના વડોદ અને અડાસ રોડ સ્ટેશન વચ્ચે લેવલ ક્રોસિંગ રેલવે ફાટક નંબર 250 ઉપર ઓવરબ્રિજ માટેનું બાંધકામ રેલવે ગતિશક્તિ યુનિટ વડોદરા કરી રહ્યું હતું. જેમાં અડાસ ગામથી હાઇવે તરફ જતા ઢાળના સ્પાન તૈયાર કરીને એપ્રોચ ગર્ડર્સ ઉપર ગોઠવવામાં આવ્યા હતા. જેમાં શનિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ બે બીમ વચ્ચેના ત્રણ ગર્ડર વધુ વજન અથવા અસંતુલનના કારણે મોટા ધડાકા સાથે નીચે બેસી ગયા હતા. આ વખતે બ્રિજ નીચે કોઈ અવરજવર કે વ્યક્તિઓ ન હોવાથી મોટી દુર્ઘટના સાથે જાનહાનિ થવાની શક્યતા ટળી જવા પામી હતી.

 

આ બ્રિજ પડવાને કારણે આસપાસના રહેણાંક મકાનો ધ્રુજી ઉઠતા સ્થાનિક રહીશો ભયભીત થયા હતા. આ ઘટનાની જાણ પોલીસ તથા રેલવે તંત્ર તેમજ આણંદના વહીવટી તંત્રને કરવામાં આવતા અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આણંદના પ્રાંત અધિકારી ડો. મયુર પરમાર સાથે ડીવાયએસપી જે. એન. પંચાલ તથા વાસદ પોલીસે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે રેલવેના અધિકારીઓને પણ આ ઘટનાના કારણોની તપાસ માટે આવી પહોંચ્યા હતા. આજે સવારે જ્યારે અમારા સંવાદદાતાએ રેલવેના એક અધિકારીએ બોલવાની ના પાડી દીધી હતી અને તપાસ પૂર્ણ થશે ત્યારે જ આ અંગેનું ચોક્કસ કારણ સામે આવશે તેમ જણાવ્યું હતું.

આ દુર્ઘટનામાં પાણીનું ટેન્કર પણ દબાયેલું જોવા મળ્યું હતું. બે સ્પાન વચ્ચેના ત્રણ ગર્ડર એકસાથે વચ્ચેથી ધરાશાયી થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાના કારણોની તપાસ રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. રેલવે તંત્રના જણાવ્યા મુજબ નિયમ અનુસાર કામ થઈ રહ્યું હતું પરંતુ સંબંધિત એજન્સી પાસે જરૂરી કાર્યવાહી અંગે ખુલાસો માંગવામાં આવશે. નોંધનીય છે કે, આણંદ જિલ્લામાં ગત જુલાઈ માસમાં ગંભીરા પાસે મહિસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો.

(3:05 PM IST)