તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપથી આંશિક રાહત : મોટાભાગના શહેરોમાં તાપમાન 2-3 ડિગ્રી સુધી ઘટ્યું
આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં હજુ પણ સામાન્ય ફેરફાર થઈ શકે:પશ્ચિમી પવનોની દિશા બદલાતા રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા

અમદાવાદ :આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓ વચ્ચે અચાનક કુદરતે પોતાનો મિજાજ બદલ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી લૂ અને બફારાથી ત્રસ્ત જનતાએ આકરી ગરમીમાંથી હાશકારો અનુભવ્યો છે. વાતાવરણમાં આવેલા આ મોટા ઉલટફેરને કારણે અનેક મોટા શહેરોના તાપમાનમાં આંશિક ફેરફાર જોવા મળ્યો છે.
છેલ્લા 2 દિવસમાં સમગ્ર રાજ્યમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આકરી ગરમીના મોજામાં અંદાજે 3 ડિગ્રી જેટલો ઘટાડો થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. ગરમીનું જોર ઘટવાના કારણે બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનોની તીવ્રતા પણ ઓછી થઈ છે. હવામાન વિભાગના આ આંકડા સામાન્ય જનતા માટે મોટી રાહત લઈને આવ્યા છે.
તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં રાજ્યના 5 શહેરોમાં હજુ પણ પારો 40 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટ શહેરમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 41.2 ડિગ્રી સાથે આકરો તડકો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ 40.9 ડિગ્રી તાપમાન રહેતા ગરમીનો અહેસાસ યથાવત રહ્યો છે. આ શહેરોમાં રહેતા નાગરિકો હજુ પણ બપોરના સમયે સાવચેતી રાખી રહ્યા છે.
વડોદરા અને ડીસા જેવા વિસ્તારોમાં ગરમીના પારામાં મોટો ઘટાડો નોંધાયો છે. વડોદરામાં 39.6 ડિગ્રી અને ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન રહેતા વાતાવરણમાં સામાન્ય અમથી ઠંડક પ્રસરી છે. ભાવનગરમાં 39 ડિગ્રી અને કચ્છના ભુજમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા બફારો પણ અનુભવાઈ રહ્યો છે
હવામાન નિષ્ણાતોના મતે આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં હજુ પણ સામાન્ય ફેરફાર થઈ શકે છે. પશ્ચિમી પવનોની દિશા બદલાતા રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. કાળઝાળ ગરમીમાં મળેલી આ રાહત લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ગરમીથી બચવા માટે લોકો હજુ પણ વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાનું પસંદ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ગરમીનો પારો ફરી વધશે કે કેમ તે બાબતે લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
