તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
દિલ્હીથી સુરત થઈ બેંગ્લોર જતી ચાલુ ફ્લાઈટમાં સિગારેટ પીવી એક પેસેન્જરને ભારે પડી
સુરત કોર્ટે 6 મહિના જેલની સજા ફટકારી: બાથરૂમમાં ધુમાડો જોઈ ક્રૂ-મેમ્બરે દરવાજો ખખડાવ્યો: પકડાઈ જવાની બીકે સિગારેટ ફ્લશ કરી

સુરતમાં આજથી બે વર્ષ અગાઉ દિલ્હીથી સુરત થઈ બેંગ્લોર જતી ફ્લાઈટમાં નિયમોના ધજાગરા ઉડાવી સિગારેટ પીનાર મુસાફરને સુરતની કોર્ટે કડક સજા ફટકારી છે. આરોપી કૌસ્તવ સત્યજીત બિસ્વાસને એરક્રાફ્ટ એક્ટ હેઠળ તકસીરવાર ઠેરવી 6 મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાના દંડનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી પી.વાય. પઠાણે ધારદાર દલીલો કરી હતી કે વિમાનમાં ધૂમ્રપાન કરવું એ સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકવા સમાન છે.
આ ઘટનાની વિગત મુજબ, 10 એપ્રિલ 2024ના રોજ આરોપી દિલ્હીથી મુસાફરી કરી રહ્યો હતો. ફ્લાઈટ આકાશમાં હતી, ત્યારે આરોપી બાથરૂમમાં ગયો અને સિગારેટ સળગાવી હતી. આ દરમિયાન અન્ય એક મુસાફરને વોશરૂમ જવું હોવાથી તેણે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ દરવાજો ન ખુલતા તેણે ક્રૂ મેમ્બરને જાણ કરી હતી. ક્રૂ મેમ્બરે જ્યારે મહામુસીબતે દરવાજો ખોલાવ્યો ત્યારે બાથરૂમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા અને સિગારેટની તીવ્ર વાસ આવતી હતી.
આરોપીએ પકડાઈ જવાની બીકે સિગારેટનું બટ ફ્લશ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્રૂ મેમ્બરની કડક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે સિગારેટ પીધી છે.જેવી ફ્લાઈટ સુરત એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ અને પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના આધારે તેની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કાયદાકીય પાસાઓ અંગે એડવોકેટ જણાવ્યું હતું કે, સીઆરપીસીની કલમ 29(2) મુજબ જેએમએફસી કોર્ટને 10 હજાર સુધીનો દંડ કરવાની સત્તા છે. એરક્રાફ્ટ એક્ટ 1934માં આથી વધુ દંડની જોગવાઈ નથી. જે સ્થળે ધૂમ્રપાનની મનાઈ હોય ત્યાં આવું કૃત્ય કરવું એ ગંભીર અપરાધ ગણાય છે. કોર્ટે આ કેસમાં કાયદાની મર્યાદામાં રહીને આરોપીને મહત્તમ દંડ અને જેલની સજા સંભળાવી છે.
બીજી તરફ, બચાવ પક્ષ દ્વારા ક્રૂ મેમ્બરની ઉલટ તપાસમાં એવો તર્ક રજૂ કરાયો હતો કે ફ્લાઈટમાં ધુમાડો થવા માટે શોર્ટ સર્કિટ કે એસી વેન્ટ્સમાં ખામી જેવા અનેક કારણો હોઈ શકે છે. એર ઈન્ડિયાની ફ્લાઈટોમાં અગાઉ ટેકનિકલ ખામીના કિસ્સા બન્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. જોકે, આરોપીની કબૂલાત અને સંજોગોને ધ્યાને રાખી કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી નહોતી અને ચુકાદો જાહેર કર્યો હતો.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
