તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
વડોદરા જનારા મુસાફરો સાવધાન! રેલવેના ટેકનિકલ કામકાજને લીધે ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર, NEET પરીક્ષાર્થીઓ માટે ખાસ સ્પેશિયલ ટ્રેનોની ભેટ
વડોદરા-બાજવા વચ્ચે ટ્રાફિક બ્લોકને કારણે મહત્વની ટ્રેનો આંશિક રદ, પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે રેલવેની સજ્જતા

અમદાવાદ : વડોદરા તરફ મુસાફરી કરતા મુસાફરો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને અદ્યતન ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (EI) કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે તારીખ 21 જૂન 2026 થી 8 જુલાઇ 2026 સુધી બાજવા અને વડોદરા સ્ટેશન વચ્ચે ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે.
આ બ્લોકના કારણે ઘણી મહત્વની ટ્રેનોની અવરજવર પર અસર પડશે. અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી (19036/19035), જામનગર-વડોદરા ઈન્ટરસિટી (22959/22960), વડોદરા-વટવા મેમુ અને ફાસ્ટ પેસેન્જર ટ્રેનો પ્રભાવિત રહેશે. આ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં બાજવા સ્ટેશન સુધી જ જશે અથવા ત્યાંથી જ પરત ફરશે. વડોદરા-વટવા ફાસ્ટ પેસેન્જર હવે પ્રતાપનગર સ્ટેશનથી ઉપડશે. તેથી, મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પ્રવાસનું આયોજન કરતાં પહેલાં ટ્રેનનું સ્ટેટસ અગાઉથી તપાસી લે.
બીજી તરફ, આવતીકાલે લેવાનારી NEET UG પરીક્ષામાં બેસતા લાખો વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે રેલવે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની વધતી ભીડને સંભાળવા અને તેમને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે રેલવેએ ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.
આ સ્પેશિયલ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
• મણિનગર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ (09472): આ ટ્રેન 20 જૂનના રોજ સવારે 08:30 કલાકે મણિનગરથી ઉપડશે, જે આણંદ, ભરૂચ અને સુરત થઈને મુસાફરોને સમયસર પહોંચાડશે.
• ઓખા - ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ (09554): આ ટ્રેન શનિવારે સવારે 05:00 કલાકે ઓખાથી ઉપડીને જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર થઈને બપોરે 15:00 કલાકે ગાંધીનગર પહોંચશે.
• ભાવનગર ટર્મિનસ - ગાંધીગ્રામ સ્પેશિયલ (09254): આ ટ્રેન શનિવારે સવારે 11:40 કલાકે ભાવનગરથી નીકળી બોટાદ અને ધોળકાના રૂટ પરથી પસાર થઈને સાંજે 16:10 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.
રેલવે તંત્રનું માનવું છે કે ટેકનિકલ કામગીરી દરમિયાન મુસાફરોને થતી અસુવિધા ઓછી કરવા માટે આ ફેરફારો અનિવાર્ય છે. વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો માટે આ વિશેષ ટ્રેનો અને અપડેટેડ સમયપત્રક તેમના પ્રવાસને વધુ સુગમ અને સુરક્ષિત બનાવશે. તમામ મુસાફરોને રેલવેના સત્તાવાર માધ્યમો પરથી લેટેસ્ટ અપડેટ્સ લેતા રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
