<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ચોમાસાની સીઝનમાં નદી નાળામાં પાણી વધતા મગરો દેખાતા લોકોમાં ભય: ઘાણીખૂટ ગામ પાસે કરજણ નદીમાં મગર દેખાયો

કોઈપણ વ્યક્તિએ નદીમાં ઉતરવું, કિનારે બિનજરૂરી ભીડ કરવી અથવા ફોટા-વીડિયો લેવા માટે મગરની નજીક જવાનો પ્રયાસ કરવો નહીં.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ ગામ નજીક કરજણ નદી પર આવેલા પુલ પાસે મગર દેખાવાની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. નદીના કિનારે મગર જોવા મળતાં રમપમ ધોધની મુલાકાતે આવતા સહેલાણીઓ તેમજ સ્થાનિક લોકોને વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત ઉભી થઈ છે.તંત્ર આ બાબતે યોગ્ય પગલાં લે એ જરૂરી બન્યું છે.

  ચોમાસાની ઋતુ દરમિયાન કરજણ નદીમાં પાણીનું સ્તર વધતાં જળચર પ્રાણીઓ વધુ સક્રિય બનતા હોય છે. આવી સ્થિતિમાં મગર દેખાવાની ઘટનાને ધ્યાનમાં રાખીને કોઈપણ વ્યક્તિએ નદીમાં ઉતરવું, કિનારે બિનજરૂરી ભીડ કરવી અથવા ફોટા-વીડિયો લેવા માટે મગરની નજીક જવાનો પ્રયાસ કરવો નહીં. આવી બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
  રમપમ ધોધ ખાતે ચોમાસામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી બાળકો પર ખાસ નજર રાખવા, નદીના ઊંડા પાણીથી દૂર રહેવા અને જોખમજનક સ્થળોએ જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આ ઘટના અંગે સંબંધિત તંત્રને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી. તેમ છતાં સ્થાનિકો અને સહેલાણીઓએ પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સંપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી છે. મગર દેખાય તો તેની નજીક જવાને બદલે સુરક્ષિત અંતર જાળવવું અને અન્ય લોકોને પણ સાવચેત કરવું હિતાવહ છે

(11:49 PM IST)