તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
ગુજરાતમાં મેઘરાજાની પધરામણી માટે લોકોએ હજુ કાગડોળે રાહ જોવી પડશે: ૨૦ તારીખ આસપાસ ચોમાસું બેસવાની સંભાવના
૧૩ રાજ્યોને ધમરોળ્યા બાદ મેઘરાજા મુંબઈના ઉંબરે: ગુજરાતમાં ૧૪ અને ૧૫ જૂને છૂટોછવાયો વરસાદ પડશે : રાજ્યમાં પાંચ દિવસ મોડું આવશે ચોમાસું: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજકોટ: દેશભરમાં પવનવેગે આગળ વધી રહેલા નૈઋત્યના ચોમાસાએ માત્ર પાંચ જ દિવસમાં દેશના ૧૩ રાજ્યોમાં જળબંબાકાર કરી દીધો છે. ગત ૪ જૂનના રોજ કેરળમાં દસ્તક દીધા બાદ સોમવારે તેલંગાણામાં વિધિવત એન્ટ્રી કરીને મેઘરાજા હવે દેશની આર્થિક રાજધાની મુંબઈથી માત્ર ૧૫૦ કિલોમીટર દૂર છે. આગામી ૪૮ કલાકમાં મુંબઈમાં પણ સત્તાવાર રીતે ચોમાસું બેસી જવાની પૂરી શક્યતાઓ છે. જોકે, ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતાએ વરસાદ માટે હજુ થોડી ધીરજ રાખવી પડશે. હવામાન વિભાગના સત્તાવાર અહેવાલો મુજબ, સામાન્ય રીતે ૧૫ જૂને ગુજરાતમાં બેસતું ચોમાસું આ વર્ષે ૫ દિવસ મોડું એટલે કે ૨૦ જૂનની આસપાસ પહોંચવાની શક્યતા છે. મુંબઈમાં વરસાદની એન્ટ્રી થતાં જ ગુજરાતમાં પણ વાતાવરણ પલટાશે અને ચોમાસાના આગમનની ઘડીઓ ગણાવા લાગશે.
હાલ પૂરતું રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો બદલાવ જોવા મળી રહ્યો નથી. નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ભેજવાળા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. જેના કારણે ૧૫ જૂન સુધી ગણ્યાગાંઠ્યા જિલ્લાઓ સિવાય મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું જ રહેવાની સંભાવના છે. ૧૩ રાજ્યો સર કરીને ચોમાસું મુંબઈના દરવાજે પહોંચી ગયું છે, ત્યારે આ ભેજવાળા દરિયાઈ પવનો ગુજરાતમાં પણ ધીમે ધીમે વરસાદી માહોલ ઊભો કરશે.
સ્થાનિક હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ શરૂ થશે. ૧૦ થી ૧૨ જૂન દરમિયાન નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ૧૩ જૂનના રોજ વરસાદનો વ્યાપ વધશે અને સુરત, નર્મદા, છોટાઉદેપુરની સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની સંભાવના છે. જ્યારે ૧૪ અને ૧૫ જૂને ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે.
સૌરાષ્ટ્ર પંથકમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ઊંચું રહેશે અને હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. પરંતુ ૧૨ થી ૧૫ જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ પટ્ટામાં હળવાથી મધ્યમ વરસાદ પડતાં સ્થાનિક લોકોને કાળઝાળ ગરમી અને અસહ્ય બફારામાંથી થોડી રાહત મળશે. ટૂંકમાં, ગુજરાતમાં ચોમાસાની મંઝિલ હજુ થોડી દૂર છે, પણ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે અને ખેડૂતો આતુરતાથી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.*
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
