તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 1st September 2026
લોકો એ ૨૩,૩૮૧ કરોડનું સોનું ગિરવે મૂકી લોન લીધી
ઝડપી અને ઓછા કાગળિયાંને લીધે ગોલ્ડ લોન પ્રથમ પસંદ : વ્યાપાર-ધંધામાં રોકડની ખેંચ, મોંઘવારી, તબીબી કટોકટી. આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા મધ્યમ વર્ગ ગોલ્ડ લોન તરફ વળ્યો

અમદાવાદઃ ગુજરાતમાં નાણાકીય કટોકટી કે આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે લોકોમાં સોનું ગિરવે મૂકીને લોન મેળવવાનો ટ્રેન્ડ અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યો છે તાજેતરના નાણાકીય આંકડાઓ અનુસાર, રાજ્યના નાગરિકોએ વિવિધ બેંકો અને ફાયનાન્સ કંપનીઓમાં અંદાજે રૂા. ૨૩,૩૮૧ કરોડની કિમતનું સોનું ગિરવે મૂકીને ગોલ્ડ લોન મેળવી છે
નિષ્ણાતોના મતે, વ્યાપાર-ધંધામાં રોકડની ખેંચ, મોંઘવારી, તબીબી કટોકટી અને શિક્ષણના ખર્ચને પહોંચી વળવા માટે મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગ ગોલ્ડ લોન તરફ વળ્યો છે. અન્ય લોનની સરખામણીએ ગોલ્ડ લોન મેળવવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને ઓછી કાગળિયાંવાળી હોવાથી લોકો આ વિકલ્પને વધુ પસંદ કરી રહ્યા છે.
સરકારી અને ખાનગી બેંકો ઉપરાંત નોન-બેંકિગ ફાયનાન્સ કંપનીઓ દ્વારા આક્રમક માર્કેટિગ અને આકર્ષક વ્યાજદરો ઓફર કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગોલ્ડ લોનના ધિરાણમાં નોંધપાત્ર ટકાવારીનો વધારો જોવા મળ્યો છે. સોનાના આસમાને આંબતા ભાવોને કારણે ગ્રાહકોને પોતાના સોના સામે વધુ લોનની રકમ મળી રહી છે, જે આ આંકડો આટલો મોટો થવાનું મુખ્ય કારણ છે. સોનાની લોનના ડિફોલ્ટરની સંખ્યા પણ ઘટી છે તેવું કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું છે.
હવે આખી માનસિકતા બદલાઈ છે ભૂતકાળમાં સોનું ગિરવે મૂકવું એ સામાજિક રીતે પ્રતિષ્ઠા ઓછી કરનારૂં ગણાતું હતું. પરંતુ હવે બદલાતા સમય સાથે લોકો સોનાને એક નિષ્ક્રિય સંપત્તિ ના બદલે કટોકટીના સમયમાં તાત્કાલિક લિક્વિડિટી મેળવવાનું મજબૂત સાધન માની રહ્યા છે. આ રેકોર્ડબ્રેક ધિરાણ દર્શાવે છે કે ગુજરાતના અર્થતંત્રમાં ગોલ્ડ લોન માર્કેટ આગામી દિવસોમાં હજુ પણ વધુ મજબૂત બનશે ઉલ્લેખનીય છે કે, પ્રથમ ક્રમે ગોલ્ડ લોન છે ત્યાર બાદ પછી વ્યક્તિગત લોન અને વાહન લોન નો ક્રમ આવે છે
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
