News of Thursday, 23rd July 2026
સાણંદ, વીરમગામ અને દસક્રોઈમાં વરસાદમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ
ભારે વરસાદના કારણે શહેરોની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા:વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરાયું:સુરક્ષિત શાળાઓ અને મંદિરોમાં ખસેડવામાં આવ્યા :નાગરિકો માટે કયા હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા

અમદાવાદ : સતત ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ અને સક્રિય બન્યું છે. જિલ્લાના વિવિધ ગ્રામ્ય અને અર્બન વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા અથવા ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ રાહત અને બચાવ કામગીરી અંતર્ગત સાણંદ તાલુકામાં વિચરતી જાતિના 110 જેટલા નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વાસણા વિસ્તારના નીચાણવાળા ભાગોમાંથી આ વાદી પરિવારોને વાસણા ચાચરાવાડી ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પરિસરમાં સલામત રીતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે ભોજન અને રાત્રિ રોકાણની ઉત્તમ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ ઉપરાંત વીરમગામ તાલુકાના કોકતા અને ગોરૈયા ગામના આશરે 100 જેટલા નાગરિકોને સાવચેતીના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં આશ્રય અપાયો છે. દસક્રોઈના કાસિન્દ્રા ગામેથી બાળકો સહિત 41 લોકો અને ધોળકાના રનોડા ગામેથી ૫૩ નાગરિકોને સુરક્ષિત શાળાના મકાનોમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સમગ્ર સ્થિતિ પર અંગત નજર રાખી રહ્યા છે. નાગરિકોની મદદ માટે 24 કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલરૂમ નંબર 079-27560511 અને પોલીસ સહાયતા નંબર 6359626396 જાહેર કરવામાં આવ્યા છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
