<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

મોબાઈલ વગર ફૂટપાથ પર પડ્‍યો રહેતો શખ્‍સ ભિખારી નહિ, ૧ ડઝનથી વધુ ઘરફોડીનો માસ્‍ટરમાઈન્‍ડ નીકળ્‍યો

સાઉથ ગુજરાતમાં દેકારો મચાવનાર આફતાબને જેમના નેતૃત્‍વ હેઠળની ટીમે ઝડપ્‍યો તેવા PI તુષાર પંડયા અકિલા સમક્ષ ફિલ્‍મોની કાલ્‍પનિક સ્‍ટોરીને ટક્કર મારતી રિયલ સ્‍ટોરી વર્ણવે છે : CP વાંબાગ જમીર, એડી. CPમહેન્‍દ્ર બગડિયા, ડીસીપી લખધીરસિંહ ઝાલા, એસીપી મિલન મોદી, રાંદેર PI ટી. બી. પંડયા, સેકન્‍ડ PI યુ.બી. જોગારાણા, PSI બી. જી. વસાવા, PSI પી. જી. ગોહિલ અને સર્વેલન્‍સ સ્‍ટાફે અશકયને શકય કરી બતાવ્‍યું

રાજકોટ તા.૫: સુરતના રાંદેર પોલીસે સાત ઘરફોડ તથા એક વાહનચોરીના રીઢા આરોપીને મુદ્દામાલ સાથે પકડીને કુલ આઠ અનડિટેક્‍ટ ગુનાનો ભેદ ઉકેલ્‍યો છે. દિવસ દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવીને રોકડા રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરતો આરોપી મોબાઇલ ફોન વાપરતો ન હતો અને ફૂટપાથ પર જીવન ગુજારતો હતો. સર્વેલન્‍સની બાતમીના આધારે પોલીસે તેને રાંદેર મંદની સોસાયટીના ગેટના જાહેર રોડ ઉપરથી બ્રાઉન કલરની એક્‍ટિવા મોપેડ સાથે ઝડપી લીધો હતો.

કોણ છે પકડાયેલો આરોપી આફતાબખાન ઉર્ફે બચકાડો કાસીમખાન પઠાણ ઉ.વ. ૨૭ ધંધો ભીખ માંગવાનો રહે. ઘર નંબર ૫૦૨ નૂર રેસીડેન્‍સી રેશમવાડ સલાબતપુરા સુરત શહેરનો વતની છે. તેની પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ રીકવર કરીને પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. કેવી રીતે કરતો હતો ચોરી આરોપી ચોરીની મોપેડ સાથે દિવસ દરમિયાન અલગ અલગ સોસાયટીમાં બંધ મકાનોની રેકી કરતો હતો. પોતાની પાસે રહેલી ડુપ્‍લિકેટ ચાવી અથવા તો બંધ મકાનમાં કે લોક કરેલ મકાનની ચાવી ઘર બહાર છુપાવેલી હોય તો તેનાથી ચાવી વડે મકાનનું લોક ખોલીને ઘરમાં પ્રવેશ કરતો હતો. કબાટ ખોલીને રોકડા રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરીને ઘરને લોક કરીને ચાવી જેને જગ્‍યાએ મૂકીને ભાગી જઈને ગુનો કરવાની ટેવ વાળો છે.

પોલીસે કેવી રીતે પકડ્‍યો આઈ.સી. પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર સેક્‍ટર-૨ મહેન્‍દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝોન-૦૫ લખધીરસિંહ આલા તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન મિલન મોદીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર ટી.બી. પંડ્‍યા તથા બીજા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વાય.બી. જોગરાણા, સર્વેલન્‍સ સ્‍ટાફના પીએસઆઈ બી.જે. વસાવા તથા પીએસઆઈ પી.જે. ગોહિલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્‍યારે સર્વેલન્‍સના આ.હે.કો. ધર્મેન્‍દ્રસિંહ નરપતસિંહ, આ.પો.કો. ભરતકુમાર કનુભાઈ, આ.પો.કો. ભવાનસિંહ હુભા તથા આ.પો.કો. અનિરુદ્ધસિંહ બહાદુરસિંહને સંયુક્‍ત બાતમી મળી હતી કે આરોપી રાંદેર મંદની સોસાયટીના ગેટના જાહેર રોડ ઉપરથી બ્રાઉન કલરની એક્‍ટિવા મોપેડ લઈને ઉભો છે. જે આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો.

૧૩ ગુનાનો ઇતિહાસ, ૮ ગુના ડિટેક્‍ટ આરોપી સામે અગાઉ નવસારી, અઠવાલાઇન્‍સ, ઉધના, નવસારી રૂરલ, નવસારી ટાઉન, સુરત ગ્રામ્‍યના કિમ અને ચોકબજાર પોલીસ સ્‍ટેશનમાં મળીને કુલ ૧૩ ગુના નોંધાયેલા છે. જ્‍યારે હાલમાં રાંદેર પોલીસ સ્‍ટેશનના ૪ ગુના અને અઠવાલાઇન્‍સ પોલીસ સ્‍ટેશનનો ૧ ગુનો મળીને કુલ ૫ ગુના તથા અન્‍ય ૩ ગુના મળીને કુલ ૮ અનડિટેક્‍ટ ગુના ડિટેક્‍ટ થયા છે

(11:21 AM IST)