<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ગુજરાતમાં ખેડૂતોનો વ્યક્તિગત અને નાણાકીય ડેટા હવે રહેશે ૧૦૦ ટકા સુરક્ષિત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કૃષિ વિભાગે કરી ‘વિભાગીય ડેટા સમિતિ’ની ઐતિહાસિક રચના

કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ખેડૂતોની સંમતિ વિના ડેટાનો ઉપયોગ નહીં થઈ શકે : વચેટિયાઓ અને છેતરપિંડી પર કડક નિયંત્રણ લાગશે તેમજ સરકારી સહાય વધુ ઝડપથી સીધી લાભાર્થીઓ સુધી પહોંચશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:  ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને વેગ આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક અત્યંત મહત્વનું અને પ્રગતિશીલ પગલું ભર્યું છે. ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ તેમજ સહકાર વિભાગે ધરતીપુત્રોની તમામ ગુપ્ત માહિતી અને ડેટાની અભેદ્ય સુરક્ષા માટે સત્તાવાર રીતે 'વિભાગીય ડેટા સમિતિ' (DDC)ની સ્થાપના કરી છે. કેન્દ્ર સરકારના ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમ, ૨૦૨૩ (DPDP Act) અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કની વિભાવના અનુસાર રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોનો વ્યક્તિગત, નાણાકીય અને કૃષિ સંબંધિત તમામ ડેટા સંપૂર્ણપણે કાનૂની સંરક્ષણ સાથે સુરક્ષિત રહે. હવેથી ખેડૂતોની સંમતિથી અને નિયમો મુજબ જ ડેટાનો ઉપયોગ કરી શકાશે. આ સમિતિ કૃષિ વિભાગ, તેની સાથે સંકળાયેલા બોર્ડ-નિગમો તેમજ કૃષિ યુનિવર્સિટીઓના ડેટાનું વૈજ્ઞાનિક અને પારદર્શક સંચાલન કરશે.

 

ઉચ્ચ કક્ષાની સમિતિ રાખશે નજર, ડેટાનું પાંચ શ્રેણીમાં થશે વર્ગીકરણ:

આ નવનિર્મિત ઉચ્ચ કક્ષાની સમિતિનું નેતૃત્વ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ સંભાળશે. સમિતિમાં વ્યાપક વહીવટી અને ટેકનિકલ માળખું ઊભું કરવામાં આવ્યું છે, જેમાં વિભાગીય ડેટા અધિકારી, સભ્ય સચિવ, મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO), નાયબ નિયામક (આઈટી), આઈસીટી અધિકારી, કાયદાકીય અધિકારી, આઈટી નિષ્ણાત તેમજ વિભાગના તમામ બોર્ડ-નિગમો, યુનિવર્સિટીઓ અને તાબા હેઠળની કચેરીઓના વડાઓનો સમાવેશ થાય છે. કૃષિ વિભાગના તમામ ડેટાસેટનું ઓપન, શૅરેબલ, પ્રતિબંધિત, સંવેદનશીલ અને નેગેટિવ લિસ્ટ એમ કુલ પાંચ વૈજ્ઞાનિક શ્રેણીઓમાં વર્ગીકરણ કરવામાં આવશે. હવામાન, કૃષિ ટેકનિક અને બજાર ભાવ જેવી જાહેર ઉપયોગની માહિતી 'ઓપન' રખાશે, જ્યારે ખેડૂતોની ખાનગી અને બૅંકિંગ વિગતોને 'સંવેદનશીલ' શ્રેણીમાં લોક કરીને સુરક્ષિત રાખવામાં આવશે.

 

 ખેડૂતોની સંમતિ વિના ઉપયોગ નહીં, ડેટા બ્રીચ પર ચોવીસે કલાક સુરક્ષા કવચ:

નવી વ્યવસ્થામાં નાગરિક સંમતિ (Consent Management)ને સર્વોચ્ચ મહત્વ અપાયું છે. ખેડૂતોના ડેટાના ઉપયોગ માટે તેમની સંમતિનો સંપૂર્ણ રેકોર્ડ સુરક્ષિત, ઓડિટેબલ અને ટ્રેકેબલ રહેશે. જો કોઈ પણ સ્તરે આ સંમતિ સંબંધિત નિયમોનો ભંગ થશે, તો તેની તુરંત જાણ રાજ્ય ડેટા સત્તામંડળ (State Data Authority-SDA)ને કરાશે. આ ઉપરાંત, સમિતિ ડેટા બ્રીચ અથવા સાયબર સુરક્ષાના ઉલ્લંઘન પર ૨૪ કલાક નજર રાખશે. કોઈ પણ પ્રકારનું ડેટા ઉલ્લંઘન થતાં જ તેની તાત્કાલિક જાણ રાજ્યના મુખ્ય ડેટા અધિકારી તથા અન્ય સક્ષમ સત્તાવાળાઓને કરવામાં આવશે જેથી ત્વરિત કાનૂની અને ટેકનિકલ કાર્યવાહી હાથ ધરી શકાય. આ પ્રમાણભૂત ડેટાના વૈજ્ઞાનિક વિશ્લેષણના આધારે ભવિષ્યની કૃષિ નીતિઓ વધુ સચોટ અને વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ બનશે.

 

 નવી ડેટા સુરક્ષા વ્યવસ્થાથી ખેડૂતોને થનારા મુખ્ય લાભો:

ખેડૂતોની વ્યક્તિગત, બેંકિંગ ખાતાની વિગતો અને અન્ય સંવેદનશીલ માહિતી સંપૂર્ણપણે કાનૂની સુરક્ષા સાથે સલામત બનશે.

ડેટાના અનધિકૃત દુરુપયોગ, ગેરકાયદે પ્રવેશો અને સાયબર જોખમો પર કડક ડિજિટલ દેખરેખ રાખવામાં આવશે.

કૃષિ સબસિડી, પાક વીમો, કુદરતી આપત્તિ રાહત તેમજ અન્ય તમામ સરકારી સહાયનું વિતરણ વચેટિયાઓ મુક્ત બનશે.

વહીવટી પ્રક્રિયાઓ ઓટોમેટેડ થવાથી સહાયનું વિતરણ વધુ ઝડપી, પારદર્શક અને બિલકુલ ચોક્કસ બનશે.

કોઈ પણ પ્રકારની વિસંગતતા વિના માત્ર વાસ્તવિક પાત્રતા ધરાવતા જમીન પુત્રો સુધી જ સીધો આર્થિક લાભ પહોંચાડી શકાશે.

(10:13 AM IST)