News of Sunday, 24th May 2026
વૈદિક સંસ્થાન ઓઢવ આર્યસમાજ દ્વારા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પંચાલને આવેદનપત્ર : આધુનિક શિક્ષણ સાથે વૈદિક મૂલ્યો શીખવતા ગુરુકુળ માટે જમીન ફાળવવા માંગ
સંસ્થાનના પ્રતિનિધિઓએ ભાજપ અધ્યક્ષને દર્શનયોગ ધામ લાકરોડા પધારી વૈદિક યજ્ઞ અને વેદજ્ઞાનનો લાભ લેવા આપ્યું ભાવભર્યું આમંત્રણ : ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવનાને વિશ્વસ્તરે મૂર્ત રૂપ આપવા ગુરુકુળ નિર્માણ પર ભાર

અમદાવાદ: વૈદિક સંસ્કૃતિ અને ભારતીય મૂલ્યોના સંવર્ધન માટે કાર્યરત અગ્રણી સંસ્થા વૈદિક સંસ્થાન (ઓઢવ આર્યસમાજ), અમદાવાદ દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થાનના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ પંચાલ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સંસ્થાના હોદ્દેદારો દ્વારા ભાજપ અધ્યક્ષને વૈદિક સંસ્કૃતિ આધારિત શિક્ષણના વ્યાપક પ્રસાર માટે "આધુનિક શિક્ષણ સાથે વૈદિક મૂલ્યો શીખવતા ગુરુકુળ" ના ભવ્ય નિર્માણ હેતુ યોગ્ય જમીન ફાળવી આપવાની નમ્ર વિનંતી કરતું એક સત્તાવાર આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ઓઢવ આર્યસમાજના અગ્રણી પ્રતિનિધિઓ આચાર્ય દિનેશજી, કૃણાલ રાજપૂત, ધરમવીરજી, રાજકુમાર યાદવ, નિકોલ વિસ્તારના કોર્પોરેટર દિપક પંચાલ તેમજ જીતેન્દ્ર ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિ મંડળે ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલને દર્શનયોગ ધામ, લાકરોડા ખાતે પધારવા માટે આદરપૂર્વક આમંત્રણ પાઠવ્યું હતું, જેથી તેઓ ત્યાં આયોજિત થનારા પવિત્ર વૈદિક યજ્ઞ અને આધ્યાત્મિક વેદજ્ઞાનનો દિવ્ય લાભ લઈ શકે. ભાજપ પ્રમુખે સંસ્થાની આ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને ખૂબ જ રસપૂર્વક બિરદાવી હતી.
વૈદિક સંસ્થાન, ઓઢવનું મક્કમતાપૂર્વક માનવું છે કે વર્તમાન સમયમાં યુવા પેઢી માટે માત્ર આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ પૂરતું નથી, પરંતુ તેની સાથે ભારતીય સંસ્કૃતિના મૂળભૂત જ્ઞાનનો સમન્વય થવો અત્યંત અનિવાર્ય છે. પ્રસ્તાવિત ગુરુકુળમાં આધુનિક અભ્યાસક્રમની સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રારંભથી જ વૈદિક જ્ઞાન, ઉચ્ચ નૈતિકતા, શ્રમનું સાચું મહત્વ, ભારતીય પરંપરાઓ અને પારિવારિક જીવનમૂલ્યોનું વિશેષ શિક્ષણ આપવામાં આવશે. સંસ્થાના મતે આ પ્રકારનું સર્વગ્રાહી શિક્ષણ જ આવનારી પેઢીને સુસંસ્કારી બનાવશે.
સંસ્થાના પદાધિકારીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનું ગુરુકુળ શિક્ષણ ભારતને વૈશ્વિક સ્તરે વધુ સમૃદ્ધ, શક્તિશાળી અને સુરક્ષિત રાષ્ટ્ર બનાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે. એટલું જ નહીં, આ શિક્ષણ પ્રણાલી વેદોના પરમ હાર્દ અને સંદેશ સમાન "વસુધૈવ કુટુંબકમ" (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) ના પવિત્ર શ્લોકને વૈશ્વિક સ્તરે સાચા અર્થમાં મૂર્ત રૂપ આપવામાં બહુ મોટો અને સકારાત્મક ફાળો ભજવી શકે તેમ છે. આ ઉમદા કાર્ય માટે સરકાર તરફથી જમીન ફાળવણી અંગે યોગ્ય સહયોગ મળે તેવી આશા સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
