<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

પાવાગઢમાં પ્‍લાસ્‍ટિકનું પ્રદૂષણઃ નવરાત્રિમાં જ ડુંગર પર ૩૫,૦૦૦ કિલો પ્‍લાસ્‍ટિક કચરો

એજન્‍સીએ ૨૩૦ સફાઈ કર્મચારીઓને કામે લગાડ્‍યાઃ આવતા વર્ષથી પ્‍લાસ્‍ટિક પ્રતિબંધનું કડકાઈથી અમલીકરણ કરાશે

વડોદરા,તા.૨૩: નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ભક્‍તોનું કિડીયારું ઉભરાયું હતું. નવરાત્રિ દરમિયાન ૧૮ લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરવા સહિત ત્‍યાંની રળિયામણી ખીણો અને ઝરણાંની મજા માણી હતી. નવરાત્રિ દરમિયાન પાવાગઢ ડુંગર અને તેની આસપાસના વિસ્‍તારમાં  મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિક કચરો ફેલાયો હતો. તંત્ર અને સ્‍વયંસેવકોએ મળીને આશરે ૩૫,૦૦૦ કિલો પ્‍લાસ્‍ટિક કચરો એકત્ર કર્યો હતો.

હાલોલના સબ-ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ જિગ્નેશ પટેલે જણાવ્‍યું હતું કે, ખીણ અને રસ્‍તાઓ પર ફેલાયેલા પ્‍લાસ્‍ટિક કચરાને ભેગો કરવો એ એક ઘણું મોટું કામ છે. નવરાત્રિ દરમિયાન મંદિરે દર્શનાર્થે આવતા ભક્‍તોની સંખ્‍યામાં અનેકગણો વધારો થઈ જાય છે. અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નવરાત્રિમાં શ્રદ્ધાળુઓની સંખ્‍યામાં આશરે ૪૦% નો વધારો જોવા મળ્‍યો હતો. મોટાભાગના ભક્‍તો પ્‍લાસ્‍ટિક પેકિગમાં ખાણીપીણીની વસ્‍તુઓ, પાણીની બોટલો અને પાઉચ લઈને આવે છે, જે બાદમાં ડુંગર પર જ કચરા સ્‍વરૂપે ફેંકી દેવામાં આવે છે.

તેમણે જણાવ્‍યું કે,જેટલી વધુ ભીડ, તેટલો જ વધારે કચરો પાછળ છૂટી જાય છે. આ વર્ષે અમે પાવાગઢની ખીણો અને રસ્‍તાઓ પરથી દરરોજ ૩૫૦૦ કિલોથી વધુ પ્‍લાસ્‍ટિક અને અન્‍ય કચરો એકઠો કર્યો હતો. પ્રદૂષણ રોકવા માટે ડુંગરની ઝડપથી સફાઈ કરવી અનિવાર્ય છે.

કચરાના આટલા મોટા જથ્‍થાને દૂર કરવા માટે વ્‍યાપક સફાઈ અભિયાન હાથ ધરવું પડ્‍યું હતું. વહીવટીતંત્ર દ્વારા રોકવામાં આવેલી એજન્‍સીએ ૨૩૦ સફાઈ કર્મચારીઓને કામે લગાડ્‍યા હતા, જેમણે નવરાત્રિ દરમિયાન દિવસભર સતત કામ કરીને કચરો સાફ કર્યો હતો. આ કચરાને માલવાહક રોપ-વે ટ્રોલીઓ અને ગધેડાઓની મદદથી માંચી ગામ સુધી લાવવામાં આવ્‍યો હતો, જ્‍યાંથી ટ્રકોમાં ભરીને હાલોલ ખાતેના ડમ્‍પિંગ સાઇટ પર મોકલી દેવાયો હતો.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે. આ નવરાત્રિ પૂર્વે તંત્રએ ડુંગર પર સિગલ-યુઝ પ્‍લાસ્‍ટિક, ખાસ કરીને પ્‍લાસ્‍ટિકની પાણીની બોટલો પર પ્રતિબંધ મૂકવાનું પણ વિચાર્યું હતું અને આ દરખાસ્‍ત પર વાંધા-સૂચનો મંગાવતી નોટિસ પણ બહાર પાડી હતી. આ યોજના હેઠળ યાત્રાળુઓને રિફંડેબલ ડિપોઝિટ સામે સ્‍ટીલની બોટલો આપવાનું આયોજન હતું, જે બોટલ પરત જમા કરાવતાં નાણાં પાછા મળી જાય. સાથે જ મુલાકાતીઓ તેમાં પાણી ભરી શકે તે માટે ઠેર-ઠેર વોટર કુલર મૂકવાની પણ યોજના હતી. જોકે, તહેવારોની ભીડને ધ્‍યાનમાં રાખીને દુકાનદારોએ અગાઉથી જ પાણીની બોટલોનો મોટો સ્‍ટોક કરી રાખ્‍યો હોવાથી આટલી ટૂંકી નોટિસ પર પ્રતિબંધ લાદવો મુશ્‍કેલ હતો.  પરંતુ આવતા વર્ષથી પ્‍લાસ્‍ટિક પ્રતિબંધનું કડકાઈથી અમલીકરણ કરવામાં આવશે. દરિયાઈ સપાટીથી ૨૭૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા આ પવિત્ર યાત્રાધામ પર પ્‍લાસ્‍ટિકનો ભાર ઘટાડવા માટે વહીવટીતંત્ર આવતા વર્ષથી બાયોડિગ્રેડેબલ પાણીની બોટલો સપ્‍લાય કરતી એજન્‍સીઓની સેવા લેવાના વિકલ્‍પો પણ ચકાસી રહ્યું છે.

(3:06 PM IST)