તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
ગાંધીનગરના માધવગઢમાં રમતનું મેદાન સ્મશાનમાં ફેરવાયુ :જર્જરિત દીવાલે નિર્દોષ માસૂમનો જીવ લીધો
ગામની સરકારી પ્રાથમિક શાળાની જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થતા રમત રમી રહેલા બાળકો કાટમાળ નીચે દબાયા:એક માસૂમ બાળકીનું કરૂણ મોત જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત .

ગાંધીનગર નજીક આવેલા માધવગઢ ગામે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. ગામની સરકારી પ્રાથમિક શાળા ની જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થતા રમત રમી રહેલા બાળકો કાટમાળ નીચે દબાયા હતા. આ ગંભીર દુર્ઘટનામાં એક માસૂમ બાળકીનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
મળતી માહિતી મુજબ, રવિવારની રજા હોવાથી ગામના બાળકો શાળાના મેદાનમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. સૂર્યસિંહ રાઠોડનો 4 વર્ષીય પુત્ર રઘુનંદન પણ તેના મિત્રો સાથે ત્યાં હાજર હતો. આ દરમિયાન શાળાની એક અત્યંત જર્જરિત હાલતમાં રહેલી દીવાલ અચાનક તૂટી પડી હતી. દીવાલનો મોટો હિસ્સો બાળકો પર પડતા નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા બાળકોને બહાર કાઢ્યા હતા.
આ દુર્ઘટનામાં એક બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળે છે, જ્યારે રઘુનંદનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર માધવગઢ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગ્રામજનોમાં તંત્રની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે શાળાની હાલત લાંબા સમયથી ખરાબ હતી. સાવચેતીના પગલે, હાલમાં શાળાના અન્ય બાળકોને અભ્યાસ માટે અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કિસ્સાએ રાજ્યની સરકારી શાળાઓની ઈમારતોની સલામતી પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યા છે
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
