તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
નવસારીમાં PM નરેન્દ્રભાઇ મોદી હાઇટેક ભાજપ કાર્યાલય 'નમો કમલમ'નું કરશે લોકાર્પણ: સી.આર. પાટીલે સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ કરાવ્યો
લૂંસીકુઇ ચોપાટીના ૧૦૦ ફેરિયાઓને વિનામૂલ્યે આધુનિક સ્ટીલની લારીઓનું વિતરણ કરાયું; સગર્ભા બહેનો અને ટીબીના દર્દીઓને પોષણ કિટ અર્પણ

નવસારી: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ૮ સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને લઈને સમગ્ર જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન શ્રી નેશનલ હાઈવે નજીક ગ્રીડ વિસ્તારમાં નવનિર્મિત દેશના અત્યાધુનિક, AI-સજ્જ અને કોર્પોરેટ શૈલીના જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું ભવ્ય લોકાર્પણ કરશે. આ ઐતિહાસિક પ્રવાસને વધાવવા માટે સમગ્ર નવસારી જિલ્લામાં જનકલ્યાણકારી અને સેવાકીય પ્રવૃત્તિઓનો તબક્કાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે.
પીએમ મોદીના આગમન પૂર્વે નવસારીના લૂંસીકુઇ ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાના વેપારીઓને પગભર કરવા અને શહેરમાં સ્ટ્રીટ ફૂડ વ્યવસાયને વધુ સ્વચ્છ અને આકર્ષક બનાવવાના હેતુથી લૂંસીકુઇ ચોપાટીના ૧૦૦ જેટલા જરૂરિયાતમંદ લારી ફેરિયાઓને રૂ. ૩૦ હજારની કિંમત ધરાવતી મજબૂત સ્ટેનલેસ સ્ટીલની લારીઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં ૭૦૦ થી વધુ નાના ધંધાર્થીઓને આવી આધુનિક લારીઓ આપવાનું આયોજન છે.
સેવાકીય અભિયાન અંતર્ગત આરોગ્ય વિષયક કેમ્પોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહાર કિટ, ટીબીના દર્દીઓને ન્યુટ્રિશનલ ફૂડ કિટ તેમજ વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાય અને મફત નિદાન કેમ્પનું આયોજન કરી સેવાઈજ્ઞને વેગ આપવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના આગમન સાથે જનકલ્યાણનો આ મહાયજ્ઞ જોડાયેલો છે અને છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનો સંગઠનનો અથાક પ્રયાસ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
