તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 11th July 2026
ધૂણાનો કવિ, ખૂણાનો કવિઃ સંજુ વાળાઃ સાંપ્રત ગુજરાતી કવિતાને અભિનવ વળાંક આપનાર કવિવરના ૬૬મા જન્મદિવસ નિમિત્તે પ્રાસંગિક આલેખ

ગરવી ગઝલના જાણે બે રસ છલકતા મિસરા,
પહેલો તે સંજુ વાળા, બીજોય સંજુ વાળા.
શુષ્ક સરોવર,સાંજઃ નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા.
કયાં જ્ઞાનગોષ્ઠિ વચ્ચે આવી ચડ્યા હે સંજુ !
ગઝલો ય કહેવી પડશે મુક્તક કરી કરીને.
છાતી - પ્રગટ નિજ મંદિર જેનાં સૌ દરવાજે તાળા,
ચાર ઘડી ચોઘડિયા વાજે ઘડી ઘડી ઘડિયાળા.
અવળી ચાલ અજાયબ કેડા !.
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા !
સહજ જડી સરવાણી !
મળ્યું, મેળવ્યું વાવરવું-
ને ઉછી-ઉધારું લઈ કરવાની લ્હાણી !
સહજ જડી સરવાણી !
-- સંજુ વાળા.
‘‘આજે કવિતા વંચાતી નથી, મેળાવડાઓમાં ગવાય છે, સંભળાય છે, સંધાય છે, ગંધાય છે. પોચટ લાગણીવેડામાં રાચતી ગીત- ગઝલ નામધારી ( કળ ) કળતિઓ એટલી વિપુલ માત્રામાં પ્રગટવા લાગી છે કે શિષ્ટ વિવેચનને એની સૂગ સુદ્ધા લાગવા માંડી છે. ઉત્તમ કોટિનું કોઈ ગીત કે ઉત્કળષ્ટ પ્રકારની કોઈ ગઝલ આ લીલા દુષ્કાળમાંથી શોધવું એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કપરું છે. સભારંજન અને સસ્તી લોકપ્રિયતાએ બળતામાં ઘી હોમ્યું. વીજાણું માધ્યમોનાં આગમનથી પરિસ્થિતિ વધુ વકરી. આજના કવિને તંત્રી કે સંપાદકની પણ આવશ્યકતા નથી રહી. ઈન્ટરનેટ, બ્લોગ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સ એપ, એસ.એમ.એસ. અને રિલ્સમાં કવિતા રઝળતી દેખાય છે.ફેસબુકનાં માધ્યમમાં રૂપાળાં ચિત્રાંકનો સાથે અધકચરી કવિતાઓનાં કીડિયારાં ઊભરાઈ રહ્યાં છે. ક્ષણાર્ધમાં એમાં ઠેંગા મેળવી પ્રતિસાદનો લ્હાવો લેવાય છે. અમેરિકાથી લઈને તળ ગામડાં સુધી કવિ-સંમેલનોના દૌર ચાલે છે જેમાં સાહિત્ય સિવાયનાં પરિબળો પોતાની કાયા અને માયા પ્રસારતાં રહે છે. આ બધું છે છતાં આજે પણ માત્ર પોતાની ગરજે અને કવિતાને જ કેન્દ્રમાં રાખીને લખતા કેટલાક કવિઓ છે, જેને કારણે ગુજરાતી કવિતામાં નવી આશાનાં કિરણો હજુ પણ દેખાઈ રહ્યાં છે.'' કવિ,વિવેચક કમલ વોરા.
૧૯૮૦ની આસપાસ આપણે ત્યાં એવું એક સક્ષમ, સજ્જ કવિજુથ પ્રવળત્ત થયું, જેણે પોતીકી ઢબે કવિતાનું સર્જન શરૂ કરીને એક નોખી કેડી કંડારી. આશરે એકાદ ડઝન જેટલા આ સત્વશીલ કવિઓએ વિષયવસ્તુ, સંવેદન, ભાવ, ભાષા વગેરે પરત્વે નવોન્મેષ પ્રગટાવતી કવિતાઓનું સર્જન કરીને ગુજરાતી કવિતા-વહેણને એક નમણો, નવતાપૂર્ણ વળાંક આપ્યો. અનુ- આધુનિક કાળના આ મોખરાના કવિઓમાં એક આગવું સ્થાન ધરાવનાર કવિ છે સંજુ વાળા.
સાવરકુંડલાથી ઢૂંકડાં બાઢડા ગામે ૧૧ જૂલાઈ, ૧૯૬૦ના રોજ જન્મેલ કવિશ્રી સંજુ વાળા સરકારશ્રીનાં મહેસૂલ ખાતામાં જોડાઈને આઠેક વર્ષ અગાઉ મામલતદાર તરીકે નિવળત્ત થયા બાદ હાલ રાજકોટ ખાતે વસે છે ને કવિતાને શ્વસે છે.
૧૯૮૫ની આસપાસ કવિતા સર્જનમાં મંગલાચરણ કરનાર આ કવિએ છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ જેવા મુખ્ય તમામ કાવ્યસ્વરૂપોમાં ખંતપૂર્વક ખેડાણ કરીને સાંપ્રત ગુજરાતી કવિતાના અગ્રણી અનુ-આધુનિક કવિઓની પ્રથમ પંગતમાં પોતાનાં સ્થાન અને માન અધિકળત રીતે અંકિત કરેલ છે.
કવિતા ક્ષેત્રે સર્જન, સંપાદન, આસ્વાદન, વિવેચન, કટાર લેખન, વ્યાખ્યાન વગેરે વિધાઓમાં રમમાણ આ શબ્દસાધક પાસેથી અત્યાર સુધીમાં કુલ ૨૫ જેટલાં પુસ્તકો તેમની પાસેથી સાંપડેલ છે. કાવ્ય-સર્જન ઉપર નજર ફેરવીએ તો,અત્યાર સુધીમાં નીચે મુજબનાં કાવ્યસંગ્રહ અને સંપાદનો તેમનાં ખાતે બોલે છેઃ
(૧) ‘કૈંક/કશુંક/અથવા તો..' ગીત-ગઝલ સંગ્રહઃ ૧૯૯૦ ‘સંવર્ધિત આવળત્તિ' ૨૦૨૪
(૨)‘કિલ્લેબંધી': દીર્ઘ, છાંદસ, અછાંદસ કવિતાસંગ્રહઃ ૨૦૦૦:
(૩)‘રાગાધિનમ્': ગીતસંગ્રહ : ૨૦૦૭:
(૪)‘કવિતા નામે સંજીવની': ગઝલસંગ્રહ :૨૦૧૪:
(૫) ‘ચૂંટેલી કવિતા': કવિશ્રીએ ચૂંટેલી કવિતાઃ૨૦૨૦
(૬) ‘અદેહી વીજ': કાવ્યસંગ્રહ :૨૦૨૨(‘અકિલા પબ્લિકેશન્સ'દ્વારા પ્રકાશિત)
(૭) ‘આજ અનુપમ દીઠો'કાવ્યસંગ્રહઃ ૨૦૨૪
(૮) સંજુ વાળાની ચૂંટેલી કવિતાઃ સંપાદનઃ મિલિન્દ ગઢવી.
(૯) ‘ભાવ પરિક્રમા' : ‘ફૂલછાબ'માં પ્રકાશિત થઈ રહેલી કાવ્યાસ્વાદ લેખશ્રેણી ‘ભાવ પરિક્રમા'ના ૫૧ આસ્વાદલેખોનો સંગ્રહ :૨૦૨૫
(૧૦) ગંગાસતી -રવિસાહેબની ચૂંટેલી ભજનકળતિઓનું સંપાદન : ૨૦૨૬
(૧૧) આશરે ૭૫ જેટલાં આપણા સંતકવિઓની ભજનકળતિઓની ‘ભજન ભાવન શ્રેણી'નાં ૫૧ પુસ્તકોનાં સંપાદનનું કાર્ય ‘ગુજરાતી સાહિત્ય અકાદમી'એ હાથ ધરેલ છે, જે પૈકી પંદરેક પુસ્તકો ૨૦૨૬માં પ્રકાશિત થઈ ગયેલ છે, બાકીનાંનું પ્રકાશન ગતિમાં છે. ગુજરાતી ભાષા સાહિત્યમાં અનન્ય અને અપૂર્વ કહી શકાય એવી, ભજન વિશેની આ ગ્રંથશ્રેણીના સંપાદક છે શ્રી સંજુ વાળા અને ડો. સુનીલ જાદવ.
ઉક્ત પુસ્તકો ઉપરાંત અન્ય કેટલાંક -કીર્ણ કાવ્ય-સંપાદનો તેમ જ ૫ દિગ્ગજ ગુજરાતી કવિઓ સર્વશ્રી (૧) ‘શૂન્ય' પાલનપુરી (૨) શયદા (૩) શ્યામ સાધુ (૪) રમેશ પારેખ તથા (૫) યજ્ઞેશ દવેની કવિતાઓના સંપાદનગ્રંથો સજ્જતાપૂર્ણ, સમીક્ષાત્મક આલેખ સાથે આપણને આ કવિ પાસેથી મળેલ છે.ઉપરાંત, ૨૭ માર્ચ, ૨૦૨૨ના રોજ રાજકોટ ખાતે પૂ. મોરારિબાપુનાં પાવન સાન્નિધ્યમાં અને વરિષ્ઠ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીજી તથા અન્ય હજ્જારો કવિતા- ચાહકોની ઉપસ્થિતિમાં કવિશ્રીની ષષ્ટિપૂર્તિ ઉજવણીનો ઉપક્રમ હાથ ધરાયેલ, જેમાં કવિશ્રીનાં નીચે મુજબનાં ૬ ગરિમાપૂર્ણ ગ્રંથોનું લોકાર્પણ પણ યોજાયેલ : ( ૧ ) કડીગોઠડી : શિષ્ટ કાવ્યપંક્તિઓનાં કાવ્યનિમિત્તની વિલોકના અને રસાસ્વાદ.
( ૨ ) ગઝલરસના : ગઝલવિચારણા અને ઉત્તમ શેરના આસ્વાદ.
( ૩) વાગ્વસ્તુ : કવિતાની સહ્રદયી અવલોકના.
( ૪ ) રસપરિક્રમા : કવિતાનાં રસસ્થાનોનું ચિંતન અને રસાસ્વાદ
( ૫ ) છેક શિખરની મજા : સંપાદનઃ ડો. સુનીલ જાદવ /ડો. દલપત ચાવડા : સંજુ વાળાની ગીતકવિતાના આસ્વાદલેખો :
( ૬ ) સહજ જડી સરવાણી : સંજુ વાળાની કવિતા અને મૈત્રી વિશે અગ્રણી સર્જકો ,કલાકારો ,ભાવકો , મિત્રોના આલેખઃ કવિશ્રીની દીર્ઘ, દેદીપ્યમાન સર્જન- યાત્રા સંદર્ભે વિવિધ સન્માન, પારિતોષિક, એવોર્ડનાં સ્વરૂપે કવિશ્રીનાં ઔચિત્યસભર પોંખણાં પણ થયેલ છે. આ સન્માનમાં સમાવિષ્ટ છેઃ જયંત પાઠક એવોર્ડ, શયદા એવોર્ડ, ડો.ભાનુપ્રસાદ પંડ્યા એવોર્ડ , આકાશવાણી, રમેશ પારેખ એવોર્ડ , હરીન્દ્ર દવે એવોર્ડ અને છેલ્લે તાજેતરમાં મળેલ ‘પારસ ચંદ્રક' જેમાં બે લાખ રૂપિયાનો પુરસ્કાર છે અને તે સાંપ્રત કાળનો સૌથી મૂલ્યવાન એવોર્ડ છે.
આ કવિએ દૂરદર્શન, આકાશવાણી, પ્રાઈવેટ ન્યૂઝ ચેનલ્સ અને અન્ય સંસ્થાકીય મંચ ઉપર તેમ જ મુંબઈથી મહુવા સુધી અને ઉત્તરકાશીથી લંડન સુધી તેમણે વિવિધ કવિ-સંમેલનોમાં કાવ્યપાઠ કરીને શ્રોતાઓ-ભાવકોની તાળીઓની ગુંજને ઝીલેલ છે.
પૂ.મોરારિબાપુ જેમની કવિતાનાં રહસ્યવાદ, અધ્યાત્મથી પ્રભાવિત થઈને ઉચિત ઢબે જેમને ‘ધુણાનો કવિ': ખૂણાનો કવિઁ કહીને નવાજે છે એવા આપણા આ સક્ષમ, સુસજ્જ કવિશ્રી સંજુ વાળાની કેટલીક કવિતાઓમાં મને ભળાયેલાં રમણીય, કાવ્યત્વસભર સ્થાનોની ચાલો, તમનેય ઉડતી મુલાકાત કરાવું ભાવક-ભાવે !
&& છાંદસ,અછાંદસ કવિતા-કસબ &&
‘કિલ્લેબંધી' એ કવિની દીર્ઘ, છાંદસ, અછાંદસ કવિતાઓનો સંગ્રહ છે, જેમાં થોડા દોહાઓ સહિત કુલ ૨૩ રચનાઓ સમાવિષ્ટ છે. વિષયવસ્તુ, ભાવસંવેદન, રચનારીતિ સંદર્ભે આ કવિતાઓ પોતીકી વિલક્ષણ મુદ્રા લઈને આવે છે. જેમ કે અલ્પાયુ કવિ સ્વ.રાવજી પટેલને અનુલક્ષીને રચાયેલ લઘુકાવ્ય ‘એક સ્મરણોક્તિઁનો અંશ જોઈએ'
‘‘મારી કવિતાનો ભીનો રસાળ લય
અને
રજકાની ગંધ લઈને મ્હોરી ઉઠેલી ભાવ
ઝૂંટવી લીધા,અમરગઢ !''
છેલ્લે કવિ કહે છેઃ
‘‘લાવ,મને પાછો આપ
મારો લય
મારો ભાવ
મારી ઉછળતી કૂદતી રમતિયાળ ભાષા''
આ સંગ્રહમાં ‘પાશ' -‘કિલ્લેબંધી' ‘કબ્રસ્તાનમાં આંબલી'- ‘ખનન' જેવાં કાવ્યો વિષયસામગ્રી, બિનપરંપરાગત ભાષા-યોજના, રચનારીતિ પરત્વે અનન્ય છે. આ કવિતાઓમાં મનુષ્ય-નિયતિ, જીવનની એકવિધતા, યાંત્રિકતા, નગરજીવનની સંકુલતા, માનવમનની સંકીર્ણતા-ક્ષુદ્રતા જેવા વિવિધ ભાવ-સંવેદનો તારસ્વરે ઝીલાયાં છે.
સગર્ભા નારીનાં મનોજગત અને ગર્ભાધાનથી પ્રસવ સુધીનાં શારીરિક-માનસિક સંચાર-સંવેદનને બારીકાઈથી અભિવ્યક્ત કરતું એક સુંદર કાવ્ય ‘પ્રતીતિ' તો પ્રદીપ ખાંડવાલા દ્વારા અંગ્રેજીમાં અનુદિત થઈને તેમનાં પરિષદે પ્રકાશિત કરેલ વિલક્ષણ ગ્રંથ Beyond The Track માં સમાવેશ પામેલ છે.
આમ, સંજુ વાળાની દીર્ઘ, છાંદસ, અછાંદસ કવિતાઓ નવતાસભર નિરૂપણાને કારણે ભાવકનાં અંતરમનને સ્પર્શે છે.
&& સંજુ વાળાની ગીત-કવિતા &&
સંજુ વાળાએ ગીતલેખનની શરૂઆત કરી ત્યારે રમેશ પારેખ, અનિલ જોષી, વિનોદ જોષી, માધવ રામાનુજ ઇત્યાદિ કવિઓ ગુજરાતી ગીત-કવિતાને પોતીકી ઢબે નવી ઊંચાઇએ લઈ જવા પ્રવળત્ત હતા. ત્યારે સંજુ વાળા માટે આ બધા પુરોગામીઓથી ચીલો ચાતરીને પોતીકી કેડી કંડારવાનો પાણીદાર પડકાર હતો,જે તેમણે બહુધા ઝીલી બતાવ્યો ને નીજી નજાકતથી ગુજરાતી ગીતકવિતા ક્ષેત્રે સ્વતંત્ર મુદ્રા ઉપસાવવામાં મહદંશે સફળ રહ્યા. અજિતસિંહ ચૌહાણ તારવે છેઃ ‘‘નાજુક નાયિકાના મુગ્ધ ભાવો, લયનો કેફ, તળપદા શબ્દો-આ બધાંમાંથી છૂટીને સંજુ વાળા ગીતને અગેયતાની નજીક લઇ જાય છે , પોતાની નિજી ભાષા ઘડે છે ને વિષયોમાં પણ તત્વદર્શન તરફ વધારે ઝોક રહે છે ને એમ એ પુરોગામીઓથી જુદા પડી પોતાની એક મુદ્રા ઘડે છે.''
બોલચાલના શબ્દો, રવાનુકારી પદાવલી, વર્ણાનુપ્રાસ એમનાં ગીતની લાક્ષણિકતા રહીઃ જેમ કે--
‘‘સખિયન ! ધણણણ ધણણણ ગર્જત બાજત ઢોલ મળદંગો !
સખિયન ! હડુડુડુ હડુડુડુ લેવત હય ગજરાજ અઠિંગો !
સખિયન ! અરવ અંકોડે ઝળક ઝલક ઝળકાતાં ઝુમ્મર ! ''
અહીં વ્રજભાષાના શબ્દોય જુદી મજા કરાવે છે. આશરે ત્રણેક દાયકા અગાઉ લખાયેલ કવિશ્રીનું ગીત ‘થાંભલી' વિષય અને ભાવસંવેદન પરત્વે વિલક્ષણ છે, જેમાં ‘થાંભલી'એક પાત્ર છે, જે ઘર-મકાનનાં અન્ય વાનાં, ઘરની બધી ઘટનાઓ ભૂલી જાય છે પણ ‘થાંભલી' તો બધું પોતાનામાં સંવેદીને, સંઘરીને એકલી અટૂલી ઊભી છે, જેની સ્થિત-જ્ઞતાને જોઈને પડોશી મોગરાની ડાળને ય ‘થાંભલી'ની અંગુલિ થામવાનું મન થાય છે. આ કાવ્યમાં ‘થાંભલી'નો પ્રતીકાત્મક વિનિયોગ કવિની સજ્જ સર્ગશક્તિનો ઉત્તમ નમૂનો છે.એક અંતરો જુઓઃ
‘‘થાંભલી તો એકલી અટૂલી..
બારી, પરસાળ,ભીંત, ઓરડો ને મોભ
એકબીજામાં જાત, રાત ગોપવીને જાય બધું ભૂલી..''
પોતીકી સહુને સંભાળ,
મારે ઊંચકવા તડકામાં ભાર -
એમ વિચારે કુંભી !
ખરતી ખડૂસ ભીંત બોલી કે-‘‘ભૂલી
જા થોકબંધ ઝૂરવાનું રાજપાટ સૂંઘી!
સાંભળીને પાડોશી મોગરાના છાંયડાને મન થયું થાંભલીની થામું અંગુલિ થાંભલી તો એકલી અટૂલી !''
કવિના પ્રથમ સંગ્રહની આ સિવાયની પણ ‘રાત રસાળે' -‘કેસરભીની હથેળીમાં' ‘પ્રગીત મરસિયા' ઉપરાંત ‘સખીરી ગુચ્છ'ની સાતેક રચનાઓ પણ ભાષા, પ્રતીક, કલ્પન થકી આસ્વાદ્ય છે.આ સંગ્રહનું એક વિલક્ષણ ગીત છેઃ
‘મિલ મજુરોનું સહગાન': આ કૌવતપૂર્ણ કવિતામાં અરૂઢ ભાષાભિવ્યક્તિ દ્વારા, ધ્વન્યાત્મક પદાવલી થકી મીલ-મજુરોનાં જીવતરનાં તાણા-વાણાંનેય વાચા સાંપડી છે.
એક અંતરો માણીએઃ
‘‘હો રે હેતાળ હાથ ઓળઘોળ વાણામાં તાણામાં સાટકા-સબાકા ઓ..હો..રે
કાંજીમાં રેબઝેબ નીતરવું ગૂંથીને
બંધાવ્યા મલમલના તાકા ઓ..હો..રે
હો..રે ખટ્ટાક ખટ્ ખટક ખટાક ખટ્,ખટક ખટાક ખટ્ હો રે''
ભાવકોનાં કર્ણપટલે પડઘાય છે અહીં હાથસાળનાં યંત્રોનો ધ્વનિ !
‘રાગાધિનમ્'એ કવિનાં માત્ર ગીતોનો એક અનન્ય સંગ્રહ છે, જેમાં ૮૬ જેટલી ગીતકવિતા સંગ્રહિત છે. કવિશ્રીનું મધ્યકાલીન ભજનપરંપરા સાથેનું ભાવનાત્મક જોડાણ અહીં ઠેર ઠેર માણી, પ્રમાણી શકાય છે.
જુઓઃ
‘‘થડ વિનાની ઝૂરે ડાળી,ડાળ વિનાનું
પાન,
મરમ જાણવા મરમી બેઠા ધરી વળક્ષનું ધ્યાન.''
‘‘પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ,
પંખી ઊડ્યાં અને ઝીણું ચાંચમાં ઝીલી
તથ''
‘‘આવે આવે ઓતર દશ્યેથી એક સાંઢણી
હે એના ઘમકારે ઝાઝેરા જુહાર..
ત્રાંબાળું-કાંસાળું તને બોલાવું રે ઘૂઘરી,
હીર દોરે હાંકે અણદીઠ અસવાર !''
‘‘અણજોયાંને જોયું કરવું,અણઘડ ઘડવા ઘાટ,
ચાલ ન જાણી તો ય માંડી જગ જાહેર ચોપાટ ''
ભોજાભગતના ચાબખાનો ધ્વનિય ચિત્તને અને કાનને ઝંકળત કરે :
‘‘રમે માહ્યલો રંગે !
ભલે ભસ્મનાં ત્રિપુંડ તાણ્યાં,
ભભૂત ચોળી અંગે ! ''
આપણા પરિપક્વ કવિ-વિવેચક શ્રી મણિલાલ હ.પટેલ ઉચિત રીતે નોંધે છેઃ
‘‘કુટુંબમાં જે ભજન પરંપરા હતી એનો વારસો કવિને સંયમિત રાખીને સંકેતાત્મક રચનાઓ તરફ વાળવામાં સફળ થયો છે.''
પ્રથિતયશ પ્રાજ્ઞ શ્રી રઘુવીર ચૌધરી સંજુ વાળા પાસેથી હજુ વધુ ઊર્મિગીતો અપેક્ષે છે, કેમ કે તેમને આ કવિની ગીતકવિતામાં ‘‘ગીતનાં સ્વરૂપ સાથેનો ઘરોબો, બોલચાલના શબ્દો અને લઢણોની તાજગી ભરી વરણી અને ખાસ તો જીવનની સમજણ''દ્રષ્ટિગોચર થાય છે.
&& સંજુ વાળાનું ગઝલ-વિશ્વ &&
ગીતની જેમ ગઝલમાં પણ સંજુ વાળાની પોતીકી મુદ્રા છે.અરૂઢ રદીફ, કાફિયા, એનું સાદ્યંત નિર્વહણ, ભાતીગળ ભાષા વૈભવ, તળપ્રદેશની બોલચાલના શબ્દો, નવતાપૂર્ણ કલ્પન-પ્રતિકો, અલાયદું ભાવવિશ્વ અને ચીલો ચાતરતી વિષય સામગ્રી સાથે જ્ઞાનમાર્ગી કવિતાના અર્થસંકેતો સાથેની ભાષાસંરચના- આ વાનાં સંજુ વાળાની ગઝલના આગવા વિશેષ રહ્યા છે.
લાંબી બહેરની ગઝલના શેરમાંય કવિની સર્જકતા ખીલતી દેખાય છે.
જુઓઃ
‘‘ગાંડી વાડીને આથમણે શેઢે અડવડ ઊભું જાળું,અરધા કાચા,અરધા પાકા, ઝાકમઝોળ ઝુંબેશ બોર..
કાંટા વચ્ચેથી ચૂંટીને સ્વાદ ચાખતાં લાગ્યો તૂરો એનો આઠે અંગે ચડવા લાગ્યો કાચ્ચે કાચ્ચો તોર..''
‘‘ઉપડ્યા લઈને ક્ષિતિજની પાર એવા સ્થળ વિશેની શોધ ઓ વણઝારા રે
ક્હેણરી બચકી ઉપર લાદી ન-વસ્તરી વ્યંજનાવત્ પોઠ ઓ વણઝારા રે''
‘‘ઝાપટું વરસાદનું ઝીલી શકો ને આંકડા આપી શકો એ શકય છે,
મન વરસતું હોય ત્યાં ભીનાશના જથ્થા વિશે પૂછો તો શું પૂછી શકો ?''
તો વળી, ટૂંકી બહરમાં પણ સંજુ વાળાની ગઝલોએ તાળીઓના ગડગડાટ ઝીલ્યા છે તે તેમની વિલક્ષણ નિરૂપણાને કારણે સ્તો !
કેટલાક શેર માણીએઃ
‘‘ઊભા રહી અટારીએ
દ્વિધામાં નખ પલાળીએ
યુગોથી ઊંઘતી પ્રથા
દસ્તક દ ઈ જગાડીએ ''
‘‘મનની મસળણ ડેલીએ,
ચાલો હવે ટહેલીએ
સમજણનું થાય અપહરણ,
ને ડાઘ લાગે ડેલીએ''
‘‘ગાઢ અરણ્યો વચ્ચે લોક,
રડે, કૂટે, પણ સર્વ ફોક
અરધાને અધકચરી ઊંઘ,
અરધું છે મુર્છાગ્રસ્ત લોક.''
‘‘ગાંઠ વળી ગઈ છે નિંગઠ,
થાય નહીં પાંચમની છઠ !
તારાં સિંહાસન સામે,
અમે ય લે, ઢાળ્યો બાજઠ''
મીરાંબાઈથી કબીર અને રવિસાહેબથી જીવણસાહેબ સુધીના આઠેક સંતસર્જકોની પ્રથમ પંક્તિને ખપમાં લઇને આ કવિએ સાદ્યંત સુંદર ગઝલો મુળ ભાવના નૂતન આવિષ્કાર સાથે રચી છે એ આ કવિનું વિશિષ્ટ કવિકર્મ છે.
&& સંજુ વાળાની ભાષાભિવ્યક્તિ &&
સંજુ વાળાના તમામ કાવ્યસ્વરૂપોમાં ઉડીને આંખે વળગે એવું બેઝિક તત્વ-સત્વ તે ભાષાનું પોતીકું પ્રભાવશાળી પોત.
હિંદી, અંગ્રેજી , સંસ્કળત શબ્દો ઉપરાંત શિષ્ટ ગુજરાતી-તળ કાઠિયાવાડી લોકબાનીના શબ્દો, લય, લહેકા, લઢણ નિજી ઢબે અને ઢંગે, મોકળાં મને, છુટ્ટા હાથે પથરાયેલ જોવા મળે છે, જે કવિનાં કવન-સૌન્દર્યમાં અદકું ઉમેરણ કરે છે.કવિનાં આ ભાતીગળ ભાષા- વૈભવ તરફ જરા નજર કરી લઈએઃ
હિન્દી ભાષાના શબ્દોય તેમની રચનાઓમાં સાહજિક રીતે આવી જાય છે, જે રચનાના ભાવમાં ઓગળી જતા હોઇ આગંતુક નથી લાગતા.
જેમ કે-
‘‘છો હિરા-માણેકનું બજાર હો !
કિન્તુ એ બાજાર હૈ ના?
મૂલ્ય અંકાતાં અહીં સૌ
સામે પલ્લે પહાણ મૂકી ! ''
એ જ રીતે --
‘‘છેલ્લું ડગલું તારે હાથ,
સાવધ થઈને આગે બઢ ! ''
સ્વાભાવિક ઢબે આવી જતા અને ગોઠવાઈ જતા English ભાષાના શબ્દોનાંય એક-બે ઉદાહરણ જોઈએઃ
‘‘હો વિચારો Highly Inflamable
જાણમાં પણ એવી કોઈ વ્યક્તિ નથી''
‘‘Nothingness નું પકડી પુચ્છ,
થઈ બેઠા અકારણ મહાન !''
‘‘આવ,તને હું વાત કહું ખાસ,
ઉછી-ઉધારાની પીડા ને
problems ગાંઠે બાંધીને
ના થઈએ ઉદાસ.
માથુ ના ખા,
please keep mum
આમ મને બહેકાવી મૂકવાનો
ના કર પ્રયાસ !
યાર, for God's sake ચૂપ મર!
રહેવા દે છલબલતી આધ્યાત્મિક
વાતોનો ત્રાસ !
આવ,તને વાત કહું ખાસ.''
પુરાણકથા-લોકકથા-દંતકથાના પાત્રો તેમ જ સમકાલીન કવિઓ પણ સંજુ વાળાની કવિતામાં હાજરી પૂરાવીને સમગ્ર શેર-પંક્તિમાં સૌન્દર્યનાભૂતિ કરાવી જાય છે.
થોડા દ્રષ્ટાંત પર દ્રષ્ટિપાત કરીએ :
‘‘શબરીને મન બોર નથી કોઈ એંઠા,
તમે નજીવા કારણસર કાં મ્હોં મચકોડી બેઠા ? ''
‘‘ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
સમતા જ આભૂષણ બને એ કાન કયાંથી લાવીએ ?
‘‘તારે કારણ હે નરસિંહ !
વૈષ્ણવજન આખું સોરઠ ''
‘‘જમિયલશા ! પડકારો દ્યો !
ગિરનારે ચીંધ્યો મારગ ! ''
‘‘હિરો સલાટ આજ પણ મારામાં જીવે છે
હું એ જ છું ડભોઈ ! મને યાદ કરી જો
‘‘રંગે રૂપે તો છે શકુંતલાની સખી,
કિંતુ સ્વભાવે લીમડાની ડાળખી''
‘‘ સંભવ છે એ જગ્યાએ મેળો ભરાય કાલે,
નિર્મમપણે જ્યાં આજે ખેલાયું હલદીઘાટી''
સાંભળ્યા ગુલઝારને,ગઝલો ય વાંચી શ્યામની,
છેવટે સાચી ‘હકીકત' સોમરસમાં
ઉતરી''
‘‘જે ર.પા.નાં ગીતસંગ્રહમાં મૂકીઁતી કાપલી,
પાનું ખોલીને સવારે જોયું તો થઈ ગઈ પરી''
‘‘ન્યૂ જર્સીમાં આદિલજીને કેવા કેવા સપનાં આવે ?
ધૂળ વતનની વ્હાલી કરતાં ચડતું મન ચકરાવે,
આદિલજીને ન્યૂ જર્સીમાં નિતનિત કેવાં સપનાં આવે ? ''
હવે, કવિએ રચેલ ત્રિપદી અને દોહાની મીઠાઇનું થોડું ચખણું કરાવું !
ધરબી શકે જો પાછો
બંદૂકમાં ધડાકો
ત્યારે કવિ તું પાક્કો !
ઉઝેરવા હો ઉત્સુક
નિત દૂઝતો સબાકો
ત્યારે કવિ તું પાક્કો !
ગહન ગુફાના ગોખમાં તેં પ્રગટાવી જ્યોત,
અંધારું લઈ પાંખમાં ઉડ્યાં અંધ કપોત.
તને બહેરા મન આંધળા સમજણ સારાસાર
સૌને સૌના આગવા વાણી ને વ્યવહાર
કવિશ્રી સંજુ વાળાની કવિતા અંગેની કેફિયત સાંભળીએઃ
‘‘કવિતાએ અઢળક આપ્યું છે.પામ્યો છું આ કવિતા પાસેથી અઢળક અને અનહદ.છતાં ય એવું જ લાગે છે કે આ બહુ દુરનો પ્રદેશ છે, જે આપણી પહોંચમાં કયારેય આવવાનો નથી. એના ઋણની લાખ પ્રયત્નો પછી પણ આંકણી થઈ શકે એમ નથી.''
કવિતા પ્રત્યેના કવિના આ ભાવને, અહોભાવને સલામ!
રાજકોટ-સૌરાષ્ટ્રનાં અગ્રણી અખબાર ‘ફૂલછાબ'ની બુધવારીય પૂર્તિ ‘પંચામળત'નાં પળષ્ઠો પર ‘ભાવપરિક્રમા' કટારનાં માધ્યમ થકી શ્રી સંજુ વાળા હાલ ગુજરાતી કવિતા-લોકગીત-ભજનનો રસાળ ઢબે રસાસ્વાદ કરાવી રહ્યા છે.
છેલ્લે, યાદ કરીએ ‘અંતર્નાદ' !
તાજેતરમાં આકાશવાણી રાજકોટ ઉપર આપણાં પ્રાચીન ભજનોના આસ્વાદનની એક નૂતન સાપ્તાહિક શ્રેણી પ્રસારિત થઈ ‘અંતર્નાદ'. આકાશવાણી રાજકોટના સંગીત નિયોજક અને ભજનમર્મજ્ઞ ડો.ભરત પટેલ નિર્મિત આ શ્રેણીમાં પ્રત્યેક સપ્તાહે કોઈ એક ભજન વિશે તાત્ત્િવક છણાવટ થાય અને પછી શ્રી હેમંત ચૌહાણના મીઠડા સ્વરમાં એ ભજનની પ્રસ્તુતિ થાય. આકાશવાણી રાજકોટના આ નવોન્મેષપૂર્ણ ઉપક્રમ ‘અંતર્નાદ'ના લેખક,સંકલક અને પ્રસ્તુતકર્તા હતા સંજુ વાળા !
આમ, અનુ-આધુનિક કાળની કવિતા હોય, આપણાં લોકવાંગ્મયની કોઈ કળતિ હોય કે મધ્યકાલીન પરંપરાની ભજનવાણી હોય, સંજુ વાળા એ પ્રત્યેક રચનાની તલસ્પર્શી અને તત્વાનેષી છણાવટ દ્વારા તેનાં ભાવન, આસ્વાદન અને વિવેચનની કળામાંય આગવું કૌવત ધરાવે છે.
ભવિષ્યમાં પણ શ્રી સંજુ વાળાની આવી કસબસભર કારયિત્રી -તિભા અને ભાવયિત્રિ પ્રતિભાથી આપણે ન્યાલ થતા રહીએ અને ગુજરાતી ભાષા-સાહિત્ય પણ રળિયાત થયાં કરે એવી અભ્યર્થના સાથે કવિશ્રીને ધન્યવાદ અને સુકામનાઓ. નમસ્કાર!
આર.પી.જોષીઃ રાજકોટ

(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
