તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
સાબરકાંઠામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો સપાટો: વડાલીમાં ખેતીની આડમાં ઉગાડેલો રૂ.20 લાખનો ગાંજો ઝડપાયો
સાબરકાંઠા SOGએ ડ્રોન સર્વેલન્સથી પોશીના તાલુકાના લાખિયા ગામે ઘર આંગણે ઉગાડેલી 558 ગાંજાની લીલી છોડ જપ્ત કરી; 226 કિલોથી વધુ વજનના ગાંજાની કિંમત રૂ.1.13 કરોડ

હિંમતનગર/સાબરકાંઠા, તા.17 : સાબરકાંઠા જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નાબૂદ કરવા ચલાવાઈ રહેલા ખાસ અભિયાન હેઠળ SOG ટીમે પોશીના તાલુકાના લાખિયા ગામે મોટી કાર્યવાહી કરી છે. ખેતીની આડમાં ઘર આંગણે ઉગાડવામાં આવતા ગાંજાનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ SOGની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
SOG પીઆઈ ડી.સી. પરમાર અને પીએસઆઈ પી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમ પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે લાખિયા ગામના નાની સોંગધ ફળિયામાં રહેતા હમથા ડાભી (ઉં.38) એ પોતાના રહેણાંક મકાનની સામેની જમીનમાં ગેરકાયદે ગાંજાની ખેતી કરી છે.
માહિતીની ખરાઈ કરવા SOG ટીમે પહેલા ડ્રોન સર્વેલન્સ કર્યું, જેમાં ગાંજાના છોડની ચોક્કસ વિગતો મળી. ખાતરી થતા સરકારી પંચોની હાજરીમાં સ્થળ પર રેડ પાડવામાં આવી. દરોડા દરમિયાન ઘર આંગણેથી 558 ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા, જેનું વજન 226.237 કિલોગ્રામ થયું હતું. જપ્ત કરાયેલા લીલા ગાંજાની અંદાજિત બજાર કિંમત રૂ.1.13 કરોડ આંકવામાં આવી છે.
SOGએ આરોપી હમથા ડાભીની ધરપકડ કરી સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીના કબજા અને નિયંત્રણવાળી જમીનમાંથી ગાંજાની ખેતી મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ હવે આ ગાંજાના બીજ ક્યાંથી લાવ્યા, ખેતીની પદ્ધતિ અને માલ કોને વેચવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે આ પહેલા પણ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાળી ગામે કપાસ અને દિવેલાના પાકની આડમાં 550 લીલા ગાંજાના છોડ ઉગાડવાનો કેસ પકડાયો હતો, જેમાં 3,036 કિલો વજનના ગાંજાની કિંમત રૂ.15.18 કરોડથી વધુ હતી. રાજ્યમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસની લડાઈ તેજ બની છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
