તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
સુરત કતારગામના ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી મળેલ માથા વગરનું નગ્ન ધડ કેસમાં પોલીસને સફળતા: માત્ર 30000 રૂપિયાની ઉઘરાણી સાથીએ કાપી નાખ્યું ગળું
પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો:પૈસાની ઉઘરાણીમાં સાથી કારીગરે પત્ની અને પુત્રની મદદથી આ હત્યાકાંડને પાર પાડ્યો:પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી

સુરત શહેરમાં સણસણતા હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે. કતારગામ ગોટાલાવાડી વિસ્તારમાં આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળેલા મૃતદેહના કેસમાં પોલીસને સફળતા મળી છે. દિવાળીના તહેવારો ટાણે જ બનેલી આ રૂંવાડા ઊભા કરી દે તેવી ક્રૂર ઘટનાથી પોલીસ કાફલો પણ સ્તબ્ધ થઈ ગયો હતો. જોકે કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં આ અંધારી હત્યાનો પર્દાફાશ કરી નાખ્યો છે. આ આખી હત્યા માત્ર 30000 રૂપિયાની ઉઘરાણીના વિવાદમાં સાથી કારીગરે જ કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં મૃતકની ઓળખ સંજય તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ સંજય મૂળ ઓરિસ્સાનો વતની હતો, તે સુરતમાં લૂમ્સ કારીગર તરીકે કામ કરતો હતો. તેની સાથે હિન્દુ મિલન મંદિર પાસે આવેલા લૂમ્સ ખાતામાં કામ કરતો સચિત્ર નામનો શખ્સ પણ ઓરિસ્સાનો જ વતની હતો. સંજયે થોડા સમય પહેલાં સચિત્ર પાસેથી 30000 રૂપિયા ઉછીના લીધા હતા. સચિત્ર અવારનવાર આ નાણાંની ઉઘરાણી કરતો હતો. આ પૈસાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ પણ થઈ હતી.
રૂપિયા ન મળતા સચિત્રના મનમાં વેરની આગ ભભૂકી ઉઠી હતી. સચિત્રએ આ માટે ખૌફનાક ષડયંત્ર ઘડ્યું, જેને પાર પાડવા માટે સચિત્ર સંજયને પોતાની બાઈક પર બેસાડીને રાહત કોલોનીમાં આવેલા પોતાના ઘરે લઈ ગયો હતો. ઘરમાં પહોંચતા જ સચિત્રનો વિકૃત ચહેરો સામે આવ્યો હતો. તેણે સંજયના હાથ-પગ મજબૂતીથી બાંધી દીધા હતા. સંજય કંઈ સમજે કે વિરોધ કરે તે પહેલાં સચિત્રએ તીક્ષ્ણ કોઈતા વડે સંજયના ગળા પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. નિર્દયતાપૂર્વક ગળું ધડથી અલગ કરીને તેની કરપીણ હત્યા કરી હતી.
તમેને વધુ ઝટકો ત્યારે લાગશે, જ્યારે એ જાણશો કે, આ ચકચારી હત્યાકાંડમાં સચિત્ર એકલો નહોતો, પરંતુ તેની પત્ની અને પુત્ર પણ આ કાવતરામાં સામેલ હતા. ત્રણેય સાથે મળીને પુરાવાનો નાશ કરવા માટે સંજયના કપડાં ઉતારી લીધા હતા. નગ્ન ધડને તેમણે કતારગામના ખ્રિસ્તી કબ્રસ્તાનમાં ફેંકી દીધું હતું. જ્યારે તેનું કપાયેલું માથું અલકાપુરી બ્રિજ નજીક આવેલા રેલવે પાટા પાસે ફેંકીને ફરાર થઈ ગયા હતા. જો કે, કહેવાય છે કે, પાપ ક્યારેય છૂપાતું નથી, તેવી જ રીતે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી વહેલી સવારે રેલવે પાટા પાસેથી માથું કબજે કરી લીધું છે.
મહત્વનું છે કે, કતારગામ ગોટાલાવાડી વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં લાશ પડી હોવાની માહિતી મળતા કતારગામ પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાંનું ભયાનક દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મૃતકના શરીર પર કોઈ કપડાં નહોતા અને તેનું ગળું કોઈ ધારદાર હથિયારથી ક્રૂરતાપૂર્વક કાપીને માથું ગાયબ કરી દેવાયું હતું. ઓળખ છુપાવવા માટે કરાયેલી આ કરતૂતે પોલીસ સામે મોટો પડકાર ખડો કર્યો હતો. પોલીસે ધડનો કબજો મેળવીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું હતું.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
