News of Friday, 15th May 2026
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું 'નો વોન્ટેડ ઇન સુરત' અભિયાન તેજ : ૧૪ વર્ષથી નાસતા ફરતા હથિયાર સપ્લાયર કપ્તાનસીંગ જુનેજાને ઝડપી પાડતા ડીસીપી ભાવેશ રોજિયા અને ટીમ
એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા : વર્ષ ૨૦૧૨ના ૧૧ પિસ્તોલ અને ૬૫ કારતુસના ગુનામાં સંડોવાયેલ સીકલીકર ગેંગના મુખ્ય આરોપીને મધ્યપ્રદેશના જંગલોમાંથી દબોચી લેતી ડી.સી.બી.

રાજકોટ : સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શરૂ કરવામાં આવેલું 'નો વોન્ટેડ ઇન સુરત' અભિયાન હાલ ટોપ ગિયરમાં ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ કમિશનર (DCP) ભાવેશ રોજિયાની ટીમ દ્વારા વર્ષ ૨૦૧૨ના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા મુખ્ય હથિયાર સપ્લાયર આરોપી કપ્તાનસીંગ બહાદુરસીંગ જુનેજા (સીકલીકર) ને મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
શું હતો ૨૦૧૨નો ગંભીર આર્મ્સ એક્ટનો ગુનો?
આ કેસની વિગતવાર વિગતો મુજબ, ૨૧ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહિધરપુરા વિસ્તારમાંથી જાનમોહમંદ લિયાકતઅલી ફકીર નામના શખ્સને ૧ દેશી પિસ્તોલ અને ૭ કારતુસ સાથે પકડી પાડ્યો હતો. તેની આકરી પૂછપરછમાં મહેસાણાના વિસનગર ખાતે તેના ઘરેથી અન્ય ૯ પિસ્તોલ અને ૫૮ કારતુસ મળી આવ્યા હતા. વધુમાં, અન્ય આરોપી બાંકીયા ઉર્ફ ક્રિષ્ણા નરસિંહ મહાપાત્ર પાસેથી પણ ૧ પિસ્તોલ અને ૭ કારતુસ જપ્ત કરાયા હતા. સમગ્ર તપાસ દરમિયાન કુલ ૧૧ પિસ્તોલ અને ૬૫ કારતુસનો જથ્થો પકડાયો હતો, જે હથિયારો મધ્યપ્રદેશના કપ્તાનસીંગ જુનેજાએ સપ્લાય કર્યા હોવાનું ખુલ્યું હતું.
પહાડી અને નેટવર્ક વગરના વિસ્તારમાં ૧૪ વર્ષનું આશ્રયસ્થાન:
મુખ્ય આરોપી કપ્તાનસીંગ સીકલીકર ધરપકડથી બચવા માટે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા ઉમરતી ગામમાં છુપાયો હતો. આ પહાડી અને ગાઢ જંગલ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ન હોવાનો અને કોઈ અજાણી વ્યક્તિના પ્રવેશની તુરંત જાણ થઈ જતી હોવાનો લાભ ઉઠાવી તે વારંવાર પોલીસને ચકમો આપવામાં સફળ રહેતો હતો. નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ-૭૦ મુજબનું ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.
લગ્ન પ્રસંગમાં આવતા જ પોલીસે જાળ બિછાવી દબોચ્યો:
DCP ભાવેશ રોજિયા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમીદાર મારફતે સચોટ માહિતી મળી હતી કે, આરોપી ૧૪ મે ૨૦૨૬ના રોજ તેના ગામથી ૫ કિમી દૂર બલવારી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશમાં વોચ ગોઠવી હતી અને ૧૪ વર્ષથી વોન્ટેડ આરોપી કપ્તાનસીંગને રાત્રિના સમયે રસ્તામાં કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. હાલમાં સુરત ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને ઈ.પી.કો.ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
