તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Thursday, 16th April 2026
વાવ-થરાદના ઉટવેલીયા ગામની સીમમાં પોલીસે નાકાબંધી કરી દારૂ ભરેલી કાર ઝડપી ભાગવા પ્રયાસ કરતા આરોપીને દબોચ્યો
કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ 768 બોટલો મળી

વાવ અને થરાદ પંથકમાં પોલીસની વધતી જતી સતર્કતાને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં પેરોલ ફર્લો સ્કોડ દ્વારા કરવામાં આવેલી એક મહત્વની કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા દર્શાવે છે. વાવ-થરાદ પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો સક્રિય રીતે કાર્યરત છે. ખાસ કરીને પેરોલ ફર્લો અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે જ્યારે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે થરાદ પોલીસ સ્ટેશન હેઠળના ઉંટવેલીયા ગામની સીમમાં એક શંકાસ્પદ સ્વીફ્ટ કાર નજરે પડી હતી.
ઉંટવેલીયાથી જડીયાળી ગામ તરફ જતી આ કાર (રજીસ્ટ્રેશન નં. GJ.06.JM.7710) ને જ્યારે પોલીસે ઉભી રાખવાનો ઈશારો કર્યો, ત્યારે કાર ચાલકે સમયસૂચકતા વાપરી ગાડીને રિવર્સમાં હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સતર્ક પોલીસ ટીમે તાત્કાલિક નાકાબંધી કરી ગાડીને ઘેરી લીધી હતી. આ દરમિયાન ગાડીમાં બેઠેલ અન્ય એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, પરંતુ પોલીસે મુખ્ય આરોપી મહિપાલસિંહ દીપસિંહ વાઘેલા (રહે. ઉંટવેલીયા)ને ઝડપી પાડ્યો હતો. કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ 768 બોટલો મળી આવી હતી.
પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની વિગતો આ મુજબ છે:વિદેશી દારૂની કિંમત: ₹1,63,440/-સ્વીફ્ટ ગાડીની કિંમત: ₹3,00,000/-કુલ મુદ્દામાલ: ₹4,63,440/-
થરાદ પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. નાસી છૂટેલા અન્ય એક શખ્સને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં પેરોલ ફર્લો સ્કોડની ભૂમિકા અત્યંત મહત્વની રહી હતી.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
