<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

રાજ્યમાં ભારે વરસાદની અગમચેતીને પગલે નાગરિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ : રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે વિડિયો કોન્ફરન્સ યોજી તમામ અધિકારીઓને એલર્ટ કર્યા : જુઓ વિડીયો

NDRF અને SDRF સાથે સંકલન સાધી સ્થાનિક પોલીસ રાહત-બચાવ કામગીરીમાં જોડાશે : સંયુક્ત 'ઈવેક્યુએશન પ્લાન' અંતર્ગત નાગરિકો અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડાશે : હાઈવે પર ટ્રાફિક નિયમન માટે જવાનો તૈનાત

રાજકોટ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોના જાનમાલના રક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક અને આયોજનબદ્ધ પૂર્વતૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ અંગે સ્થિતિની સમીક્ષા કરવા અને જરૂરી માર્ગદર્શન આપવા માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને આજે એક ઉચ્ચ સ્તરીય વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓને અત્યંત સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

 

વરસાદી આપત્તિ સામે લડવા માટે પૂર-રાહત અને બચાવ કામગીરી માટેના યાંત્રિક સાધનો તેમજ બોટને પૂર્ણ રીતે વાપરવા લાયક સજ્જ રાખવા આદેશ અપાયા છે. NDRF અને SDRFની ટીમો સાથે નિરંતર સંકલન સાધીને સ્થાનિક પોલીસને પણ સીધી રાહત અને બચાવ કામગીરીમાં જોડવામાં આવી છે. નીચાણવાળા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાંથી માત્ર નાગરિકો જ નહીં પરંતુ પશુધનને પણ સલામત સ્થળે ખસેડવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા વીજ કંપનીઓ સાથે મળીને સંયુક્ત 'ઇવેક્યુએશન પ્લાન' પણ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે.

 

આ ઉપરાંત, વિષમ પરિસ્થિતિમાં પણ રાજ્યનો વાહનવ્યવહાર સુચારૂ રીતે ચાલતો રહે તે માટે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક નિયમન માટે વિશેષ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. માર્ગો પર બંધ પડેલા વાહનોને ત્વરિત ખસેડવા માટે ક્રેનની સુવિધા અને જરૂર પડે ત્યારે વાહનોના ડાયવર્ઝન માટે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

 

જનજાગૃતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સોશિયલ મીડિયા અને લોકલ નેટવર્કના માધ્યમથી નાગરિકોને જર્જરીત મકાનો, વીજળીના થાંભલા, ઓવરફ્લો થતી નદીઓ કે નાળાંથી દૂર રહેવા સતત સૂચના આપવામાં આવી રહી છે. સ્થળાંતરિત કરાયેલા લોકો માટે ઊભા કરાયેલા રાહત કેન્દ્રો પર ખોરાક, શુદ્ધ પીવાનું પાણી, વીજળી અને ખાસ કરીને મહિલાઓ, બાળકો તેમજ વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત આશ્રયસ્થાનો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

 

સમગ્ર પરિસ્થિતિ પર ચોવીસેય કલાક સતત નિરીક્ષણ રાખવા જિલ્લા કંટ્રોલ રૂમ સક્રિય કરાયા છે, જે ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત જીવંત સંપર્કમાં રહેશે. વિકટ સંજોગોમાં સંદેશાવ્યવહાર ખોરવાય નહીં તે માટે VHF, HF અને ROIP જેવી અદ્યતન સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ, હોમગાર્ડ્સ, GRD, TRB અને ફાયર સર્વિસના જવાનોને અગાઉથી જ ખડેપગે કરી દેવાયા છે. આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અત્યંત સજાગ રહી માનવજીવન અને પશુઓની સુરક્ષા માટે ઝડપી પગલાં લેવા આદેશ અપાયા છે.

(7:14 PM IST)