તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
પોલીસ ભરતી મોટું અપડેટ : ગુજરાતમાં આવતીકાલે ૧.૧૦ લાખ ઉમેદવારો આપશે PSI કેડરની લેખિત પરીક્ષા : ચાર શહેરોમાં લોખંડી બંદોબસ્ત : હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા
૩૭૧ કેન્દ્રો પર સીસીટીવી અને ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજીથી રખાશે બાજ નજર : ૧૨૦૦૦ અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત અને પ્રશ્નપત્રોના વાહનોનું જીપીએસથી કરાશે મોનિટરિંગ

ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે બિન હથિયારી પો.સ.ઇ, હથિયારી પો.સ.ઇ. (પ્લાટુન કમાન્ડર) તથા જેલર ગૃપ-૨ ની કુલ ૮૫૮ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં યોજાયેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ૧,૧૦,૬૮૦ ઉમેદવારો માટે આવતીકાલે તારીખ ૧૯.૦૪.૨૦૨૬ ના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની કુલ ૩૭૧ શાળાઓમાં યોજાશે.
પારદર્શિતા માટે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા:
ભરતી બોર્ડ દ્વારા પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે અભૂતપૂર્વ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. શારીરિક કસોટી વખતે લેવામાં આવેલા ઉમેદવારોના બાયોમેટ્રિક ડેટા અને ફોટોગ્રાફનું લેખિત પરીક્ષા પૂર્વે બે વખત વેરિફિકેશન કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રથમ વખત 'ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજી' (Facial recognition technology) નો ઉપયોગ કરીને ઉમેદવારોની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવશે. પરીક્ષાનું તમામ સાહિત્ય લઈ જનારા વાહનોને જીપીએસ (GPS) મારફતે ટ્રેક કરવામાં આવશે અને તેનું મોનિટરિંગ કરાઈ ખાતેના સેન્ટ્રલ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા સીસીટીવી (CCTV) કેમેરાની સતત દેખરેખ હેઠળ યોજાશે.
૧૨,૦૦૦ કર્મચારીઓનો કાફલો તૈનાત:
આ મહાપરીક્ષાને સફળતાપૂર્વક પાર પાડવા માટે ૪૦૦૦ જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના ૮૦૦૦ જેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઈ (PI) અથવા પીએસઆઈ (PSI) કક્ષાના એક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ સમગ્ર આયોજન જે-તે શહેરના પોલીસ કમિશનરઓના સુપરવિઝન હેઠળ આઈજીપી (IGP) અથવા ડીઆઈજીપી (DIGP) કક્ષાના સિનિયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં સંપન્ન થશે.
મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર:
પરીક્ષા માટેના કોલલેટર ૧૩ એપ્રિલથી ડાઉનલોડ કરવાનું શરૂ કરાયું હતું અને અત્યાર સુધીમાં એક લાખથી વધુ ઉમેદવારોએ તે ડાઉનલોડ કરી લીધા છે. જો કોઈ ઉમેદવારને પરીક્ષા સંબંધિત કોઈ મદદની જરૂર હોય તો ભરતી બોર્ડ દ્વારા હેલ્પલાઈન નંબરો ૮૧૬૦૮૮૦૩૩૧, ૮૧૬૦૮૫૩૮૭૭ અને ૮૧૬૦૮૦૯૨૫૩ જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
