<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

માલપુરમાં વૃદ્ધાને મોતને ઘાટ ઉતારનાર ઠગ ટોળકીના બે સાગરીતોને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યા

માલપુરના ઉભરાણ ગામે ત્રણ લૂંટારૂઓએ વૃદ્ધાને વિશ્વાસમાં લઈને આશરે 1 કિલો વજનના અને અંદાજે 2.50 લાખની કિંમતના ચાંદીના કડલા પડાવી લીધા :વિશ્વાસ તૂટતા વૃદ્ધાએ આઘાતમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં માનવતાને હચમચાવી દેતી એક ઘટના બની છે, જેમાં ઠગબાજોની ટોળકીએ એક વૃદ્ધાને ભોળવી તેમના કિંમતી ઘરેણાં પડાવી લીધા હતા. આ આઘાત સહન ન કરી શકતા વૃદ્ધાએ આત્મહત્યા જેવું છેલ્લું પગલું ભરી લીધું હતું. જોકે, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની કડક સૂચના બાદ અરવલ્લી SOG પોલીસે ગણતરીના કલાકોમાં આ વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બે રીઢા ગુનેગારોને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

 

માલપુરના ઉભરાણ ગામે ત્રણ લૂંટારૂઓએ એક વૃદ્ધાને પોતાની મીઠી વાતોમાં ભોળવી હતી. વિશ્વાસમાં લઈને આ ગઠિયાઓએ વૃદ્ધા પાસે રહેલા આશરે 1 કિલો વજનના અને અંદાજે 2.50 લાખની કિંમતના ચાંદીના કડલા પડાવી લીધા હતા. દાગીના લૂંટાયા હોવાની જાણ થતા અને પોતાનો વિશ્વાસ તૂટતા વૃદ્ધાએ હૈયાફાટ રૂદન કર્યું હતું અને આખરે આઘાતમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ઠગ ટોળકી સામે ભારે રોષ જગાડ્યો હતો.

 

ઘટનાની ગંભીરતા અને વૃદ્ધાના આપઘાતને પગલે SOG પોલીસની ટીમ સક્રિય થઈ હતી. પી.બી. ચૌધરી અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લૂંટમાં વપરાયેલ એક્ટિવા (નંબર: GJ 31 AB 5480) સાથે આરોપીઓ મોડાસાના સર્વોદયનગર ડુંગરી પાસેથી પસાર થવાના છે. પોલીસે તુરંત જ નાકાબંધી કરી વોચ ગોઠવી હતી અને મોડાસાના જ રહેવાસી એવા દેવાભાઈ ઉર્ફે ભાટિયા ધીરાભાઈ સલાટ તથા દિલીપભાઈ મોહનભાઈ સલાટને દબોચી લીધા હતા.

 

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી વૃદ્ધાના પડાવી લીધેલા 1 કિલો ચાંદીના કડલા અને ગુનામાં વપરાયેલ એક્ટિવા એમ મળીને કુલ 3,00,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ટોળકીમાં ત્રીજો સાગરીત અર્જુન ઉર્ફે અજય રાઠોડ પણ સામેલ હતો, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આ માત્ર લૂંટનો કેસ નથી પરંતુ એક નિર્દોષ વ્યક્તિને મોત તરફ ધકેલવાનો ગંભીર અપરાધ છે. આરોપીઓ સામે લૂંટની સાથે સાથે આપઘાતની દુષ્પ્રેરણા અંગેની કલમો હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરવલ્લી પોલીસની આ ત્વરિત સફળતાએ ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે અને લોકોએ પોલીસની કામગીરી પર ભરોસો વ્યક્ત કર્યો છે.

(7:25 PM IST)