<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સુરતના કોસંબા વિસ્તારમાં નવરાત્રી બંદોબસ્ત દરમિયાન પોલીસ ટીમ પર હુમલો :વાહન પાર્કિંગને લઈને ટપારતા યુવકે ઝપાઝપી કરી

પોલીસકર્મીએ યુવકને પોતાની મોપેડ રોડ સાઈડમાં પાર્ક કરવા કહેતા ઉશ્કેરાઈ જઈને આરોપી વંશકુમારે પોલીસકર્મી સાથે ગાળાગાળી કરી ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈ અને ઝપાઝપી કરી

સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં નવરાત્રી બંદોબસ્ત દરમિયાન પોલીસ ટીમ પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. ગરબા સ્થળ બહાર વાહન પાર્કિંગને લઈને સર્જાયેલી બોલાચાલી બાદ એક યુવકે ફરજ પરના પોલીસકર્મીઓ, હોમગાર્ડ અને GRD જવાનો સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે સરકારી કામમાં રુકાવટ અને મારામારી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, કોસંબાના તરસાડી સ્થિત 'મોટા મંદિર' પાસે ગઈકાલે મોડી રાત્રે નવરાત્રીનો ગરબા મહોત્સવ ચાલી રહ્યો હતો, જ્યાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન 'વંશકુમાર સ્નેહકુંજ' નામના યુવકે રોડની વચ્ચે જ પોતાની મોપેડ પાર્ક કરી દીધી હતી, જેના કારણે રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિકની અડચણ ઊભી થઈ હતી.

રસ્તા પર ટ્રાફિક જામ થતાં ત્યાં ફરજ પર તૈનાત પોલીસકર્મીએ યુવકને પોતાની મોપેડ રોડ સાઈડમાં પાર્ક કરવા જણાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈ જઈને આરોપી વંશકુમારે પોલીસકર્મી સાથે ગાળાગાળી કરી ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. મામલો બિચકતાં સ્થળ પર બચાવમાં આવેલા હોમગાર્ડ અને GRD જવાનો સાથે પણ આરોપીએ હાથાપાઈ અને ઝપાઝપી કરી હતી.

આ ઝપાઝપી દરમિયાન એક પોલીસકર્મીને હાથના ભાગે મૂઢ ઈજાઓ પહોંચી હતી. સ્થિતિ વધુ વણસે તે પહેલાં જ પોલીસે જરૂરી બળપ્રયોગ કરીને આરોપી વંશકુમારને સ્થળ પર જ ઝડપી લીધો હતો. આ અંગે કોસંબા પોલીસે ફરજમાં રૂકાવટ, હુમલો અને મારપીટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાનૂની તપાસ તેજ કરી છે.

(9:51 PM IST)