<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

સી.આઈ.ડી. ક્રાઈમના વડા કે. એલ. એન. રાવના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે દાયકાઓથી નાસતા ફરતા ગુનેગારોનો ભ્રમ ભાંગી ભુક્કો કર્યો : 'ઓપરેશન કારાવાસ' અને વિશેષ ડ્રાઇવ દ્વારા રાજ્યભરમાંથી ૪૯ જેલ ફેરારી અને ૩૧૫ નાસતા ફરતા આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા

પોલીસ આપણને ભૂલી ગઈ હશે તેવા વહેમમાં રાચતા અસામાજિક તત્વોને પકડવા ગાંધીનગર સી.આઈ.સેલ દ્વારા રચાયેલી વ્યૂહરચના સફળ : ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ ૩૬૪ આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરતી સી.આઈ.ડી. ક્રાઈમની ટીમ

 રાજકોટ:  રાજ્યમાં વર્ષોથી કાયદાની પકડથી દૂર ભાગતા અને પોલીસને થાપ આપતા ગુનેગારોના મનમાં એવો ભ્રમ ઘર કરી ગયો હતો કે સમય વીતવાની સાથે પોલીસ હવે તેમને ભૂલી ગઈ હશે. પરંતુ, અસામાજિક તત્વોના આ ભ્રમનો સંપૂર્ણપણે ભાંગી ભુક્કો બોલાવી દેવા માટે સી.આઈ.ડી. ક્રાઈમના વડા કે. એલ. એન. રાવના સીધા માર્ગદર્શન હેઠળ એક અભૂતપૂર્વ અને કડક પોલીસ કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ સમાજમાં શાંતિ જાળવવાના હેતુથી સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ દ્વારા બે વિશિષ્ટ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક (વહીવટ), સી.આઈ.ડી. ક્રાઈમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના સુપરવિઝન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક સી.આઈ.સેલ, સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગરની સક્રિય આગેવાનીમાં આ સમગ્ર ઓપરેશનની ચોક્કસ વ્યૂહરચના અને અદ્યતન ડોઝીયર્સ તૈયાર કરીને રાજ્યવ્યાપી મિશન હાથ ધરાયું હતું.

 

*'ઓપરેશન કારાવાસ' હેઠળ ૪૯ જેલ ફેરારીઓ જેલ હવાલે:*

જેલમાંથી પેરોલ અથવા ફર્લો રજા મેળવ્યા બાદ નિયત તારીખે હાજર ન થઈને નાસી છૂટનારા ગુનેગારોને પકડવા માટે 'ઓપરેશન કારાવાસ' શરૂ કરવામાં આવ્યું હતું. સી.આઈ.સેલ દ્વારા રાજ્યભરના જેલ ડેટાના આધારે કુલ ૪૪૨ પેરોલ/ફર્લો જમ્પ કરનારા આરોપીઓની યાદી અને વિગતવાર ડોઝીયર્સ તૈયાર કરી તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓને મોકલવામાં આવ્યા હતા. તા.૦૮/૦૬/૨૦૨૬ થી તા.૨૧/૦૬/૨૦૨૬ સુધી યોજાયેલી આ ખાસ ડ્રાઇવ દરમિયાન વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપીઓ ઝડપાયા છે, જેની વિગતો નીચે મુજબ છે:

 

 *  ૧૦ વર્ષથી વધુ સમયથી ફરાર આરોપી:  ૦૯

 *  ૫ વર્ષથી ૧૦ વર્ષ સુધીના ફરાર આરોપી:  ૦૯

 *  અન્ય પેરોલ/ફર્લો જમ્પ કરનાર આરોપી:  ૦૭ (કુલ ૨૫ આરોપીઓ)

 *  વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી અને જેલમાંથી ફરાર આરોપી:  ૨૪

 

આમ, સી.આઈ.ડી. ક્રાઈમની આ ઝુંબેશના કારણે 'ઓપરેશન કારાવાસ' હેઠળ કુલ ૪૯ આરોપીઓને પકડીને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

 

 નાસતા ફરતા આરોપીઓ સામેની ડ્રાઇવમાં ૩૧૫ શખ્સો ઝડપાયા:

આ જ પ્રમાણે, રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં વર્ષોથી નાસતા ફરતા ગુનેગારોને કાયદાના સિંજામાં લાવવા માટે પણ સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા એક સમાંતર ડ્રાઇવનું આયોજન કરાયું હતું. સી.આઈ.સેલ દ્વારા રાજ્યભરમાંથી શોધી કઢાયેલા કુલ ૧૮,૦૫૩ નાસતા ફરતા આરોપીઓની યાદી તમામ જિલ્લાઓ અને શહેરોને મોકલી આપવામાં આવી હતી. આ અંતર્ગત તા.૧૨/૦૬/૨૦૨૬ થી તા.૨૧/૦૬/૨૦૨૬ સુધી યોજાયેલી ખાસ ડ્રાઇવમાં વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા કુલ ૩૧૫ આરોપીઓને દબોચી લેવામાં સફળતા મળી છે.

 

પકડાયેલા નાસતા ફરતા આરોપીઓનો સમયગાળા આધારિત વિગતવાર આંકડો આ મુજબ છે:

 *  ૨૦ વર્ષથી વધુ સમયથી ફરાર ગુનેગાર:  ૧૮

 *  ૧૫ વર્ષથી વધુ સમયથી ફરાર ગુનેગાર:  ૧૪

 *  ૧૦ વર્ષથી વધુ સમયથી ફરાર ગુનેગાર:  ૧૨

 *  ૫ વર્ષથી વધુ સમયથી ફરાર ગુનેગાર:  ૧૮

 

આમ, સી.આઈ.ડી. ક્રાઈમ અને સ્થાનિક પોલીસ તંત્રના સંકલનથી દાયકાઓ જૂના ગુનાઓ આચરીને ખુલ્લેઆમ ફરતા તત્વો સહિત કુલ ૩૧૫ નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડીને કાયદાકીય કાર્યવાહી હેઠળ જેલ હવાલે કરવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. સી.આઈ.ડી. ક્રાઈમના વડા કે. એલ. એન. રાવના નેતૃત્વમાં લેવાયેલા આ કડક પગલાંથી રાજ્યભરના ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(5:30 PM IST)