તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
વાપીમાં રાજકીય ગરમાવો :"તૂટે" તેવા ડરથી કોંગ્રેસે 20 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા !
હાલની સ્થિતિ મુજબ 50 માંથી 30 ઉમેદવારો વાપીમાં પક્ષ પ્રમુખના સીધા સંપર્કમાં છે. બાકીના 20 ઉમેદવારો ક્યાં છે તેની કોઈને સત્તાવાર જાણકારી નથી.

વાપી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શન મોડમાં આવી ગયું છે. ઉમેદવારો પક્ષ છોડીને જાય અથવા તો "તૂટે" તેવા ડરથી કોંગ્રેસે પોતાના 20 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે જંગ રસપ્રદ બન્યો છે. કોંગ્રેસે કુલ 50 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જોકે, રાજ્યભરમાં જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો કેસરિયા કરી રહ્યા છે અથવા તો અપક્ષમાં ફોર્મ ભરી રહ્યા છે, તેને જોતા વલસાડ જિલ્લા કોંગ્રેસ ચિંતિત બની છે. હાલની સ્થિતિ મુજબ 50 માંથી 30 ઉમેદવારો વાપીમાં પક્ષ પ્રમુખના સીધા સંપર્કમાં છે. બાકીના 20 ઉમેદવારો ક્યાં છે તેની કોઈને સત્તાવાર જાણકારી નથી. ચર્ચા છે કે પક્ષે જ તેમને સુરક્ષિત રાખવા માટે અંડરગ્રાઉન્ડ કરી દીધા છે.
સમગ્ર રાજ્યમાં જે રીતે ઉમેદવારો તૂટવાની ઘટનાઓ બની રહી છે, તેનાથી વલસાડ કોંગ્રેસના નેતાઓ ફફડી ઉઠ્યા છે. ચૂંટણીના નિર્ણાયક સમય પહેલાં જ જો ઉમેદવારો સાથ છોડી દે, તો પક્ષની મુશ્કેલીઓ વધી શકે છે. આ રણનીતિ પાછળનું મુખ્ય કારણ અન્ય પક્ષોના ઓપરેશનથી બચવાનું હોવાનું માનવામાં આવે છે. હાલ તો આ મુદ્દો સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
