<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ગુજરાત વિધાનસભા સત્રના દિવસો ટૂંકા કરવા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ

કોંગ્રેસે પ્રજાના મુદ્દાઓ પર સરકારને ઘેરવાની ચીમકી આપી:પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ પલટવાર કરતાં કહ્યું- સત્ર નિયમાનુસાર બોલાવાયું છે અને સરકાર ચર્ચાથી ભાગતી નથી

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાના આગામી સત્રને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સત્રના દિવસોની સંખ્યા ઓછી રાખવામાં આવતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ ભાજપ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર જાણીજોઈને સત્ર ટૂંકાવી રહી છે જેથી પ્રજાના સળગતા પ્રશ્નો પર ચર્ચા ટાળી શકાય. કોંગ્રેસનું કહેવું છે કે બંધારણીય અને લોકતાંત્રિક પરંપરા મુજબ વિધાનસભા સત્ર પૂરતા દિવસો માટે અને નિયત સમય મર્યાદામાં મળવું અત્યંત જરૂરી છે.

વિપક્ષે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સત્ર ભલે ટૂંકું હોય, પરંતુ તેઓ ગૃહમાં જનતાના મહત્વના પ્રશ્નોને સંપૂર્ણ જોરશોરથી ઉઠાવશે. મોંઘવારી, બેરોજગારી ,ખેડૂતોની સમસ્યાઓ અને કાયદો-વ્યવસ્થા જેવા જનહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પક્ષે આક્રમક રણનીતિ તૈયાર કરી છે. વિપક્ષી નેતાઓએ જણાવ્યું કે સરકાર લોકતાંત્રિક પ્રક્રિયાથી દૂર ભાગી રહી છે અને લોકપ્રશ્નોની ચર્ચાથી બચવા માટે સત્રની બેઠકો મર્યાદિત કરી રહી છે.

કોંગ્રેસના આ આક્ષેપો સામે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જોરદાર પલટવાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભા સત્ર બોલાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમ અનુસાર જ હાથ ધરવામાં આવી છે. નિયમોની મર્યાદામાં રહીને જ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે અને સરકાર કોઈપણ મુદ્દે ચર્ચા કરવાથી ભાગી રહી નથી. વિપક્ષ પાસે નક્કર મુદ્દાઓ ન હોવાથી માત્ર રાજકીય આક્ષેપબાજી કરી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

જીતુભાઇ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જનસ્વીકૃત પક્ષ છે અને ગુજરાતની જનતાએ પોતાના વિશ્વાસ સાથે સેવા કરવાની તક આપી છે. સરકાર ગૃહમાં તમામ વિષયો પર તંદુરસ્ત ચર્ચા કરવા અને જનહિતના નિર્ણયો લેવા માટે હંમેશા તૈયાર છે. વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યના હિતમાં મહત્વના વિધેયકો પસાર કરવામાં આવશે અને વિપક્ષના તમામ તર્કસંગત સવાલોના વાસ્તવિક જવાબો આપવામાં આવશે.

(11:15 PM IST)