<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

નવી મેડિકલ કોલેજ માટે હવે ૧૦ લાખની વસતિનું ધોરણ જરૂરી નહીં

NMCએ નવી કોલેજની મંજૂરીના નિયમો બદલ્‍યા, ૧૦૦ના બદલે ૧૫૦, ૨૦૦ બેઠકની મંજૂરી પણ મળશે : સામાન્‍ય વિસ્‍તારમાં કોલેજ અને હોસ્‍પિટલ વચ્‍ચે હવે ૧૦ કિ.મી.નું અંતર પણ ચાલશે

અમદાવાદ,તા.૨૯: નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા તાજેતરમાં નવી મેડિકલ કોલેજોની મંજૂરીને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્‍યા હતા. જેમાં અત્‍યાર સુધી કોઇપણ સંસ્‍થાને ૧૫૦ બેઠકો માટે જ નવી મેડિકલ કોલેજની મંજૂરી આપવામાં આવતી હતી, હવે આ મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ૧૦ લાખની વસતિ હોય ત્‍યાં ૧૦૦ બેઠકની કોલેજ આપવાની મર્યાદા પણ હવે દૂર કરી દેવામાં આવી છે.

કમિશન દ્વારા હાલમાં નવી મેડિકલ કોલેજોની મંજૂરી માટે જુદી જુદી સંસ્‍થાઓ પાસેથી અરજીઓ મગાવી લેવામાં આવી છે. આ અરજીઓના આધારે નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવી કે નહી તે નક્કી થાય તે પહેલા જ નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવ્‍યો છે. હાલમાં અંદાજે ૧૦૦થી વધારે સંસ્‍થાઓએ અરજી કરી દીધી છે. અત્‍યારસુધી કોઇપણ સંસ્‍થા નવી મેડિકલ કોલેજ માટે દરખાસ્‍ત કરે ત્‍યારે ૧૦૦ કે વધુમાં વધુ ૧૫૦ બેઠકો માટે જ મંજૂરી આપવામાં આવતી હતી. હવે નવા નિયમો પ્રમાણે કોલેજ પાસે માળખાકીય સુવિધાઓ અને પુરતો સ્‍ટાફ હોય તો ૧૫૦થી વધારે એટલે કે ૨૦૦ કે ૨૫૦ જેટલી બેઠકો માટે પણ અરજી કરી શકાશે. હાલમાં નવી મેડિકલ કોલેજો માટે એવો નિયમ છે કે ૧૦ લાખની વસતિ હોય ત્‍યાંજ ૧૦૦ બેઠકોની એમબીબીએસ કોલેજોને મંજૂરી આપવામાં આવતી હતી. હવે કમિશન દ્વારા આ નિયમ પણ દૂર કરી દેવામાં આવ્‍યો છે. એટલે કે હવે વસતિ ગમે તેટલી હોય તો પણ મેડિકલ કોલેજ શરૂ કરી શકાશે. આ નિયમથી ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક જેવા રાજ્‍યોને ફાયદો થાય તેવી શકયતાં છે. આ ઉપરાંત હોસ્‍પિટલ અને કોલેજ વચ્‍ચે અગાઉ જે અંતર નિર્ધારિત કરવામાં આવ્‍યું હતુ તેમાં પણ ફેરફાર કરવામાં આવ્‍યા છે. અગાઉ હોસ્‍પિટલ અને કોલેજ વચ્‍ચે ૩૦ મિનિટ મુસાફરીમાં પહોંચી શકાય તેવો નિયમ હતો. હવે નવા નિયમો પ્રમાણે સામાન્‍ય વિસ્‍તારોમાં કોલેજ અને હોસ્‍પિટલ વચ્‍ચે વધુમાં વધુ ૧૦ કિ.મી. અંતર હોય તો પણ ચાલશે.

 આજ રીતે પહાડી અને ઉત્તર-પૂર્વી રાજ્‍યો માટે ૧૫ કોલેજ અને હોસ્‍પિટલ વચ્‍ચે ૧૫ કિ.મી.નું અંતર હશે તો પણ ચાલશે. સૂત્રો કહે છે નવા નિયમોના કારણે મેડિકલની બેઠકોમાં વધારો થશે, હવે બેઠકો વસતિ આધારિત નહી પણ કોલેજની ક્ષમતા અને સુવિધાઓ પર આધારિત રહેશે. નવા નિયમોના કારણે જે રાજ્‍યો વધુ કોલેજો શરૂ કરવા માંગે છે તેને વસતિનો રેશિયો નડશે નહી.

મેડિકલ કોલેજોની મંજૂરી માટે જૂની અરજીઓ અને નવા નિયમોની વિસંગતતા

નેશનલ મેડિકલ કમિશન દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭માં નવી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે અરજીઓ મગાવી લીધી છે. સંસ્‍થાઓ અરજી કર્યા બાદ હવે કમિશન દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે ત્‍યારે હવે જૂના નિયમોને ધ્‍યાનમાં રાખીને નવી કોલેજોની મંજૂરી અપાશે કે નવા નિયમો પ્રમાણે અપાશે તેની દ્વિધા ઉભી થઇ છે. તજજ્ઞો કહે છે કે, સામાન્‍ય રીતે બદલાયેલા નવી અરજીઓ માટે લાગુ કરવામાં આવતાં હોય છે. જોકે, આ મુદ્દે કોઇ સ્‍પષ્ટતાં કરવામાં ન આવતાં હાલ દ્વિધાભરી સ્‍થિતિ જોવા મળી રહી છે.

(9:59 AM IST)