<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

નર્મદાના ચીકદા પંથકમાં વીજ સંકટ ઘેરાયું: ૨૪ કલાકમાંથી માંડ એક-દોઢ કલાક વીજળી મળતા ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો, કચેરીએ મોરચો માંડી આપી તાળાબંધીની ચીમકી

રાત્રિના બદલે દિવસે અને પૂરતા સમય માટે વીજળી આપવા ૫૮ થી વધુ ગામોના ખેડૂતો એકજૂથ: વારંવારની રજૂઆતો છતાં વીજ તંત્રના પેટનું પાણી ન હલતા આપ્યું આવેદનપત્ર

ચીકદા (નર્મદા) : નર્મદા જિલ્લાના નવરચિત ચીકદા તાલુકાના ખેતીવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની ગંભીરી કટોકટી સર્જાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ખેતી માટે અપાતી વીજળી રાત્રિના બદલે દિવસ દરમિયાન નિયમિત અને પૂરતા સમય માટે પૂરી પાડવાની ઉગ્ર માંગ સાથે ૫૮થી વધુ ગામોના ગ્રાહકો અને ખેડૂતોએ વીજ કંપની સામે મોરચો માંડ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ ચીકદા સબ-ડિવિઝન કચેરી ખાતે ધસી જઈને ઉગ્ર વિરોધ સાથે લેખિત રજૂઆત કરી હતી.

ખેડૂતોએ વીજ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અગાઉ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. હાલમાં ખેતીવાડી ફીડરમાં મળતો વીજ પુરવઠો અત્યંત અનિયમિત અને ત્રાસદાયક બની ગયો છે. ૨૪ કલાકમાંથી માંડ ૧ થી દોઢ કલાક જ વીજળી મળે છે અને તેમાં પણ વારંવાર વિજળી ગુલ (ટ્રીપ) થઈ જાય છે. સિંચાઈ માટે પૂરતું પાણી ન આપી શકાતાં ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે અને ધરતીપુત્રોનો કિંમતી સમય તેમજ મહેનત વેડફાઈ રહ્યા છે.

આ ઉપરાંત વીજ કંપની દ્વારા રાત્રિના સમયે આપવામાં આવતા પાવરના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ અને જોખમ બેવડાઈ ગયા છે. ચોમાસાની ઋતુમાં રાત્રિના ગાઢ અંધારામાં જીવના જોખમે ખેતરોમાં સિંચાઈ કરવા જવું પડે છે, જ્યાં હિંસક વન્યપ્રાણીઓ કે ઝેરી જીવજંતુઓ કરડવાનો સતત ભય રહે છે.

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના સૌથી મોટા દેડિયાપાડા તાલુકાનું વિભાજન કરીને તાજેતરમાં જ ચીકદાને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. આ સરહદી અને અંતરિયાળ પંથકના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની વાજબી માંગણીઓ સત્વરે સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વીજ કંપનીની ઓફિસે તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

(7:40 PM IST)