તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોમાં પાવર કટની જાહેરાત
સરકાર દ્વારા જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગોને મળતી ઔદ્યોગિક વીજળીમાં કાપ મુકવાનો નિર્ણય : હવે સુરેન્દ્રનગરમાં ઉદ્યોગોનો માત્ર પાંચ દિવસ વીજળી મળશેઃ ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા

અમદાવાદ તા.૨૦: રાજ્યમાં વીજળીની અછતને પગલે પીજીવીસીએલ (PGVCL) દ્વારા ઉદ્યોગો માટે પાવર કટની જાહેરાત કરવામાં આવી છે. જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગોને મળતી ઔદ્યોગિક વીજળીમાં કાપ મુકવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ઘેડિયાએ જણાવ્યું હતું કે, પીજીવીસીએલના એમડી (MD) સાથે તેમની વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે પીજીવીસીએલ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઉદ્યોગોના સ્ટેગરિગ (સાપ્તાહિક રજાના) દિવસે બપોરે ૪ વાગ્યાથી લઈને રાત્રિના ૧૧ વાગ્યા સુધી ઇન્ડસ્ટ્રીયલ પાવરનો વપરાશ કરવો નહીં.
જામનગરના વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગ માટે હાલ પૂરતા રાહતના સમાચાર એ છે કે, આ પાવર કાપની તેમના ઉદ્યોગ પર કોઈ ખાસ નકારાત્મક અસર જોવા મળશે નહીં. આ અંગે સ્પષ્ટતા કરતા રામજીભાઈએ જણાવ્યું કે, જામનગરના બ્રાસ ઉદ્યોગમાં શુક્રવારે રજાનો દિવસ હોય છે અને આમ પણ શુક્રવારે મોટાભાગના કારખાનાઓ આખો દિવસ બંધ જ રહેતા હોય છે. તેથી, શુક્રવારે બપોરે ૪ થી ૧૧ વાગ્યા દરમિયાન પાવર ન વાપરવાની સૂચનાથી બ્રાસના ઉત્પાદન પર કોઈ ફરક પડતો નથી. એસોસિએશન દ્વારા તેમના તમામ સભ્યોને આ અંગે માહિતગાર કરી દેવામાં આવ્યા છે અને પીજીવીસીએલને પૂરો સહકાર આપવાની ખાતરી પણ આપવામાં આવી છે.
પીજીવીસીએલ દ્વારા આ પાવર કાપ પાછળના કારણો આપતા જણાવાયું છે કે, રાત્રિના સમયે સોલાર પાવર જનરેશન શૂન્ય થઈ જાય છે અને હાલમાં પવનની ગતિ પણ ઓછી હોવાથી પવનચક્કીઓ દ્વારા વીજ ઉત્પાદન ઘટી ગયું છે. જોકે, એસોસિએશન પ્રમુખનું માનવું છે કે અગાઉ જ્યારે પાવર સરપ્લસ હતો ત્યારે પણ રાત્રે સોલાર પાવર નહોતો જ મળતો, તેમ છતાં હાલની વીજ અછતની સ્થિતિને સમજીને ઉદ્યોગકારો તંત્રને સહકાર આપી રહ્યા છે.
બીજી તરફ, અત્યારના મંદીના માહોલમાં ઉદ્યોગકારોમાં એક મોટો ડર એ વાતનો છે કે, જો ભવિષ્યમાં ચાલુ દિવસોમાં આ પ્રકારે પાવર કાપ લાદવામાં આવશે, તો જામનગરના બ્રાસ ઉદ્યોગને ૧૦૦ ટકા માઠી અસર પહોંચશે. ચાલુ દિવસે પાવર કાપ આવવાથી સમયસર પ્રોડક્શન થઈ શકશે નહીં. પરિણામે, સમયસર ઓર્ડર પૂરા કરવામાં વિલંબ થશે, એક્સપોર્ટ (નિકાસ) કરતા એકમોના કન્સાઇનમેન્ટ સમયસર પહોંચશે નહીં અને આખરે પેમેન્ટ આવવામાં પણ વિલંબ થશે. આખી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાથી કારખાનેદારોને આર્થિક અને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હાલ તો જામનગરનો બ્રાસ ઉદ્યોગ તંત્રને સાથ આપી રહ્યો છે, પરંતુ ચાલુ દિવસોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તેવી આશા ઉદ્યોગકારો રાખી રહ્યા છે.
સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રભરમાં વીજળીની અછતને લઈ અને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પીજીવીસીએલ દ્વારા સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગુરૂવારના દિવસે ઔદ્યોગિક એકમોને વીજકાપ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ઔદ્યોગિક એકમોને પરિપત્રના મારફતે જાણ પણ કરી દેવામાં આવી છે. આને લઈને ઉદ્યોગકારો ચિતામાં મુકાયા છે.
સુરેન્દ્રનગર શહેરના સૌથી મોટી ગણાતી વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં નાના મોટા ૧૦૦૦ થી વધુ ઉદ્યોગો આવેલા છે, જેમાં મોટાભાગના ફાર્માસિસ્ટ અને ટેક્સટાઇલ, સિરામિક, લોખંડ કટીંગના કારખાનાઓ આવેલા છે અને ત્યાં અંદાજિત ૫૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. અહીં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર જેવા રાજ્યોના લોકો કામ કરી રહ્યા છે ત્યારે તેમના રોજગાર પર આની માઠી અસર થવાની આશંકા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨થી વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં શનિવારના દિવસે વીજકાપ રાખવામાં આવે છે અને આ પ્રથા આગળ પણ યથાવત રહેશે ઉપરાંત હવે દર ગુરુવારે સાંજે ૦૪:૦૦ વાગ્યાથી લઈ અને રાત્રિના ૧૧:૦૦ વાગ્યા સુધી વીજ મુકવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક બાજુ ઔદ્યોગિક સિઝનમાં તેજીનો માહોલ છે દિવાળીનો સમય છે અને ઉત્પાદન વધુ થાય તે પ્રકારના પ્રયત્નો ઉદ્યોગકારો હાથ ધરતા હોય છે અને હાલમાં તહેવારના સમયે વિવિધ ઉત્પાદિત વસ્તુઓની માંગ પણ રહેતી હોય છે ત્યારે તેજીના સમયે સરકાર દ્વારા વીજળી કાપનો નિર્ણય કરવામાં આવતા ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી છે
ઉદ્યોગકારોને દર શનિવારે અને ગુરુવારે વીજ પુરવઠો નહીં મળી શકે જેને લઈને હવે એક સપ્તાહમાં પાંચ દિવસ જ કારખાનાઓ ચાલુ રહે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઇને ૫૦,૦૦૦ થી વધુ કારીગરો અને ૧,૦૦૦ થી વધુ ઉદ્યોગકારોના જીવન ઉપર તેની સીધી અસર જોવા મળવાની છે. ગુજરાત રાજ્યમાં વીજળીનો પુરવઠો ખૂટી રહ્યો છે તેની સામે માંગમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઇને સૌથી વધુ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારો પ્રભાવિત બન્યા છે સરકારે પણ આ નિર્ણય કર્યો છે ત્યારે હજુ ઔદ્યોગિક એકમમાં નિર્ણય કરાયો છે. જોકે, ઘર વપરાશ વીજળી યુનિટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વઢવાણ જીઆઇડીસી વિસ્તારના ઉદ્યોગકાર યુસુફભાઈ મેતરે જણાવ્યું કે, હાલ તહેવારનો સમય ચાલી રહ્યો છે ત્યારે અલગ અલગ વસ્તુઓની અને ઉત્પાદિત થતી વસ્તુઓની માંગમાં વધારો છે. તેમાં મોટાભાગે ઈલેક્ટ્રીક ઉપકરણોથી ચાલતા યંત્ર અને સાધન સામગ્રી વઢવાણ જીઆઇડીસી ઉદ્યોગમાં ઉપલબ્ધ છે ત્યારે જો વીજ પુરવઠો ન મળે તો ઉદ્યોગો બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ છે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો નથી ત્યારે સરકાર દ્વારા દર ગુરુવારના દિવસે સાંજે ૦૪ વાગ્યાથી લઈ અને ૧૧ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કારખાનાઓ બંધ રહે તેવી પરિસ્થિતિ છે. જેને લઈને આર્થિક અસર પણ સર્જાય અને કારીગરોને પણ કાપ મૂકવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર યોગ્ય નિર્ણય કરે અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો ઉપલબ્ધ કરે તેવી અમારી માંગ છે.
બીજી તરફ, વાપી ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં મોટા ભાગની કંપનીઓ પાસે વૈકલ્પિક વીજ વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી ઔદ્યોગિક ઉત્પાદન પર તેની અસર મર્યાદિત રહેવાની શક્યતા છે. બીજી તરફ, નાના ઉદ્યોગો તેમજ ગ્રામ્ય અને ખેતીવાડી વિસ્તારોમાં વીજકાપની અસર જોવા મળી શકે છે.
વાપી ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ડીજીવીસીએલના ઇજનેર દધીચ ફૂલવાલાએ જણાવ્યું હતું કે, વાપીના ચારેય વિભાગો એટલે કે ફોર ફેઝમાં સ્ટેગર્ડ ડેના આધારે વીજકાપનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે અઠવાડિયામાં એક દિવસ વીજ લાઇનો અને અન્ય સાધનોના મેન્ટેનન્સ માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવે છે. આ જ દિવસે વધારાના વીજકાપનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી ઉદ્યોગોને અલગથી વધુ દિવસ વીજકાપનો સામનો કરવો ન પડે તેવું આયોજન કરાયું છે.
વાપીમાં મોટી સંખ્યામાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આવા નાના ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા વીજળી પર આધારિત હોવાથી વીજકાપના કારણે તેમના રોજિંદા કામકાજ અને ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને સતત મશીનરી ચલાવવાની જરૂરિયાત ધરાવતા એકમો માટે વીજપુરવઠામાં વિક્ષેપ પડકારરૂપ બની શકે છે.
જોકે, જે કંપનીઓમાં નિયમિત રીતે ઉત્પાદન ચાલુ રાખવું જરૂરી છે, ત્યાં ડીજી સેટનો ઉપયોગ કરીને કામગીરી ચાલુ રાખવામાં આવી રહ્યો છે. ઉદ્યોગો દ્વારા વીજકાપના સમયગાળાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન અને કામદારોના આયોજનમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
વાપીની ગણેશ એન્જિનિયરિગ કંપનીના મહેશભાઈએ જણાવ્યું હતું કે જે દિવસે વીજકાપ રહેવાનો હોય તે અંગે અગાઉથી જાણકારી મળી જતાં કામદારો અને વર્કરોનું આયોજન કરી શકાય છે. પરિણામે, વીજકાપના દિવસ પહેલાં અથવા ત્યારબાદ જરૂરી કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ રીતે ઉત્પાદન પ્રક્રિયા પર થતી અસરને ઘટાડી શકાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વાપીમાં મોટાભાગે એન્જાિનિયરિગ સહિતના વિવિધ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. અગાઉથી આયોજન કરવામાં આવે તો વીજકાપના કારણે કામકાજમાં થતી મુશ્કેલીઓને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
