<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

રાજ્‍યમાં વીજ માગ વધીને ૨૫,૬૩૦ મેગાવોટ થઈ

ગરમીનો પારો ૪૨ ડિગ્રી ઉપર ચાલ્‍યો જતો એરકન્‍ડિશન્‍ડ, એરકુલર, પંખાનો વપરાશ વધી ગયો

વડોદરા,તા.૨૭: રાજ્‍યમાં ઉષ્‍ણતામાનનો પારો ૪૦ડિગ્રીને વટાવી ગયો છે. વડોદરા શહેરમાં આજે ૪૩ ડિગ્રી તાપમાનનો પારો રહ્યો હતો. હિટવેવના પગલે શહેરમાં એરકન્‍ડિશન્‍ડ, એર કૂલર રેફ્રિજરેટર તથા ઈલે.પંખાનું વેચાણ સતત વધી રહ્યું છે.વડોદરા શહેરમાં પણ વીજ માગ સતત વધી રહી છે. શુક્રવારે શહેરમાં વીજ માગ૪૬૨ મેગાવોટ હતી જે શનિવારે વધીને ૪૭૫ મેગાવોટ રહી હતી. બીજી તરફ એમજીવીસીએલની વીજ માગ ૨૬૭૫ મેગાવોટ પરથી વધીને ૨૭૫૧ મેગાવોટ રહી હતી. જ્‍યારે સમગ્ર રાજ્‍યમાં વીજ માગ શનિવારે ૨૫૬૩૦ મેગાવોટ રહી હતી. જે શુક્રવારે ૨૪૯૭૪ મેગાવોટ રહી હતી. વીજ કંપનીના સૂત્રોના જણાવ્‍યા મુજબ રાજ્‍યમાં ઘણા વિસ્‍તારોમાં ઉષ્‍ણતામાનનો પારો ૪૧ ડિગ્રીને વટાવી ગયો છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી ઉંચે જશે તેવા હવામાન વિભાગના અહેવાલના પગલે પણ સ્‍ટેટ લોડ ડિસ્‍પેચ સેન્‍ટર (એસએલડીસી દ્વારા પાવર મેનેજમેન્‍ટ કરવામાં આવી રહ્યું છે સાંજના છ થી વીજ માગમાં સતત વધારો થઈ રહ્યો હોય છે અને રાત્રીના દોઢ વાગ્‍યા સુધી વીજ માગ સતત વધતી રહે છે. ઉલ્‍લેખનીય છેકે, ગત વર્ષે ૨૫મી એપ્રિલના રોજ રાજ્‍યમાં વીજ માગ ૨૫૮૮૭ મેગાવોટ રહી હતી. આમ ગત વર્ષની ૨૫મી એપ્રિલની તુલનાએ આ વર્ષે ૨૫મી એપ્રિલના રોજ વીજ માગ ૫૧૭ મેગાવોટ ઓછી રહી હતી. બીજી તરફ દેશમાં પણ શનિવારે વીજ માગ ઓલ ટાઈમ હાઈ રહી હતી. જેર૫૬ ગીગાવોટ રહી હતી. ઘણા શહેરોમાં અસહ્ય ગરમી પડી રહી છે. આ વર્ષે ૨૭૫ ગીગાવોટ વીજ માગ રહે તેવા અનુમાન મુકવામાં આવી રહ્યા છે.

 રાજ્‍યમાં ૪ દિવસમાં જ ૧૬૮૧ મેગાવોટ વીજ માગ વધી

રાજ્‍યમાં બુધવારે વીજ માગ ૨૪૬૭૯ મેગાવોટ હતી. જે ગુરૂવારે ૨૪૨૬૬ મેગાવોટ હતી. શુક્રવારે ૨૪૬૯૪ મેગાવોટ અને શનિવારે ૨૫૩૬૦ મેગાવોટ વીજ માગ રહી હતી. એક અંદાજ મુજબ આ વર્ષે વીજ માગ નવો રેકોર્ડ સ્‍થાપશે. જે ૨૬૫૦૦ મેગાવોટથી ૨૭૦૦૦ મેગાવોટ સુધી પહોંચી શકે છે

(10:40 AM IST)