<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ભરૂચના ઇકરા મતદાન મથકે વીજળી ડૂલ થતા અંધારપટ: મતદારો અને સ્ટાફની મુશ્કેલીઓ વધી

મતદાન પ્રક્રિયા ચાલુ રાખવા માટે મીણબત્તી અને મોબાઈલની ટોર્ચનો લેવો પડ્યો સહારો, ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી

  ભરૂચ:   ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભરૂચના ઇકરા મતદાન મથક પરથી ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. મતદાન પ્રક્રિયા દરમિયાન અચાનક વીજળી ગુલ (પાવર કટ) થઈ જતા સમગ્ર મતદાન મથક વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે મતાધિકારનો ઉપયોગ કરવા આવેલા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

  અંધારામાં મતદાન કરવાની ફરજ 

મતદાન મથક પર અચાનક વીજળી જતી રહેતા કામગીરી અટકી ન પડે તે માટે ચૂંટણી સ્ટાફ અને મતદાન કરવા આવેલા મતદારોએ અનોખો રસ્તો અપનાવવો પડ્યો હતો. સ્થિતિ એવી સર્જાઈ હતી કે મીણબત્તી અને મોબાઈલની ટોર્ચના અજવાળે મતદાન પ્રક્રિયા આગળ ધપાવવાની ફરજ પડી હતી. અંધારાના કારણે વોટિંગ મશીન જોવા અને મતદારોના નામની ચકાસણી કરવામાં સ્ટાફને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

  તંત્ર સામે સવાલો 

ચૂંટણી જેવા મહત્વના દિવસે અને તે પણ મતદાન મથક જેવા સંવેદનશીલ સ્થળે વીજળીની આવી અસુવિધાને લઈને તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. મતદારોએ અંધારામાં મતદાન કરવાની ફરજ પડતા રોષ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જોકે, મતદાન પ્રક્રિયા ખોરવાય નહીં તે માટે સ્ટાફ દ્વારા મર્યાદિત પ્રકાશમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

(12:18 PM IST)