તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ચાણસ્મા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પ્રકાશકુમાર પરમાર વિધવા સહાયના દાખલા માટે રૂા. ૮૦૦ની લાંચ લેતા પાટણ ACB ના PI એન.કે.ચૌધરીના ડિકોય છટકામાં રંગેહાથ ઝડપાયા
મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એન્ટી કરપ્શન બ્યુરોએ કચેરીના કંપાઉન્ડમાં સફળ ઓપરેશન પાર પાડી ભ્રષ્ટાચારી આઉટ સોર્સ કર્મચારીને દબોચ્યો

રાજકોટ: પાટણ જિલ્લાની ચાણસ્મા મામલતદાર કચેરીની વિધવા સહાય શાખામાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર પ્રકાશકુમાર ભરતસિંહ પરમાર વિધવા સહાયનો જરૂરી સરકારી દાખલો કાઢી આપવાના બહાને એક જાગૃત નાગરિક (ડિકોયર) પાસેથી રૂા. ૮૦૦ની લાંચ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)ના હાથે રંગેહાથ પકડાઈ ગયા છે. પાટણ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.ચૌધરીની ટીમે મામલતદાર કચેરીના કંપાઉન્ડની ખુલ્લી જગ્યામાં સફળ ડિકોય છટકું ગોઠવીને આ લાંચિયા કર્મચારીને લાંચની રકમ સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ ઓપરેશનની વિગતવાર માહિતી મુજબ, એન્ટી કરપ્શન બ્યુરોને અગાઉથી એક આધારભૂત અને ચોક્કસ માહિતી મળી હતી કે, ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય મેળવવા માટે જરૂરી એવા સરકારી દાખલાઓ કાઢી આપવાના બદલામાં ત્યાં આવતા ગરીબ અને જરૂરિયાતમંદ અરજદાર નાગરિકો પાસેથી રૂા. ૧૦૦ થી લઈને રૂા. ૨,૦૦૦ સુધીની લાંચની રકમ માંગવામાં આવે છે. આ વ્યાપક ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ કરવા અને ભ્રષ્ટ તત્વોને પકડવા માટે એ.સી.બી. વિભાગ દ્વારા તાત્કાલિક એક ઓપરેશન તૈયાર કરવામાં આવ્યું હતું.
આ આયોજન હેઠળ, પાટણ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.ચૌધરી પોતે આ કેસમાં ફરિયાદી બન્યા હતા અને એક જાગૃત નાગરિકને ડિકોયર તરીકે તૈયાર કરીને તા. ૧૦/૦૭/૨૦૨૬ના રોજ ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે લાંચના ડિકોય છટકાનું સચોટ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડિકોય છટકા દરમિયાન, ચાણસ્મા મામલતદાર કચેરીની વિધવા સહાય શાખાના આઉટ સોર્સ કોમ્પ્યુટર ઓપરેટર આરોપી પ્રકાશકુમાર ભરતસિંહ પરમાર (ઉંમર વર્ષ ૩૪, રહેવાસી: ઠાકોરવાસ, જળચોક, પાટણ, તાલુકો અને જિલ્લો: પાટણ) પાસે જ્યારે ડિકોયર નાગરિક વિધવા સહાયનો દાખલો મેળવવા માટે ગયા, ત્યારે આરોપીએ આ સરકારી દાખલો કાઢી આપવાની અવેજીમાં રૂા. ૮,૦૦૦ની કુલ લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે આરોપી રૂા. ૮૦૦ની લાંચ લેવા માટે તૈયાર થયો હતો.
મામલતદાર કચેરી ચાણસ્માના કંપાઉન્ડમાં આવેલી ખુલ્લી જગ્યામાં જેવો આરોપી પ્રકાશકુમાર પરમારે ડિકોયર પાસેથી લાંચના નક્કી થયેલા રૂા. ૮૦૦ સ્વીકાર્યા, કે તુરંત જ ગુપ્ત વેશમાં વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમે ત્રાટકીને તેને ઘટનાસ્થળેથી જ રંગેહાથ પકડી પાડ્યો હતો. એ.સી.બી.એ આરોપીના કબજામાંથી લાંચ પેટે સ્વીકારેલી રૂા. ૮૦૦ની પૂરેપૂરી રકમ સ્થળ પરથી જ કાયદેસર રીતે રિકવર કરી લીધી છે. આરોપીએ જાહેર સેવકની ભૂમિકામાં હોવા છતાં નાગરિક પાસેથી ગેરકાયદેસર નાણાંની માંગણી કરી ગુનો આચર્યો હોવાથી તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
આ સફળ ડિકોય ઓપરેશન પાટણ એ.સી.બી. પોલીસ સ્ટેશનના ડિકોય કરનાર અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.ચૌધરી દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર રેડની કાર્યવાહી બોર્ડર એસીબી એકમ, ભુજના મદદનીશ નિયામક અને સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ તેમજ રાજકોટ એકમના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલાના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. મામલતદાર કચેરીમાં એ.સી.બી.ની આ ત્રાટકવાની કાર્યવાહીથી લાંચિયા કર્મચારીઓ અને વચેટીયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
